અમદાવાદ/નવી દિલ્હીઃ હવામાન વિભાગે આજે યુપી, બિહાર સહિત 17 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે. જ્યારે પૂર્વ ભારતમાં વીજળીના ચમકારા અને વીજળી પડવાનો કહેર જોવા મળી શકે છે. ખેડૂતો માટે ખાસ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ દરમિયાન પહાડી રાજ્યોમાં ફરવા જનારા લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. કેટલાક રાજ્યોમાં મોટા-મોટા કરા પડવાની પણ ચેતવણી છે. ગુજરાતમાં પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર થઈ ગયો છે.
24 કલાકમાં 23 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 23 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 0.87 ઇંચ વરસાદ નોંધાયો હતો. દાહોદમાં 0.55 ઇંચ, તળાજામાં 0.43 ઇંચ, નાનાપોંઢામાં 0.39 ઇંચ, મેંદરડામાં 0.35 ઇંચ વરસાદ પડ્યો હતો.
અંબાલાલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. 15 સપ્ટેમ્બરથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં કેવી રીતે આવી શકે છે વરસાદ
હાલમાં મોન્સુન ટ્રફ, ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ ત્રણ સિસ્ટમ સક્રિય છે. ગુજરાત રાજ્યમાં હાલ વરસાદની 16 ટકા ઘટ નોંધાઈ છે. ગુજરાત રિજનમાં 1 ટકા જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ રિજનમાં 37 ટકા વરસાદની ઘટ છે. ત્રણ સિસ્ટમની વાત કરવામાં આવે તો મોન્સૂન ટ્રફ શ્રી ગંગાનગર, એક અન્ય સિસ્ટમ અરબી સમુદ્રથી ઝારખંડ સુધી છે. જ્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવી શકે છે.
આજે કયા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન ખાતાની આગાહી મુજબ, આજે યુપી, દિલ્હી, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર, અસમ, મેઘાલય અને કેરળમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દરમિયાન પૂર્વ ભારતના રાજ્યોમાં ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી છે. પવનની ઝડપ 70થી 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.