બીડ: કોર્ટ રૂમમાં જ શરીર પર પેટ્રોલ રેડી આરોપીએ આત્મદહનનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બીડ જિલ્લામાં બની હતી. જોકે ત્યાં હાજર વકીલોએ ઝડપથી મધ્યસ્થી કરી આરોપીને ગંભીર પગલું ભરતાં અટકાવી દીધો હતો.પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની બપોરે 12.30 વાગ્યાની આસપાસ અંબાજોગાઈમાં જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટ રૂમ નંબર-1માં બની હતી. કોર્ટમાં રોજિંદી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે આરોપી વિલાસ કુંડલિક ઘુગે ત્યાં હાજર હતો.
કૈજ તાલુકાના લાડેવડગાંવનો રહેવાસી ઘુગે તેના દીકરા અને વકીલ સાથે ઊભો હતો. કોર્ટ કામકાજ દરમિયાન ઘુગેએ આક્ષેપ કર્યો હતો કે આ કેસનો ફરિયાદી ગામમાં તેની પત્ની વિશેબદનક્ષીપૂર્ણ અફવાઓ ફેલાવતો હતો.આરોપીએ ફરિયાદીને તાત્કાલિક કોર્ટમાં બોલાવવાની માગણી કરી હતી અને આવું નહીં થાય તો તે પોતાના જીવનનો અંત લાવશે, એમ કહ્યું હતું.આ અંગે કોઈ ટિપ્પણી થાય તે પહેલાં જ આરોપીએ પોતાના ખીસામાંથી એક બૉટલ કાઢી હતી અને લગભગ અડધા લિટર જેટલું પેટ્રોલ પોતાના શરીર પર રેડ્યું હતું. પછી ઘુગેએ એક ખીસામાંથી માચીસ કાઢતાં બધાને આંચકો લાગ્યો હતો. કોર્ટ રૂમમાં ડરનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું.
જોકે એડ્વોકેટ આઈ. એ. ગવળી તરત જ ઘુગે તરફ દોડ્યા હતા અને તેને પકડી લીધો હતો. એ જ સમયે આસિસ્ટન્ટ સરકારી વકીલ એસ. એમ. વાઘમારેએ ઘુગેના હાથમાંથી માચીસ ઝૂંટવી લીધી હતી. અન્ય વકીલો પણ તેમની મદદે આવ્યા હતા.વાઘમારેએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમે ઘુગેને કસ્ટડીમાં લીધો હતો. તેની વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)
પ્રતીકાત્મક તસવીર