Tue Oct 06 2026

Logo

બર્થ-ડે ગર્લ લવલીના બની ગોલ્ડન ગર્લઃ ભારતીય મુક્કાબાજ પરવીનને હરીફ ખેલાડીએ જ ઊંચકીને કર્યું સેલિબે્રશન!

Nagoya   2026-10-02 21:38:27
Author: Ajay Motiwala
બર્થ-ડે ગર્લ લવલીના બની ગોલ્ડન ગર્લઃ ભારતીય મુક્કાબાજ પરવીનને હરીફ ખેલાડીએ જ ઊંચકીને કર્યું સેલિબે્રશન!

PTI


ભારતીય હૉકી ખેલાડીનો 200મી મૅચમાં ગોલ્ડન ગોલ

નાગોયાઃ જાપાનની એશિયન ગેમ્સમાં શુક્રવારનો 14મો દિવસ ભારત માટે આ વખતના રમતોત્સવમાં સૌથી સફળ અને સૌથી અનોખો હતો, કારણકે છ-છ ગોલ્ડ મેડલ મેળવીને ભારત આઠમા નંબરેથી પાંચમા સ્થાન પર તો આવી જ ગયું, કેટલીક ભારતીય સ્પર્ધકો માટે આ દિવસ બીજી એક રીતે પણ યાદગાર બની ગયો હતો.

29 વર્ષીય બૉક્સર લવલીના બોર્ગોહેઇનનો શુક્રવાર, બીજી ઑક્ટોબરે જન્મદિન હતો અને એ જ દિવસે તેણે 75 કિલો વર્ગમાં ચીનની ઝિયી બાઓને જોરદાર પંચ લગાવીને 5-0થી પરાજિત કરી ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. લવલીના બર્થ-ડેને દિવસે જ ગોલ્ડન ગર્લ બની ગઈ.

શુક્રવારે ભારતીય મહિલા મુક્કાબાજ પરવીન હૂડાએ 65 કિલો વર્ગમાં તાઇપેઇની ઑલિમ્પિક્સ મેડલ વિજેતા ચેન નિએન-ચિનને રોમાંચક મુકાબલામાં 3-2થી હરાવી દીધી હતી. ચેને જીતવાની પાક્કી તૈયારી કરી લીધી હતી, પણ જજની પૅનલમાં થોડા મતમતાંતર બાદ પરવીન (Parveen)ને 3-2થી વિજેતા જાહેર કરવામાં આવી ત્યારે ચેન (Chen) પોતે રિંગમાં જ પરવીનને ઊંચકીને તેની જીતમાં સહભાગી થઈ હતી. આ જોઈને બધા ખૂબ હસ્યા હતા અને ચેનની લાગણીઓની કદર કરી હતી.

ભારતે મહિલા હૉકીની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચીનને 1-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. મૅચનો આ એકમાત્ર ગોલ ભારતીય પ્લેયર લાલરેમસિયામીએ 10મી મિનિટમાં કર્યો હતો. ત્યાર પછી આખી મૅચમાં સલિમા ટેટેના નેતૃત્વમાં ભારતે મજબૂત ડિફેન્સ જાળવીને ચીનને એકેય ગોલ નહોતો કરવા દીધો. ગોલ્ડન ગોલકર્તા લાલરેમસિયામીની આ 200મી આંતરરાષ્ટ્રીય મૅચ હતી જેને ખુદ તેણે જ પોતાના માટે અને ભારત માટે યાદગાર બનાવી દીધી. ભારતીય મહિલા ટીમ 44 વર્ષે ફરી એશિયાડનો ગોલ્ડ મેડલ જીત્યું અને 2028ની ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય પણ થઈ ગઈ.