Mon May 25 2026

Logo

બંગાળની ફલતા પેટાચૂંટણીમાં ભાજપનો 1 લાખ મતથી ઐતિહાસિક વિજય, મમતા બેનરજીનો ગઢ ધ્વસ્ત

2026-05-24 19:19:16
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ફરીથી મતદાન કરવામાં આવ્યું હતું જેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ મતગણનામાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ઉમેદવાર દેબાગ્શુ પાંડાનો ભવ્ય વિજય થયો છે. આશરે 1 લાખ મતથી તેમણે પોતાના હરીફ ઉમેદવારને ઐતિહાસિક રીતે માત આપી હતી. આ બેઠક પહેલા તૃણમૂલ કોંગ્રેસ પાસે હતી. પણ આ પરિણામને રાજ્યની રાજનીતિમાં એક મોટા ફેરફારના સંકેત સમાન માનવામાં આવે છે. વિધાનસભામાં મળેલી હાર બાદ ફલતામાં હાર એ મમતા બેનર્જી માટે એક મોટા ફટકાથી કમ નથી. 

ફરીથી મતદાન બાદ પરિણામ જાહેર
ફલતા બેઠક પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લા અંતર્ગત આવે છે. ચૂંટણીમાં ગડબડ થતા ફરીથી આ જ બેઠક માટે મતદાન કરવામાં આવ્યું હતું. નાગરિકોએ બીજી વખત મતદાનનો ઉપયોગ કર્યો હતો, જેની મતગણના કરાતા ભાજપનું કમળ અહીંયા ખીલી ઊઠ્યું હતું. 1 લાખના મતના અંતરથી તેમણે હરીફ ઉમેદવારને માત આપી હતી. આ પરિણામને લઈને મમતા બેનર્જીએ ગંભીર આરોપ લગાવ્યા છે, દીદીએ કહ્યું હતું કે, ફરીથી આ ચૂંટણીમાં વોટચોરી કરવામાં આવી છે. આ સાથે એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે, કેન્દ્રીય દળોએ ભાજપના એજન્ટ બની મતગણના કેન્દ્ર અંદર જવાના પ્રયાસ કર્યા હતા. પછી તેઓ અંદર પણ ગયા હતા.મુખ્યમંત્રી સુવેંદુ અધિકારીએ ભાજપની આ જીત બાદ તૃણમૂલ કોંગ્રેસ પર શાબ્દિક વાર કર્યા હતા. 

તૃણમૂલ કોંગ્રેસનો ગઢ
ફલતા વિધાનસભા બેઠક જે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લા અંતર્ગત આવે છે, આ વિસ્તાર તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીના ડાયમંડ હાર્બર લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે. એક સમયે આ વિસ્તારને તૃણમૂલ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. 29 એપ્રિલના આ બેઠક માટે પ્રથમવાર મતદાન થયું પણ વોટિંગ દરમિયાન મોટા આરોપ લાગ્યા કે, ઈવીએમમાં છેડછાડ થઈ છે. બુથ પર કબજો કરવા માટે પ્રયાસ થયા અને મતદાતાઓને ધમકીઓ આપવામાં આવી છે. મામલો ગંભીર થતા ચૂંટણી પંચે ફરીથી મતદાન કરાવ્યું હતું જેનું આ પરિણામ હતું. 21 મે ના રોજ ફરીથી આ બેઠક માટે ચૂંટણી થઈ જેમાં હવે ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે. 

ફલતાના પુષ્પાની ગેમ ઓવર કરી નાખી
મતદાન શાંતિપૂર્ણ થયું અને પરિણામમાં પણ ભાજપને ફરી જીત પ્રાપ્ત થઈ. 88 ટકા મતદાન આ બેઠક પર થયું હતું. 24 મેના રોજ આ બેઠક માટે મત ગણતરી કરવામાં આવી હતી. 1,49,666 મત દેબાગ્શુ પાંડેને મળ્યા હતા. સીપીએમ ઉમેદવાર સંભુનાથ કુર્મીને 40645 મત મળ્યા, કોંગ્રેસના અબ્દુર રજ્જાક મોલ્લાને 10084 મત મળ્યા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાગીર ખાનને 7783 મત જ મળ્યા હતા. ક્યારેય ઝૂકવા તૈયાર નહીં એવા જહાગીર ખાનને સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. આમ તૃણમૂલ કોંગ્રેસના નેતાને એક મોટા અંતરની હાર સહન કરવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર જીત પર મુખ્યમંત્રી સુવેંદુ અધિકારીએ કહ્યું હતું કે, ડાયમંડ હાર્બર મોડલ હવે તૃણમૂલ કોંગ્રેસ લોસ મોડલ બન્યું. ફલતાની પ્રજાનો આભાર વ્યક્ત કરૂ છું જેમણે દેબાંગ્શું પાડાને વિજેતા બનાવ્યો છે.