Mon May 25 2026

Logo
IPL 2026:

રાજસ્થાન પ્લે-ઑફમાંઃ હૈદરાબાદ સામે એલિમિનેટરમાં ટકરાશે

2026-05-24 21:11:22
Author: Ajay Motiwala
Article Image

મુંબઈ જીતી ન શક્યું એટલે પંજાબ અને કોલકાતાની ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ

મુંબઈઃ 2008ની પ્રથમ આઇપીએલના ચૅમ્પિયન રાજસ્થાન રૉયલ્સે (20 ઓવરમાં 8/205) રવિવારે વાનખેડેમાં પાંચ ટાઇટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સ (20 ઓવરમાં 9/175)ને 30 રનથી હરાવીને પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો હતો. રાજસ્થાન જીત્યું એ સાથે આપોઆપ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. રાજસ્થાને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી મુંબઈને એના જ હોમ-ગ્રાઉન્ડ પર હરાવ્યું અને એ સાથે ઈડન ગાર્ડન્સની રવિવાર રાતની કોલકાતા-દિલ્હી મૅચ અર્થ વગરની થઈ ગઈ હતી.

જોફ્રા મૅન ઑફ ધ મૅચ

રાજસ્થાનનો બ્રિટિશ પેસ બોલર જોફ્રા આર્ચર (4-0-17-3) આ મૅચનો સુપર હીરો હતો. તેણે રોહિત શર્મા (0), નમન ધીર (છ રન) અને હાર્દિક પંડ્યા (34 રન)ની વિકેટ લીધી હતી. જોફ્રાએ 32 રન પણ બનાવ્યા હતા અને તેને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.

પૉઇન્ટ્સ ટેબલમાં કોની કેવી સ્થિતિ?

(1) બેંગ્લૂરુઃ 18 પૉઇન્ટ

(2) ગુજરાતઃ 18 પૉઇન્ટ

(3) હૈદરાબાદઃ 18 પૉઇન્ટ

(4) રાજસ્થાનઃ 16 પૉઇન્ટ

(5) પંજાબઃ 15 પૉઇન્ટ

(6) કોલકાતાઃ 13 પૉઇન્ટ

(7) ચેન્નઈઃ 12 પૉઇન્ટ

(8) દિલ્હીઃ 12 પૉઇન્ટ

(9) મુંબઈઃ આઠ પૉઇન્ટ 

(10) લખનઊઃ આઠ પૉઇન્ટ.

હવે મંગળવારથી પ્લે-ઑફ 

મંગળવાર, 26મી મેએ હિમાચલ પ્રદેશના ધરમશાલામાં બેંગ્લૂરુ અને ગુજરાત વચ્ચે ક્વૉલિફાયર-વન રમાશે. એમાં જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે અને હારનારી ટીમે શુક્રવારની ક્વૉલિફાયર-ટૂમાં રમવું પડશે. બુધવાર, 27મી મેએ એલિમિનેટરમાં હૈદરાબાદ-રાજસ્થાન વચ્ચે ટક્કર થશે અને એમાં જીતનારી ટીમ ક્વૉલિફાયર-ટૂમાં ક્વૉલિફાયર-વનની પરાજિત ટીમ સામે રમશે. એલિમિનેટરમાં પરાજિત થનારી ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ જશે.

મુંબઈ પર આધાર રાખ્યો, પણ...

રાજસ્થાને બૅટિંગમાં એકંદરે સાધારણ પર્ફોર્મ કર્યું હતું, પરંતુ પછીથી બોલિંગ અને ફીલ્ડિંગમાં પૂરી તાકાતથી પર્ફોર્મ કરીને પ્લે-ઑફમાં એન્ટ્રી કરી જ લીધી અને એ સાથે મુંબઈની જીત પર આધાર રાખીને બેઠેલા પંજાબ તથા કોલકાતા આપોઆપ ટૂર્નામેન્ટની બહાર થઈ ગયા હતા. દિલ્હીની ટીમ શનિવારે જ બહાર થઈ ગઈ હતી.

મુંબઈ છેલ્લી મૅચમાં પણ નબળું

મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આખી ટૂર્નામેન્ટમાં નબળા ટીમ-વર્ક તથા કંગાળ વ્યક્તિગત પર્ફોર્મન્સને કારણે ઘણા દિવસ પહેલાં જ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ હતી અને રવિવારે હોમ-ગ્રાઉન્ડ વાનખેડેમાં પણ એણે એવા જ નિરાશાજનક પર્ફોર્મ કર્યું. કૅપ્ટન હાર્દિક પંડ્યાએ બોલિંગ નહોતી કરી અને તેના છ બોલર રાજસ્થાનને 200 રનના જાદુઈ આંકડાથી વંચિત નહોતા રાખી શક્યા. ખાસ કરીને છેલ્લી પાંચ ઓવરમાં રાજસ્થાને જે 73 રન બનાવ્યા એ મુંબઈને છેવટે નડ્યા હતા. સૂર્યકુમાર યાદવ (60 રન, 42 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) સિવાય બીજો કોઈ બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો. હાર્દિક (34 રન, 15 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)એ સૂર્યા સાથે 48 રનની ભાગીદારી કરી હતી અને એ જોડી મુંબઈને જિતાડી શકે એમ હતું, પરંતુ જોફ્રાના બૉલમાં નેન્ડ્રે બર્ગરે લૉન્ગ-ઑન પર હાર્દિકનો અફલાતૂન કૅચ ઝીલ્યો હતો. ત્યાર બાદ કૉર્બિન બૉશ્ચનો સુંદર કૅચ ફરેરાએ યશ રાજ પુન્જાના બૉલમાં ઝીલ્યો હતો અને રાજસ્થાન વિજયની નજીક પહોંચ્યું હતું. તિલક વર્મા (ત્રણ રન) અને વિલ જૅક્સ (33 રન, 18 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) પણ મુંબઈને ઉગારી નહોતા શક્યા. જોફ્રાની ત્રણ વિકેટ ઉપરાંત બર્ગર, બ્રિજેશ શર્મા અને યશ રાજ પુન્જાએ બે-બે વિકેટ લીધી હતી.

જાડેજા-બર્ગરની 30 રનની અતૂટ ભાગીદારી

એ પહેલાં, રાજસ્થાનની 205 રનની ઇનિંગ્સમાં દીપક ચાહર ખાસ કરીને વૈભવ સૂર્યવંશી (ચાર રન)ની અને ડૉનોવાન ફરેરા (18 રન)ની મૂલ્યવાન વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, જ્યારે શાર્દુલ ઠાકુરે પણ બે વિકેટ લીધી હતી. જોકે રાજસ્થાનના બૅટ્સમેનો સાધારણ પર્ફોર્મન્સ સાથે ટીમનો સ્કોર 200 રનને પાર કરાવ્યો હતો. ધ્રુવ જુરેલે 38 રન, જોફ્રાએ 32 રન, દાસુન શનાકાએ 29 રન અને યશસ્વીએ 27 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાને છેક નવમા નંબરે રમવા મળ્યું અને તેણે 11 બૉલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 19 રન બનાવીને અણનમ રહ્યો હતો. નેન્ડ્રે બર્ગર 10 રન બનાવીને અણનમ હતો. તેમણે 30 રનની અતૂટ ભાગીદારીથી ટીમનો સ્કોર 200 રનને પાર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.