Tue Oct 06 2026

Logo

સ્પોર્ટ્સમૅનઃ આઇપીએલમાં મજા- આંતરરાષ્ટ્રીય મૅચોમાં ઈજા ને ટીમ ઇન્ડિયાને સજા

2026-09-05 08:06:00
Author: Ajay Motiwala
સ્પોર્ટ્સમૅનઃ આઇપીએલમાં મજા- આંતરરાષ્ટ્રીય મૅચોમાં ઈજા ને ટીમ ઇન્ડિયાને સજા

 

અજય મોતીવાલા

ટેસ્ટ ક્રિકેટનો એક સમયનો વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ 2026ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં 13 મૅચ રમ્યો જેમાં ફક્ત ચાર વિકેટ લઈ શક્યો હતો. એક સમયનો વર્લ્ડ નંબર-વન ટી-20 ઑલરાઉન્ડર અને મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન હાર્દિક પંડ્યા આ વર્ષની આઇપીએલમાં 10 મૅચ રમ્યો અને માત્ર ચાર વિકેટ લઈ શક્યો હતો. 

જોકે અહીં આપણે કોણે કેટલી વિકેટ લીધી એ વિશે ચર્ચા નહીં કરીએ. મુખ્ય મુદ્દો એ છે કે 20મી મે સુધીમાં આઇપીએલની સંખ્યાબંધ મૅચો રમનાર બુમરાહ એ ટૂર્નામેન્ટ બાદ ભારત વતી માત્ર બે મૅચ રમી શક્યો. હાર્દિક પંડ્યા તો 24મી મેએ મુંબઈ ઇન્ડિયન્સ વતી રમ્યા પછી ભારત વતી રમી જ નથી શક્યો.

કહેવાનો ભાવાર્થ એ છે કે આઇપીએલના મિશન સુધી બધું બરાબર ચાલે છે, પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો સમય આવે ત્યારે ઈજાગ્રસ્ત ભારતીય ક્રિકેટરોનો જાણે રાફડો ફાટી નીકળે છે. ખાસ કરીને બેંગ્લૂરુ-સ્થિત બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઇ)માં કૉન્ટૅ્રક્ટ હેઠળના ખેલાડીઓની ગીરદી વધી જાય છે. 

આઇપીએલની પહેલાં બને એટલું ઓછું રમવું કે જેથી કરોડો રૂપિયા આપતી આઇપીએલમાં પોતાના ફ્રૅન્ચાઇઝીને ઊની આંચ ન આવે અને પછી આઇપીએલ બાદ આંતરરાષ્ટ્રીય મૅચોમાં ઈજાને કારણે રમી ન શકાય એટલે સ્વસ્થ થવા માટે સારવાર લેવા સીઓઇમાં પહોંચી જવું. ક્યારેક તો એવું લાગે કે સીઓઇ જાણે કૉન્ટ્રેક્ટેડ પ્લેયર્સની સુવિધા માટે જ બન્યું છે.

થોડા અઠવાડિયા પહેલાં ભારતની ઇન્જર્ડ ઇલેવન બનતાં બનતાં રહી ગઈ હતી. છથી સાત ખેલાડી ઈજાને લીધે સારવાર હેઠળ હતા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતા અને એમાં જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, હર્ષિત રાણા, નીતીશ કુમાર રેડ્ડી, આકાશ દીપ, વૉશિંગ્ટન સુંદર અને ટી-20નો વર્લ્ડ નંબર-વન બોલર વરુણ ચક્રવર્તી. વિકેટકીપર રિષભ પંત અને કૅપ્ટન શુભમન ગિલ પણ ઈજાનો શિકાર થયા હતા.

બુમરાહ, નીતીશ, હર્ષિત અને સુંદરના નામ અફઘાનિસ્તાન સામે દિલ્હીમાં આ મહિને રમાનારી ટી-20 સિરીઝની ટીમમાં સમાવવામાં તો આવ્યા છે, પણ તેઓ પૂરેપૂરા ફિટ હશે તો જ રમી શકશે. સપ્ટેમ્બર મહિનો તો આવી ગયો. બીજા બે-ચાર મહિનામાં આ ખેલાડીઓ થોડું-ઘણું રમશે અને ત્યાં તો નવી આઇપીએલનો સમય નજીક આવી જશે. આમાંના અમુક ખેલાડીઓ 2026ની આઇપીએલમાં પૂરું નહોતા રમી શક્યા એ વાત ખરી, પણ તેમની કરીઅરના ભાવિ વિશે બીસીસીઆઇ ચિંતિત તો હશે જ.

ભારતના મુખ્ય ખેલાડીઓ (ખાસ કરીને બોલર) ઈજાને લીધે વિદેશી ટૂર પર નથી જઈ શક્તા એટલે ભારતીય ટીમે નામોશી સાથે પાછા આવવું પડે છે. આ વર્ષના જૂન-જુલાઈમાં જે બની ગયું એનો આઘાત ભારતીય ક્રિકેટપ્રેમીઓના દિલોદિમાગમાંથી જરાય નહીં ઓસર્યો હોય. એ દુ:સ્વપ્ન સમાન બે મહિનામાં ભારતીય ક્રિકેટરોની નામોશી થઈ હતી. 

પહેલાં તો નવા ટી-20 સુકાની શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ભારત પહેલી વખત આયરલૅન્ડની ધરતી પર મૅચ હાર્યું હતું. એ એક હાર જાણે પૂરતી ન હોય એમ ભારતીય ટીમ સિરીઝ 0-2થી હારી ગઈ હતી. ત્યાર પછી ખેલાડીઓ ઇંગ્લૅન્ડ ગયા હતા જ્યાં પ્રથમ ટી-20 વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને પછી ભારતીયો એક પછી એક ચારેય ટી-20 હારી જતાં ટીમ ઇન્ડિયાનો 0-4થી વાઇટ-વૉશ થયો હતો. 

અધૂરામાં પૂરું, વન-ડે શ્રેણી 1-2થી હારી ગયા હતા. જો બુમરાહ, હર્ષિત, નીતીશ રેડ્ડી અને વૉશિંગ્ટન સુંદર તમામ અપેક્ષિત મૅચો રમ્યા હોત તો ઇંગ્લૅન્ડમાં ભારત બન્ને અથવા બેમાંથી એક શ્રેણી જીત્યું જ હોત.

ઉપર આપણે જે ઈજાગ્રસ્ત ખેલાડીઓની વાત કરી એ બધા જો આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડમાં રમ્યા હોત તો ભારતની નાલેશી ન થઈ હોત. આઇપીએલ હવે તો ભારતને ત્રણ-ત્રણ ઇન્ટરનૅશનલ ટીમ આપી શકે એમ છે, પરંતુ મુખ્ય ખેલાડીઓ જ જો ઈજાનો શિકાર થતા હોય તો કરવું શું? ત્રણ ટીમ ભલે મળે, પણ એક મજબૂત ટીમ તો હોવી જોઈએને? આયરલૅન્ડ જેવી 11મા નંબરની ટીમ વર્લ્ડ નંબર-વન ભારતને હરાવી જાય એ તો ખરાબ જ કહેવાયને.

ટેસ્ટ-ક્રિકેટની વાત કરીએ તો શ્રીલંકાના ટેસ્ટ પ્રવાસમાં ભારતને બુમરાહ જેવા કેટલાક ચુનંદા ખેલાડીઓની ગેરહાજરી નડી હતી. જો બુમરાહ રમી શક્યો હોત તો સોનાલ દિનુશા નામનો શ્રીલંકાનો નવોસવો બૅટ્સમૅન બીજી ટેસ્ટના બીજા દાવમાં 420 મિનિટ સુધી ક્રીઝમાં ટકી શક્યો ન હોત અને 264 બૉલમાં અણનમ 133 રનની ઇનિંગ્સથી ભારતને જીતથી વંચિત રાખી શક્યો ન હોત. 

ભારતના પાંચ રેગ્યુલર બોલર (પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર, રવીન્દ્ર જાડેજા, સારાંશ જૈન) તેમ જ ત્રણ નૉન-રેગ્યુલર બોલર (શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ) છેક સુધી દિનુશાને આઉટ નહોતા કરી શક્યા અને તે છેલ્લો આખો દિવસ રમીને ટેસ્ટને ડ્રૉમાં લઈ જવામાં સફળ થયો હતો. ભારત 2-0થી ક્લીન સ્વીપ ન કરી શક્યું એટલે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલની રેસમાં ટકી રહેવું ભારત માટે મુશ્કેલ થઈ ગયું છે.

બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ ગુરુવારે મુંબઈમાં ગૌતમ ગંભીર, વીવીએસ લક્ષ્મણ, શુભમન ગિલ અને શ્રેયસ ઐયર સહિતના દિગ્ગજો સાથેની ઉચ્ચ-સ્તરિય બેઠક પછી પત્રકારો સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી કે `થોડા સમયથી મોટી સંખ્યામાં ભારતીય ક્રિકેટરો વારંવાર ઈજા પામે છે એ વિશે ક્રિકેટ બોર્ડ ચિંતિત છે અને આ પરિસ્થિતિના ઉપાયની શોધમાં જ છે. 

અમુક ખેલાડીઓએ મોટી સંખ્યામાં મૅચો રમવી પડતી હોવાથી તેઓ ઈજાનો શિકાર થતા રહે છે. ઇંગ્લૅન્ડમાં વન-ડે શ્રેણી માટેની ટીમના 15માંથી ત્રણ-ચાર ખેલાડી ઈજા પામ્યા હતા. જોકે તેઓ એ ટૂરની પહેલાં બે મહિના આઇપીએલમાં રમ્યા હતા જેની અસર તેમની ફિટનેસ પર જોવા મળી છે.'

હમણાં તો ભારતીય ક્રિકેટરોની જ્યારે પણ વાત નીકળે છે ત્યારે તેમના રન, વિકેટ, કૅચ કે રેકૉર્ડ કરતાં ઈજા, વર્કલૉડ અને ફિટનેસના જ મુદ્દા આગળ આવી જતા જોવા મળ્યા છે. એશિયન ગેમ્સની ક્રિકેટ ટૂર્નામેન્ટને માંડ બે અઠવાડિયા બાકી રહ્યા છે. યાદ રહે, આવતા વર્ષે વન-ડેના વર્લ્ડ કપને આડે આ બધી સમસ્યા ન આવવી જોઈએ. 

આઇપીએલમાં વધુ પડતું રમીને થતી ઈજા ત્યારે નિમિત્ત ન બનવી જોઈએ. નહીં તો, 2023માં ઘરઆંગણે રમાયેલા વન-ડે વર્લ્ડ કપની (અમદાવાદની) ફાઇનલમાં (ઑસ્ટે્રલિયા સામે) હારી ગયા હતા એવી નિરાશા 2027માં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં સંયુક્ત રીતે રમાનારા ઓડીઆઇ વર્લ્ડ કપમાં ન જોવી પડે એવી તકેદારી ક્રિકેટ બોર્ડ અને ટીમ ઇન્ડિયાના મૅનેજમેન્ટે રાખવી જ પડશે.