Mon May 25 2026

Logo

અમેરિકી વિદેશ પ્રધાનના 'બંધક' વાળા નિવેદન અંગે ઈરાને આપ્યો જવાબઃ દાવાઓને ગણાવ્યા પાયાવિહોણા

2026-05-24 15:02:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ પાટનગર નવી દિલ્હીમાં આવેલી ઇરાની એમ્બસીએ ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોની 'બંધક' વાળી ટિપ્પણી પર સખત વાંધો વ્યક્ત કર્યો છે. ઇરાની દૂતાવાસે એક સત્તાવાર પ્રેસ જાહેર કરીને અમેરિકી વિદેશ પ્રધાનના દાવાઓને પાયાવિહોણા ગણાવી સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. ઈરાન દ્વારા આ મુદ્દે સોશિયલ મીડિયા એક્સ પર પણ સત્તાવાર નિવેદનની પોસ્ટ લખી હતી.

ઇરાને સત્તાવાર રીતે અમેરિકાને જવાબ આપ્યો
ઇરાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, "ભારત સ્થિત ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન દૂતાવાસ, અમેરિકી વિદેશ પ્રધાનની ટિપ્પણીઓને નકારી કાઢે છે. આવા આરોપો મધ્ય-પૂર્વ ક્ષેત્રની વાસ્તવિકતાઓને તોડી-મરોડીને રજૂ કરવાનો અને અમેરિકા તેમજ ઇઝરાયલની અસ્થિરતા ફેલાવતી નીતિઓ પરથી વિશ્વનું ધ્યાન ભટકાવવાનો સ્પષ્ટ પ્રયાસ છે. એટલે કે, અમેરિકા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે ખોટું અને પાયાવિહોણું હોવાનો ઈરાને દાવો કર્યો હતો. 

શું હતો સમગ્ર વિવાદ? 
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગટે પીએમ મોદી સાથે મુલાકાત કર્યાં બાદ એક નિવેદન આપ્યું હતું, તેને લઈને વિવાદ સર્જાયો છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘વિદેશ પ્રધાન રુબિયો અને વડા પ્રધાન મોદીએ મધ્ય-પૂર્વની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. વિદેશ પ્રધાનએ પણ એ જ વાત પર ભાર મૂક્યો હતો કે અમેરિકા ઇરાનને વૈશ્વિક ઊર્જા બજારને 'બંધક' બનાવવા દેશે નહીં. સાથે જ તેમણે ખાતરી આપી હતી કે અમેરિકી ઊર્જા ઉત્પાદનો ભારતના ઊર્જા પુરવઠામાં વિવિધતા લાવવાની પૂર્ણ ક્ષમતા ધરાવે છે’

અમેરિકાના નિવેદન પર ઇરાનનો પલટવાર
ઇરાની દૂતાવાસે પોતાના પ્રેસ નોટમાં અમેરિકાના આ વલણ સામે આકરા પ્રહારો કર્યા છે. કહ્યું કે, વિશ્વના અગ્રણી તેલ અને ઊર્જા નિકાસકારોમાંનો એક દેશ હોવાને નાતે ભારત સહિત તમામ દેશોને પોતાના સંસાધનો આપવા માટે ઈરાન હંમેશાં તૈયાર રહ્યું છે. મૂળ આક્ષેપ એવો છે કે અત્યારે વૈશ્વિક ઉર્જા બજારને જેણે બંધક બનાવ્યું છે, તે ઇરાન પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 'ગેરકાયદે અને અન્યાયી પ્રતિબંધો' છે. આ રીતે ઈરાને અમેરિકા પર પલટવાર કર્યો હતો. 

અમેરિકાએ પ્રતિબંધો લગાવીને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું હોવાનો પણ ઈરાને દાવો કર્યો છે. અમેરિકા છેલ્લા કેટલાય વર્ષોથી તેમના પર દબાણ કરી રહ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાએ દવાઓ અને જીવનરક્ષણ તબીબી સાધનો પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો, જેના કારણે ઈરાનમાં અનેક નિર્દોષ લોકોના મોત થયાં હતા. 

ન્યુક્લિયર પ્રોગ્રામ અંગે ઇરાને શું કહ્યું?
પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યાં છે, તે અંગે ઈરાને સ્પષ્ટતા કરી છે. કહ્યું કે, પરમાણુ અપ્રસાર સંધિના પ્રતિબદ્ધ સભ્ય હોવાને નાતે અમારો કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે. તે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીની કડક દેખરેખ હેઠળ છે અને અત્યાર સુધી એજન્સીને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી નથી. 
એટલું જ નહીં પરંતુ આ અંગે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી દ્વારા કોઈ એવો રિપોર્ટ પણ જાહેર કરવામાં નથી આવ્યો જેના કારણે ઈરાન શંકાના ઘેરામાં આવે! એટલે પરમાણુ કાર્યક્રમ અંગે પણ અમેરિકા ખોટા દાવા કરે છે તેવું ઈરાનનું કહેવું છે.