Mon May 25 2026

Logo

એક નજર ઈધર ભી...: બેલ્જિયમમાં શાકાહારનો મહિમા

2026-05-23 08:50:00
Author: Kamini Shroff
Article Image

કામિની શ્રોફ

વાયવ્ય યુરોપના દરિયાકાંઠાના વિસ્તારમાં બેલ્જિયમ, નેધરલૅન્ડ્સ અને લક્ઝમબર્ગ (Belgium, the Netherlands, Luxembourg) એ ત્રણ દેશનો સમાવેશ છે. આ ત્રિપુટી Benelux countries તરીકે પણ ઓળખાય છે. ત્રણેય દેશના અંગ્રેજી સ્પેલિંગના પ્રાથમિક અક્ષરોથી આ નામકરણ અસ્તિત્વમાં આવ્યું છે. આ દેશ Benelux Economic Union નામથી ઓળખાતા કરારથી જોડાયેલા છે. એના કારણે ત્રણેય દેશ વચ્ચે લોકોની, માલસામાનની અને સર્વિસનું મુક્ત આદાનપ્રદાન થાય છે. 

બેલ્જિયમ, નેધરલૅન્ડ્સ અને લક્ઝમબર્ગ `લો કન્ટ્રીઝ' કહેવાય છે, કારણ કે આ દેશનો કેટલોક જમીન વિસ્તાર દરિયાઈ સપાટીથી નીચે છે, જેમ કે નેધરલૅન્ડ્સનો 25 ટકા જમીનનો વિસ્તાર બિલો સી લેવલ - દરિયાઈ સપાટીથી નીચે છે. આ ત્રણ દેશમાં બોલાતી ભાષામાં પણ વૈવિધ્ય જોવા મળે છે. નેધરલૅન્ડ્સ અને ઉત્તર બેલ્જિયમમાં ડચ ભાષા બોલાય છે (બેલ્જિયમમાં આ ભાષા `ફ્લેમિશ' તરીકે ઓળખાય છે) જ્યારે બેલ્જિયમના દક્ષિણ વિસ્તારમાં ફ્રેન્ચ ભાષાનું ચલણ છે. લક્ઝમબર્ગમાં ફ્રેન્ચનું પ્રભુત્વ ધરાવતી જર્મન બોલી ચલણમાં છે. 

પહેલા વિશ્વયુદ્ધ વખતે નેધરલૅન્ડ્સ તટસ્થ રહ્યું હતું જ્યારે જર્મન દળોએ બેલ્જિયમ અને લક્ઝમબર્ગમાં આધિપત્ય જમાવ્યું હતું. યુદ્ધ સમાપ્ત થયા પછી ત્રણેય દેશ `નાટો' (નૉર્થ એટલાન્ટિક ટ્રિટી ઑર્ગેનાઇઝેશન)ના બત્રીસ સ્થાપક દેશ પૈકી હતા. ત્યાર બાદ Benelux Economic Union અસ્તિત્વમાં આવ્યું. ત્રણેય દેશમાં સંસદીય લોકશાહી અને વંશપરંપરાગત રાજાશાહી અસ્તિત્વ ધરાવે છે. ત્રણ દેશમાંથી સૌથી લાંબું રોકાણ અમારુંં તો નેધરલૅન્ડ્સમાં (ત્રણ મહિના) થયું હતું. જોકે, બલ્જિયમમાં થોડું ફરવા મળ્યું અને અમુક સ્થળે પહોંચી શકાય એમ નહોતું, પણ એની મળેલી જાણકારી રસપ્રદ હોવાથી વાચકો સુધી એ પહોંચાડવી જ જોઈએ એવો નિર્ણય કર્યો.

યુરોપમાં શાકાહારનો મહિમા

અચરજ સાથે આનંદ થાય એવી જાણકારી એ મળી કે બલ્જિયમનું જેન્ટ શહેર યુરોપના `વેજિટેરિયન કૅપિટલ' તરીકે ખ્યાતિ ધરાવે છે. સરકાર તરફથી ઉત્તેજન મળવાને કારણે તેમ જ શાકાહારી વાનગી ધરાવતા ફૂડ જૉઇન્ટ્સ અને રેસ્ટોરાંની વિશેષ પ્રમાણમાં હાજરી આ વિચારધારાને પ્રોત્સાહન આપે છે. આ ખિતાબની જેન્ટને લ્હાણી નથી કરવામાં આવી બલકે કોશિશો અને કાર્યક્રમોને પગલે એ મેળવવામાં આવ્યો છે. 

આજથી 17 વર્ષ પહેલાં 2009માં અઠવાડિયામાં એક દિવસ માંસાહારનો ત્યાગ સત્તાવાર સ્વરૂપે ઘોષિત કરનારો પ્રથમ દેશ બન્યો હતો. સ્થાનિક સરકારે આ અનોખી ઝુંબેશનું નેતૃત્વ કરી પ્રત્યેક મ્યુનિસિપલ ઑફિસ, પબ્લિક સ્કૂલો તેમ જ કેફેટેરિયામાં દર ગુરુવારે માંસાહારી વાનગી આપવા પર પ્રતિબંધ મૂકી દીધો. 

આ શહેરમાં વીગન (માંસાહાર ઉપરાંત દૂધ, ચીઝ, માખણ, યોગર્ટ જેવી વાનગીઓનો ત્યાગ) અને વેજિટેરિયન રેસ્ટોરાંની સંખ્યા માથાદીઠને હિસાબે ગણીએ તો લંડન અથવા પેરિસ કરતાં પણ વધારે છે. અલબત્ત, એકંદર સંખ્યા બંને શહેર કરતાં ઓછી હશે. શહેરમાં પ્લાન્ટ બેઝડ (મતલબ કે છોડ પર ઊગતી વસ્તુઓ) વાનગીઓ આરોગવાને પ્રાધાન્ય આપવામાં આવે છે. 

જાણવાની વાત તો એ છે કે વર્ષો જૂના બેલ્જિયમની રેસ્ટોરાંમાં, ચિપ્સ વેચતી સ્થાનિક દુકાનો તેમ જ કૅફેમાં પણ વીગન અને શાકાહારી વાનગીઓના અનેક વિકલ્પ ઉપલબ્ધ હોય છે. મળેલી જાણકારી અનુસાર જેન્ટમાં 100થી વધુ રેસ્ટોરાંમાં શાકાહારી ભોજનનો મહિમા છે. અહીંની રેસ્ટોરાંમાં ખાઈએ એટલી વાનગીના પૈસા આપવાનો અલાયદો શિરસ્તો છે. 

ત્રણ યુરોની બેઝિક પ્રાઇઝ ચૂકવી ગાજર, પાલક, શક્કરિયા અને બદામના બુફેથી શરૂઆત કરવાની અને પછી દર 100 ગ્રામ વધારે લો એના પૈસા આપવાના. અહીંની એક રેસ્ટોરાં તો સોશ્યલ રેસ્ટોરાં તરીકે જાણીતી છે, કારણ કે અહીં ભોજન સાથે રોજગાર વિનાના બેકાર લોકો માટે ખાસ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે.

સેન્ટ માઇકલ બ્રિજ અને થ્રી ટાવર્સ

જેન્ટ વ્યાપાર તેમ જ ધર્મ બાબતે ઐતિહાસિક શહેર છે. એની સાથે જોડાયેલી આધ્યાત્મિક કથાને કારણે એમાં રસ ધરાવતા લોકો આ શહેરની વિસ્તારપૂર્વક મુલાકાત લે છે. સેન્ટ માઇકલ બ્રિજ આ શહેરનું પ્રમુખ આકર્ષણ છે. અહીંથી શહેરના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા ત્રણ લૅન્ડમાર્ક (થ્રી ટાવર્સ) જોવાનો લ્હાવો ચૂકવા જેવો નથી એમ અમને ખાસ કહેવામાં આવ્યું હતું. 

આ લૅન્ડમાર્ક છે સેન્ટ નિકોલસ ચર્ચ, બેલફ્રાય અને સેન્ટ બેવો કથિડ્રલ. ચર્ચ અને કથિડ્રલ તો રોમ અને વેનિસમાં જોઈને ધરાઈ ગયા હતા એટલે એના માટે બહુ ઉત્સાહ નહોતો, પણ 14મી સદીમાં બાંધવામાં આવેલા બેલફ્રાય માટે ઉત્સુકતા હતી. અહીં એક મોટો ઘંટ બેસાડવામાં આવ્યો છે જેનો પ્રાથમિક હેતુ કેવળ ધાર્મિક હતો. જોકે, પછી એ સમયની જાણ કરતું સાધન બની ગયો અને આગની દુર્ઘટનાથી તેમ જ દશ્મનના આગમનની ચેતવણી આપવા પણ આ ઘંટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. બ્રિજ પરથી દૃશ્ય એટલું મનોરમ્ય લાગે છે કે અનેક સહેલાણીઓ અહીં સેલ્ફી લેતા હોય છે.

પવનચક્કી

પવનચક્કી એટલે પવનના જોરથી ફરતા ચક્કર સાથે યોજાયેલું યંત્ર જેની મદદથી પાણી ખેંચવાનું, અનાજ દળવાનું વગેરે અનેક કામ લેવાય એવું શાળાના ભણતરમાં આવતું હતું. શરૂઆતમાં આ યંત્રનો ઉપયોગ દળવા કે પીસવા માટે કરવામાં આવતો હોવાથી પવનની મદદથી ચાલતી દળવા કે પીસવા માટેની ચક્કી પવનચક્કી નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે. અંગ્રેજીમાં એને માટે `વિન્ડમિલ'  શબ્દ છે. 

યુરોપમાં વૈકલ્પિક ઊર્જાને મહત્ત્વ આપવામાં આવતું હોવાથી બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સમાં સારી સંખ્યામાં વૈવિધ્યપૂર્ણ વિન્ડમિલ જોવાનો મોકો મળ્યો. અમને જે પવનચક્કી જોવા મળી એ 247 મીટર ઊંચી અને પાંચ હજાર ઘરને વીજળીનો પુરવઠો પહોંચાડવાની ક્ષમતા ધરાવતી હતી. જોકે, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ત્રણ વિન્ડમિલ ન જોઈ શકાઈ એનો અફસોસ જરૂર થયો.