Mon May 25 2026

Logo

મમતાએ ડિઝાઈન કરેલું ધડ-માથા વગરનું `ફૂટબૉલ શિલ્પ' તોડી પાડવામાં આવ્યું

2026-05-24 08:09:00
Author: Ajay Motiwala
Article Image

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની નવી ભાજપ સરકારના આદેશને પગલે કોલકાતાના વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ તરીકે જાણીતા સૉલ્ટ લેક સ્ટેડિયમના વીવીઆઈપી ગૅટ પાસે આવેલું ફૂટબૉલનું વિવાદાસ્પદ શિલ્પ શનિવારે સવારે તોડી પડાયું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

માત્ર પગ ધરાવતું ને ધડ-માથા વગરનું આ શિલ્પ વર્ષોથી વિવાદાસ્પદ રહ્યું હતું.

રાજ્યના રમતગમત ખાતાના પ્રધાન નિશિથ પ્રામાણિકે અગાઉ જાહેરાત કરી હતી કે અનેક ફૂટબૉલ પ્રેમીઓ આ શિલ્પ (Sculpture)ની ટીકા કરતા હતા અને તેમનું માનવું હતું કે આ વિચિત્ર, અર્થહીન અને વિવાદાસ્પદ શિલ્પને સ્ટેડિયમના પરિસરમાંથી હટાવી દેવું જોઈએ.
 

વર્ષ 2017માં અન્ડર-17 વર્લ્ડ કપ વખતે આ સ્ટેડિયમના રિનોવેશન દરમિયાન ખુદ મમતા બૅનરજી (Mamata Banerjee)એ ડિઝાઈન કરેલું આ આઘાતજનક અને ફૂટબૉલની મહાન રમતનું અપમાન કહી શકાય એવું આ શિલ્પ ત્યાં મૂકવામાં આવ્યું હતું.

આ શિલ્પ કમર સુધીના બે પગ દર્શાવતું હતું અને તેની ઉપરના ભાગમાં `વિશ્વ બાંગ્લા'નો લોગો હતો અને ફૂટબૉલ પર `જૉય' શબ્દ કોતરેલો હતો.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ આ શિલ્પની ડિઝાઈનની કલ્પના કરી હોવાનું માનવામાં આવે છે.  આ શિલ્પ જ્યારથી ત્યાં ગોઠવવામાં આવ્યું ત્યારથી એ ફૂટબૉલ પ્રેમીઓ અને મુલાકાતીઓ માટે ચર્ચાનો વિષય રહ્યું હતું.