Mon May 25 2026

Logo

ટ્રમ્પે શેર કર્યો ઈરાનનો વિવાદાસ્પદ 'નકશો': કહ્યું 'મધ્ય પૂર્વનું યુનાઇટેડ સ્ટેટ્સ?'

washington dc   2026-05-24 20:52:56
Author: mumbai samachar team
Article Image

US President Donald Trump


વોશિંગ્ટનઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક એડિટેડ ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં ઈરાનને અમેરિકન ધ્વજના રંગોમાં રંગાયેલું દર્શાવવામાં આવ્યું હતું. આ ફોટા સાથે તેમણે 'મધ્ય પૂર્વનું યુનાઇટેડ સ્ટેટ્સ?' કેપ્શન પણ આપ્યું છે.

આ ફોટામાં ઈરાનનો નક્શો દર્શાવવામાં આવ્યો હતો, જેના પર અમેરિકન ધ્વજના તારાઓ અને પટ્ટાઓ હતા. આ પોસ્ટ ત્યારે આવી છે જ્યારે ટ્રમ્પે દાવો કર્યો કે તાજેતરની યુએસ લશ્કરી કાર્યવાહી બાદ ઈરાન વાટાઘાટો કરવા માટે તૈયાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેહરાનની લશ્કરી ક્ષમતાઓ ગંભીર રીતે નબળી પડી ગઇ છે અને દેશ ક્યારેય પણ પરમાણુ હથિયારો મેળવી શકશે નહીં.

અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર જો છેલ્લી ઘડીના રાજદ્વારી પ્રયાસો સફળતા મેળવવામાં નિષ્ફળ રહ્યા તો ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ નવા લશ્કરી હુમલાઓ શરૂ કરવા માટે ગંભીરતાથી વિચારી રહ્યા છે. 

ટ્રમ્પે તેમના સમર્થકોને કહ્યું કે હવે ઈરાનનું નૌસેના, વાયુસેના અને બધું જ સમાપ્ત થઇ ગયું છે. તેના નેતાઓ પણ ખતમ થઇ ગયા છે. જો તમે ફેક ન્યૂઝ વાંચશો તો તમને લાગશે કે બધું બરાબર છે. પરંતુ તેઓ જરાય ઠીક નથી. તેઓ કોઇપણ રીતે સમજૂતી કરવા માંગે છે.

જો કે ટ્રમ્પે જે નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો, તેના પુરાવા તો આપ્યા નથી. પરંતુ તેમણે એ વાતનો પુનરોચ્ચાર કર્યો કે ઈરાનને ક્યારેય પણ પરમાણુ હથિયારો મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.