Mon May 25 2026

Logo

ભાત ભાત કે લોગઃ પૈસા બચાવો... ભવિષ્યમાં કદાચ `સ્વદેશી' સોનું ખરીદવા મળશે!

2026-05-23 08:58:00
Author: Jawalant Nayak
Article Image

જ્વલંત નાયક

થોડા દિવસ પહેલાં પ્રધાનમંત્રી મોદીએ દેશની જનતાને આવતા એક વર્ષ સુધી સોનાની ખરીદી ન કરવા માટે અપીલ કરી. મધ્ય-પૂર્વની કટોકટી લાંબા ગાળાના યુદ્ધમાં પરિણમે તો ભારતે આર્થિક મોરચે ઘણો સંઘર્ષ વેઠવાનો આવશે.

એવું થાય તો આગોતરી તૈયારી તરીકે આપણે વિદેશી મુદ્રાભંડાર જાળવી રાખવો જોઈએ એની સાથે જ ઊર્જાની બને એટલી બચત કરવી જોઈએ. આ અગાઉ મનમોહનસિંહના કાર્યકાળમાં વિત્તમંત્રી તરીકે પી. ચિદમ્બરમ પણ આવી અપીલ કરી ચૂક્યા છે. એ વખતે તો યુદ્ધ જેવી કોઈ કટોકટીય નહોતી. 1962માં ભારત-ચીન યુદ્ધ વખતે તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુએ સોનું સરકારને દાન કરવાની અપીલ કરેલી.

ભારતમાં સોનાની ખરીદી લગ્નપ્રસંગ અને દિવાળી કે અક્ષયતૃતિયા જેવા તહેવારો સાથે અનિવાર્યપણે જોડાઈ ગઈ છે. ભારતીયો જેટલું સોનું ખરીદે છે, એ પૈકીની અડધોઅડધ ખરીદી લગ્નપ્રસંગ નિમિત્તે થાય છે. આની સારી બાજુ એ કે ભારતીય પરિવારોમાં સોનાની ખરીદી સ્વરૂપે લાંબા ગાળાની બચત થતી રહે છે. 

પરિવારના કઠિન સમયમાં આ જ સોનું જીવાદોરી સાબિત થાય. વળી સોનાને કારણે ભારતીય બજારો ઓછામાં ઓછા અડધો કરોડ લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી આપે છે. જોકે આ વાત માત્ર આટલા પૂરતી જ સીમિત નથી. ખાટલે મોટી ખોડ એ છે કે ભારત જેટલું સોનું ખરીદે છે એટલું `પ્રોડ્યુસ' નથી કરી શકતું. આ વિશે જરા વિસ્તારે સમજવી પડે.

સોનું પણ કોલસાની માફક વિવિધ દેશોમાં આવેલી ખાણોમાંથી ખનીજ સ્વરૂપે મળી આવે છે. ચીનની ખાણોમાંથી સૌથી વધુ વાર્ષિક 370-380 ટન કાચું સોનું નીકળે છે. એ પછી રશિયા, ઑસ્ટે્રલિયા, કૅનેડા અને અમેરિકાની ગોલ્ડ માઇન્સનો નંબર આવે. ભારતમાંથી દર વર્ષે માત્ર દોઢ-બે ટન કાચું સોનું જ નીકળે છે. 

સામાન્ય સમજ એવી છે કે સોનાની સૌથી વધુ ખાણ આફ્રિકી દેશોમાં છે. આ વાત સાચી છે, પણ જે આફ્રિકન દેશોમાં સોનાની ખાણ છે, એ દરેક દેશ વાર્ષિક સો-દોઢસો ટન કાચું સોનું ખોદી કાઢે છે. આ બધાનો એટલે કે આફ્રિકન દેશોનો સહિયારો આંકડો ચીન કરતાં વધી જાય. એ રીતે જોઈએ તો કાચું સોનું મેળવવામાં આફ્રિકા પહેલા નંબરે ખરું, પણ વિટંબણા એવી છે કે અહીંની પ્રજા પોતે પારાવાર ગરીબીમાં સબડે અને ખાણમાં મજૂરી જ કરી જાણે છે. 

જે રીતે પેટ્રોલિયમના ભંડાર ધરાવતા મધ્ય-પૂર્વના દેશો શ્રીમંત થયા, એ રીતે કાચું સોનું પકવતા આફ્રિકન દેશો સમૃદ્ધિ પામવામાં નિષ્ફળ રહ્યા, કારણ કે એમની પાસે સોનાના શુદ્ધિકરણની રિફાઇનરી નથી.

બીજી તરફ સ્વિટ્ઝરલૅન્ડ પાસે સોનાની ખાણ નથી, તેમ છતાં ગોલ્ડ રિફાઇનરીઝ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ નેટવર્કને કારણે આ દેશ આજે દુનિયાનું `ગોલ્ડ હબ' ગણાય છે. સ્વિસ ગોલ્ડની શુદ્ધતા ઉપર આખી દુનિયાને અતૂટ ભરોસો છે. ખેર, આપણે ભારત તરફ પાછા ફરીએ.

ભારત કેટલું સોનું પેદા કરે છે?

ભારત પાસે આઠેક જેટલી ગોલ્ડ માઇન્સ- ખાણ  છે. બ્લૉક બસ્ટર ફિલ્મ `કેજીએફ' દ્વારા કાવેરી ગોલ્ડ ફીલ્ડ આખા દેશમાં જાણીતી થઈ, પણ કર્ણાટકમાં આવેલ આ ગોલ્ડ માઇન હવે વર્ષોથી બંધ છે. બ્રિટિશર્સ એમાંથી આઠસો ટન સોનું ઉલેચી ગયા હોવાનો અંદાજ છે. બ્રિટિશરોએ ભારતને રેલવે અને રસ્તાઓ બાંધી આપ્યા એ વાત યાદ કરાવી કરાવીને આપણે ત્યાંનો એક પરમ બૌદ્ધિક વર્ગ પોરસાતો રહે છે, પણ એમને ખબર નથી કે ધોળિયાઓએ એ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતના ખનીજો સહિતની સમૃદ્ધિ ઉલેચી જવા માટે ઊભું કરેલું.    

આંધ્ર પ્રદેશના રામગીરી નજીક આવેલી ખાણનો ઇતિહાસ પણ કંઈક આવો જ છે. બ્રિટિશર્સ અહીંથી ઘણું સોનું ખોદી ગયા છે. હજી પણ આ ખાણમાં ચારેક ટન સોના સહિત કોપર, લેડ અને ઝિંકનો ભંડાર મળે એમ છે. આશરે બે દાયકા કરતાં વધુ સમયથી બંધ પડેલી આ ખાણ હાલમાં સરકાર હસ્તક છે. અહીં ફરીથી ખનન શરૂ કરવાની શક્યતાઓ ચકાસવાનું કામ ચાલુ છે. 

બીજી તરફ, કર્ણાટકના રાયચુર ખાતે આવેલી હટ્ટી ગોલ્ડ માઇન ભારતની એકમાત્ર ઍક્ટિવ ગોલ્ડ માઇન છે. જે વાર્ષિક ધોરણે દોઢથી બે ટન સોનું મેળવે છે. સોનાની આ ખાણ બે હજાર વર્ષ જૂની હોવાનું મનાય છે. અહીં ખનીજમાંથી સોનું મેળવવા માટેની રિફાઇનરી પણ છે, જે દરરોજ ત્રણ હજાર ટન ખનીજ પ્રોસેસ કરી શકે છે. આ હિસાબે જરા વિચાર કરો કે આખા વર્ષ દરમિયાન હજારો ટન ખનીજ પ્રોસેસ કર્યા પછી માત્ર દોઢ-બે ટન સોનું પ્રાપ્ત થાય છે! 

ભારતનું ભવિષ્ય શું?

સદ્નસીબે અંગ્રેજોએ પાવડે પાવડે ખનીજ સંપત્તિની લૂંટ ચલાવી હોવા છતાં ભારત પાસે સોનાની કેટલીક એવી ખાણ છે જે નજીકના ભવિષ્યમાં સોનાનું પ્રોડક્શન શરૂ કરી શકે એમ છે. આમાં ઉત્તર પ્રદેશની સોનભદ્ર ગોલ્ડ માઇનનું નામ પ્રથમ ક્રમે આવે. `જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા' દ્વારા 2020માં શોધાયેલી આ ખાણ સાતસો ટન ગોલ્ડ ઓર ધરાવતી હોવાનો અંદાજ છે. સાથે જ આસપાસના વિસ્તારોમાં સિલ્વર, કોપર અને આયર્ન પણ મળી આવવાની શકયતા છે. 

સોનભદ્ર ખાણમાં પ્રોડક્શન શરૂ થયા બાદ આખા વિસ્તારની ઇકૉનૉમીને જોરદાર વેગ મળે એવી સંભાવના જોવાઈ રહી છે. એ સિવાય કર્ણાટક અને ગોવાની બોડૅર પર આવેલી ગણાજુર ગોલ્ડ માઇન પણ ખનનની પરમિશન મળે એની રાહ જોઈ રહી છે. 2021માં પર્યાવરણીય પ્રશ્નોને કારણે સરકારે આ માઇનની લીઝ રદ કરેલી. એ મુદ્દે કોઈ ઉકેલ જડશે તો અહીંથી પણ વર્ષે દોઢ ટન સોનું પેદા થઈ શકશે. આ ઉપરાંત ઝારખંડની લાવા ગોલ્ડ માઇન પણ ભારતનું આર્થિક ભવિષ્ય ચમકાવે એવી ભારોભાર શક્યતા છે.

આ બધું વાંચીને તમેય આજથી જ પૈસાની બચત કરવા માંડો. ભવિષ્યમાં `સ્વદેશી' સોનું ખરીદવા માટે એ રકમ કામ આવશે. 
ભવિષ્યનો આ વિચાર કરીને હમણાં તો આનંદો...!