Sat Sep 05 2026

Logo

ગુજરાતમાં હાલ ગરમી અને બફારો વધશે, આ તારીખથી રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, 20 રાજ્યોમાં મેઘતાંડવની ચેતવણી

2026-09-04 07:55:00
Author: Mayur Patel
ગુજરાતમાં હાલ ગરમી અને બફારો વધશે, આ તારીખથી રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, 20 રાજ્યોમાં મેઘતાંડવની ચેતવણી

અમદાવાદ/નવી દિલ્હીઃ દેશમાં મોસમનો બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે તો અમુક રાજ્યોમાં ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, બીજી તરફ ગુજરાતમાં ગરમી પડી રહી છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન 

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટાં જ જોવા મળશે, જ્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલે શું કરી આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી પ્રમાણે, આજથી 10 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 6 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર વધવાની શક્યતા છે.  10 સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં વધુ એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો 12થી 17 સપ્ટેમ્બર વચ્ચે સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલના અંદાજ પ્રમાણે રાજ્યમાં 2થી 6 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 4થી 6 ઇંચ વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની લાંબી રાહ હવે પૂરી થઈ શકે છે.


દેશભરમાં હવામાન પર નજર

હવામાન વિભાગની આગાહી મુજબ આજે  યુપી, બિહાર, દિલ્હી સહિત 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન 70 થી 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની ચેતવણી છે. બીજી તરફ પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની  ચેતવણી જારી કરાઈ છે. જ્યારે પૂર્વી રાજ્યોમાં વીજળી પડવા અને કડાકા-ભડાકા થવાની ચેતવણી અપાઈ છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોની નદીઓમાં જળસ્તર વધવાની ચેતવણી છે. પહાડી રાજ્યોમાં મુસાફરી કરતાં પહેલાં હવામાન વિભાગનું અપડેટ જોઈ લેવા જણાવાયું છે.

ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં લૉ પ્રેશર એરિયાના કારણે 04-05 સપ્ટેમ્બર દરમિયાન મધ્યપ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં પણ ક્યાંક-ક્યાંક અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે.  હવામાન વિભાગ અનુસાર આજે યુપી, દિલ્હી, બિહાર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર, ત્રિપુરા, આસામ, નાગાલેન્ડ, તેલંગાણા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દરમિયાન 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતું વાવાઝોડું તબાહી મચાવી શકે છે.

વધુ જુઓ...