હેમંત વાળા
ખુલ્લા માર્ગમાંથી પ્રવેશ, અર્ધ-ખુલ્લી ગોળાકાર જગ્યામાં રિસેપ્શન-આવકાર સ્થાન, તેના સંતુલન માટે લગભગ સમમિતિય સ્થિતિમાં ગોળાકાર કાચની દીવાલોની બનાવાયેલ એમડીની કૅબિન, પાછળ એક વર્તુળ-વૃત્તમાં ગોઠવાયેલ અન્ય કાર્યસ્થાન તથા સર્વિસિંગ માટે જરૂરી સેવાઓ માટેના આઠ રૂમ, આ વૃત્તને સમાંતર ગોળાકાર આવનજાવનનો માર્ગ અને આ બધાને અનુરૂપ વણાકાકાર ધાબુ-એસ એસોસિએટ્સ દ્વારા ગુજરાતમાં નડિયાદ પાસેના વસો નજીક વર્ષ 2024માં ડિઝાઇન કરાયેલ આશરે 360 ચોરસ મીટર વિસ્તારની વ્હિસ્પરિગ કર્વની ઑફિસનું આ પ્રાથમિક વર્ણન છે.
આ સમગ્ર રચના જે રીતે, તેના પ્રત્યેક સ્થાનથી, જે તે માત્રામાં જે રીતે કુદરત સાથે અસરકારક અને સકારાત્મક સમીકરણ સ્થાપિત કરે છે તે ઉલ્લેખનીય છે, ઇચ્છનીય છે. એકંદરે એમ કહી શકાય કે આ એક બાયોફિલિક સ્થાપત્ય-શૈલી અનુસારની રચના છે. આ સમગ્ર રચનામાં આંતરિક જગ્યાઓ અને પ્રકૃતિ વચ્ચેનો મજબૂત સંબંધ સ્થપાય છે જેને કારણે અહીં કાર્યરત માનવીને સતત કુદરતની હરિયાળી નજરમાં રહી શકે છે. એમ કહી શકાય કે આ પ્રકારની રચનાથી માનવીની કાર્યક્ષમતા વધી પણ શકે. અહીં ક્યારેક એમ પ્રતીત પણ નહીં થતું હોય કે મકાનમાં પ્રવેશ કરી ચુકાયો છે.
સ્થાપત્યમાં વર્ષોથી એક ચર્ચા ચાલી રહી છે. એક મંતવ્ય પ્રમાણે એમ કહેવાય છે કે ઉપયોગિતા અનુસાર મકાનના આકારની પસંદગી થવી જોઈએ જ્યારે અન્ય મંતવ્યમાં એમ કહેવામાં આવ્યું છે કે ભાવનાત્મક દૃષ્ટિએ કે પ્રતીકાત્મક રીતે આકારનું ચયન કરી તેમાં ઉપયોગિતા ગોઠવવી વધુ યોગ્ય છે. આ બીજા પ્રકારની વિચારધારા મુજબની રચના છે. અહીં કુદરત સાથેનો સમન્વય સ્થાપિત કરવા પ્રથમ વર્તુળાકારની પસંદગી થઈ છે અને પછી તેની સાથે ઉપયોગિતા સાંકળવામાં આવી છે. આ રચના પ્રમાણમાં નાની હોવાથી આ રચના-પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય એમ જણાતું નથી. સાથે સાથે એમ ચોક્કસ કહી શકાય કે પ્રાપ્ત જગ્યાનો આ રચનાત્મક, સંવેદનશીલ, ભાવનાત્મક અને અસરકારક ઉપયોગ છે.
આ ઑફિસ માટે અન્ય કેટલીક વાતો નોંધપાત્ર છે. એશિયાના સૌથી મોટા ગણાતા બાયોગૅસ પ્લાન્ટ ધરાવતા કૅમ્પસની લીલોતરી વચ્ચે આ રચના કુદરતી સુ-સંવાદિતતા સ્થાપિત કરે છે. આ રચના બાંધકામ અને બાંધકામમુક્ત-સ્થાનો વચ્ચેનો સંવાદ અર્થપૂર્ણ અને રસપ્રદ જણાય છે. અહીં કુદરતી પ્રકાશ મેળવવા માટે કાર્યસ્થળમાં પરોક્ષ રીતે સૂર્યપ્રકાશ મળી રહે તેવી રચના કરાઈ છે. વર્તુળાકારની પસંદગીને કારણે સૂર્યનું કિરણ દીવાલોને ઓછી ગરમ કરે અને તેથી પણ અહીં ઑફિસના વપરાશમાં ઊર્જાની ખપત ઓછી થાય. આમ તો આ રચનાને આધુનિક કહી શકાય, પરંતુ તેમાં આધુનિક શૈલીની જે પ્રચલિત બાબતો છે તે એટલી ઉગ્રતાથી પ્રતીત નથી થતી. આમ તો આ નવીન સ્થાપત્ય અભિગમ નથી પરંતુ તેમાં ચોક્કસ નવીનતા અને તાજગીની અનુભૂતિ શક્ય બને છે.
મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એમ કહી શકાય કે અહીં પરંપરાગત લંબીય રચનાના સ્થાને વર્તુળાકારનો ઉપયોગ કરીને એક પ્રકારની પ્રવાહીતતા સ્થાપિત કરવાનો સફળ પ્રયત્ન કરાયો છે. રચનાના આ પ્રકારના અભિગમને કારણે અહીં એક પ્રકારની સૌમ્યતા, સરળતા, શાંતિ અને સ્થિરતાની અનુભૂતિ થતી હશે.
કુદરત સાથે વધુ પડતા જોડાણને કારણે ક્યાંક અગવડતા ઊભી થઈ શકે. અહીં અર્ધખુલ્લી જગ્યાનો ઉપયોગ પણ વધુ છે જે આબોહવાની દૃષ્ટિએ ક્યારેય સકારાત્મક ભૂમિકા ભજવે તો ક્યારેક નકારાત્મક. આ પ્રકારની રચનામાં જો રાચરચીલું સ્થાન મુજબ બનાવાયું ન હોય તો ક્યાંક વિચિત્ર પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે. ભલે એકવાર સમગ્ર રચનામાં અનૌપચારિકતા માટેનો લગાવ દેખાતો હોય તે છતાં પણ ઔપચારિકતાની હાજરી પણ વર્તાય છે. સ્વાભાવિક છે કે આ પ્રકારની અને આવી મુક્તતાવાળી રચના માટે પ્રમાણમાં મોટી જમીન જોઈએ. જગ્યાના અભાવવાળા સ્થાને જો અસરકારક આયોજન કરવામાં આવે તો સામાન્ય સંજોગોમાં આટલી ઉપયોગિતા આનાથી અડધા ક્ષેત્રમાં સમાવી શકાય.
બાંધકામ અને વિગતીકરણની દૃષ્ટિએ આ સમગ્ર રચના સરળ છે. કાચ અને બહારની ધારે ગોઠવાયેલી પથ્થરની દીવાલો, અગાસીને ટેકો આપવા ન્યૂનતમ જરૂરિયાત મુજબ ગ્રુપમાં ગોઠવાઈ લોખંડની પાઇપો, ન્યૂનતમ અને સરળ રાચરચીલું, ફ્લોરિગમાં પટ્ટીઓનો રસપ્રદ ઉપયોગ, જમીન સાથેનું દૃઢ જોડાણ, ખુલ્લાપણાંને લીધે પડછાયાથી સર્જાતી રસપ્રદ ભાત, લીલા રંગનો ભાવનાત્મક ઉપયોગ તથા નાના પ્રમાણમાપથી સરળતાથી સ્થાપિત થતું માનવીય જોડાણ; આ અને આવી બાબતો આ મકાનને વિશેષ બનાવે છે. એમ કહી શકાય કે આ રચનામાં કોઈપણ પ્રકારનો આડંબર નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર અહીંની ગોવર્ધનનાથજી એનર્જીઝ સંસ્થા દરરોજ લગભગ 250 મેટ્રિક ટન બાયો વેસ્ટની પ્રક્રિયા કરે છે જેના થકી આશરે 18000 ઘન મીટર જેટલો કાચો બાયોગૅસ અને 7000 કિલોગ્રામ જેટલો શુદ્ધ બાયો-સીએનજી ઉત્પન્ન કરે છે. તે ઉપરાંત અહીં કૃષિ પ્રણાલીની જરૂરિયાત મુજબ કાર્બનિક ખાતર પણ ઉત્પન્ન કરવામાં આવે છે.
જ્યારે સંસ્થા પર્યાવરણ માટે આ રીતે કાર્યરત અને સંવેદનશીલ હોય ત્યારે સ્વાભાવિક રીતે તેના વહીવટી મકાનમાં પર્યાવરણની સંવેદનશીલતા અભિવ્યક્ત થવી જ જોઈએ. આ વિચારને માન્ય રાખીને એમ જણાય છે કે સ્થપતિએ સ્થાપત્ય નિર્ધારણ કર્યું છે અને પર્યાવરણની જવાબદારી નિભાવી છે. સાથે સાથે સ્થપતિએ જાણે માનવ અનુભવને સમૃદ્ધ બનાવ્યો છે, ક્યાંક સંવેદનશીલ કુદરત સાથે સંવેદનશીલ ભાવનાત્મક જોડાણ સ્થાપિત કર્યું છે અને એક પ્રકારે ભારતીય સ્થાપત્યની પ્રાચીન પરંપરાને ફરીથી જીવંત કરી છે.