Mon May 25 2026

Logo

દુનિયા માટે આવ્યા રાહતના સમાચાર: ઈરાન ખોલશે હોર્મુઝ સ્ટ્રેટ, પણ સંકટ યથાવત્

Tehran   2026-05-24 17:41:11
Author: Mumbai Samachar Team
Article Image

હોર્મુઝ જળમાર્ગ શરૂ થતાં વૈશ્વિક ક્રૂડ સપ્લાયને મળશે ગતિ, સુરક્ષા અંગે ચિંતાનું કારણ

તેહરાન/વોશિંગ્ટનઃ મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત માહોલ વચ્ચે ઈરાને થોડી રાહત થાય એવા સમાચાર મળી રહ્યા છે. આખરે ઈરાને એલાન કરતા કહ્યું છે કે, આગામી એક મહિનામાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થનારા જહાજની સંખ્યા અગાઉ જેટલી હતી એટલી થઈ શકે છે. આનો અર્થ એ કાઢવામાં આવી રહ્યો છે કે ઈરાન હવે હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ પરિવહન માટે ખોલવા તૈયાર છે. એટલે કે યુદ્ધ પહેલા જેટલા જહાજ આ જળમાર્ગમાંથી પસાર થતા હતા એટલા જહાજને ફરીથી અહીંયાથી પસાર થવા દેવામાં આવશે. ઈરાનના આ પ્રકારના નિવેદનથી દુનિયાભરના દેશોએ રાહતના શ્વાસ લીધા છે. ચિંતામુક્ત થયા છે અને જહાજ માટેનું પ્લાનિંગ શરૂ પણ કરી દીધું છે. 

લાઈફલાઈન સમાન જળમાર્ગ

હોર્મુઝનો જળમાર્ગ દુનિયાના રાષ્ટ્રો માટે એક લાઈફલાઈન સમાન છે. યુદ્ધના કારણે આ જળમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. યુદ્ધમાં હુમલાઓ બંધ થવા છતા આ જળમાર્ગ બંધ રહ્યો હતો, જેના કારણે અનેક એવા દેશમાં ફ્યુઅલ સંક્ટ ઊભું થયું હતું. અર્થતંત્રના પાયા હચમચી ગયા હતા. 
હવે એક મહિનાની અંદર હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ ખોલવાની વાત ઈરાને કરી છે. એટલે યુદ્ધ પહેલા જે સામાન્ય સ્થિતિ હોર્મુઝ જળમાર્ગમાં હતી એ જ સામાન્ય સ્થિતિ થઈ જશે. સૂત્રોમાંથી આ વિગત સામે આવી છે. ઈરાનના મીડિયા રિપોર્ટ અનુસાર હોર્મુઝ જળમાર્ગને લઈને ઈરાને પહેલા સહમતી દર્શાવી હતી, હવે ફરીથી બધુ સામાન્ય થાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. 

સ્થિતિ સરળ થાય એવું લાગતું નથી

ઈરાને સ્પષ્ટતા કરી છે કે, આ સમજૂતીનો અર્થ એવો બિલકુલ નથી કે, હોર્મુઝની સ્થિતિ સાવ સરળ થઈ જશે. હોર્મુઝ સ્ટ્રેટમાં હાલાત સામાન્ય થઈ રહ્યા છે આ વાતને ઈરાને ફગાવી દીધી હતી.જોકે, રાહત મળવા પાછળ શરત હોઈ શકે છે અથવા સમજૂતી માટેનો દાયરો સીમિત હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર આ સમજૂતી અંતર્ગત આગામી 30 દિવસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થનારા જહાજ, કર્મશિયલ જહાજની સંખ્યા યુદ્ધ પહેલાની સંખ્યા જેટલી કરવા પર સહમતી બની છે. 

ઈરાને સ્પષ્ટતા કરી છે કે, આ પગલાંથી આર્થિક પ્રવૃતિ અને કેટલીક ગતિવિધિ ફરી શરૂ થતા મોટી રાહત મળી રહેશે. આંતરરાષ્ટ્રી શિપિંગ સેગમેન્ટને ફરી ગતિ મળી શકે છે. સુરક્ષા અને રણનીતિને લઈ સ્થિતિ હજુ પણ પહેલા જેવી નથી. મિડલ ઈસ્ટમાં સ્થિતિ વણસતા સમગ્ર દુનિયાના રાષ્ટ્રમાં ગેસ, ક્રૂડ અને ઓઈલની સપ્લાય ચેઈન સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. 

અમેરિકાની વાત

હવે જે દેશના જહાજ હોર્મુઝમાં અટવાયેલા છે એ દેશ ચિંતા કરી રહ્યો છે કે, એમના જહાજ પર ફરીથી કોઈ હુમલો કરી દેવામાં ન આવે. જહાજને કોઈ નુકસાન ન થાય. ક્રૂડની સપ્લાય ઘટતા અને ક્રૂડ ઓઈલમાં બેરલના ભાવ વધતા અનેક દેશના પેટ્રોલ-ડીઝલમાં વધારો થયો હતો. શિપિંગ કંપનીઓને ડર છે કે, જહાજને કોઈ નુકસાન કરવામાં આવશે તો ફરી ખોટ ખાવાનો વારો આવશે.

ઈરાનના હોર્મુઝને લઈને આપેલા નિવેદનથી દુનિયાભરના દેશોને મોટી રાહત થઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે, ડીલમાં હોર્મુઝ જળમાર્ગ ખોલવાની વાત પણ સામેલ છે. અમેરિકા આનું એલાન ટૂંક સમયમાં કરી શકે છે.