નવી દિલ્હી: દેશના કરોડો મોબાઇલ યુઝર્સ માટે ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ મહત્વનો આદેશ આપતા મોટો ફાયદો કરાવ્યો છે. ટેલિકોમ નિયામક ટ્રાયએ ટેલિકોમ ઓપરેટર્સને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમને સસ્તા રિચાર્જ બતાવવાના રહેશે, જે એક મહિનામાં લાગુ કરવાનો રહેશે.
રિલાયન્સ જિઓ, એરટેલ, વોડાફોન-આઈડિયા (Vi) અને બીએસએનએલ સહિત તમામ ટેલિકોમ ઓપરેટર્સે હવે તેમના વેબસાઇટ, મોબાઇલ એપ અને અન્ય એક્સક્લૂઝિવ પોઇન્ટ્સ ઓફ સેલ પર TRAI દ્વારા ફરજિયાત કરાયેલા રિચાર્જ પ્લાન અને સ્પેશિયલ ટેરિફ વાઉચર્સને સ્પષ્ટ રીતે દર્શાવવા પડશે. TRAIનો આ નિર્ણય ગ્રાહકોની ફરિયાદો બાદ લેવામાં આવ્યો છે.
પહેલી ઓક્ટોબરે TRAIએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને કહ્યું કે તે પોતાની વેબસાઈટ, મોબાઈલ એપ અને ખાસ વેચાણ કેન્દ્રો પર જરૂરી રિચાર્જ પ્લાન અને સ્પેશિયલ ટેરિફ વાઉચરને સામે અને સ્પષ્ટપણે બતાવે, જેથી ગ્રાહકોને સસ્તા રિચાર્જ પ્લાન બતાવે. ટ્રાઇએ ગ્રાહકોની ફરિયાદો બાદ ટેલિકોમ ઓપરેટર્સને આ નિર્દેશ આપ્યો છે.
ટ્રાયના નવા નિર્દેશ અનુસાર દરેક ટેલિકોમ કંપનીએ પ્રીપેડ રિચાર્જ સેક્શનમાં ‘TRAI-Mandated Packs’ નામનું અલગ અને સ્પષ્ટ ટેબ અથવા સેક્શન બનાવવું પડશે. આ ટેબ પ્રીપેડ રિચાર્જ પેજ પર પ્રથમ ટેબ તરીકે દેખાવું જોઈએ, જેથી ગ્રાહકને ફરજિયાત રિચાર્જ પ્લાન શોધવા માટે અલગ-અલગ કેટેગરી કે અનેક પેજ પર જવું ન પડે.
ટ્રાઇએ ટેલિકોમ ઓપરેટર્સને આદેશ જારી કરવાની તારીખથી એક મહિનામાં તેને લાગુ કરવા માટે કહ્યું છે એટલે 1 નવેમ્બર સુધી આ આદેશનું પાલન થઈ જવું જોઈએ. યુઝર્સને આવતા મહિના એટલે કે નવેમ્બરથી ટેલિકોમ ઓપરેસ્ટર્સની વેબસાઈટ અને એપ્સ પર ટ્રાઈ દ્વારા રેકમેન્ડેડ સસ્તા પેક્સ જોવા મળશે.
દરેક ટેલિકોમ ઓપરેટર્સ 30 દિવસ કે તેનાથી ઓછી વેલિડિટીના સ્પેશ્યલ ટેરિફ વાઉચર લોન્ચ કરવા પડશે, જેમાં ફક્ત વોઇસ અને એસએમએસ ઓફર આપવામાં આવશે. સાથે જ 30 દિવસથી વધારે વેલિડિટીવાળા ઓછા ઓછા એક વોઇસ અને એસએમએસ ઓન્લી પ્લાન પણ ગ્રાહકોને આપવો પડશે. ટેલિકોમ નિયામકે એમ પણ કહ્યું છે કે આ પ્લાનના ભાવમાં પણ યોગ્ય કાપ મૂકવામાં આવે, જેથી ડેટાવાળા પ્લાનથી વધુ સસ્તા પડી શકે.