Mon May 25 2026

Logo

'શરાબી'ના સુપરહિટ ગીત માટે કિશોર કુમારે અપનાવી હતી 'અનોખી' ટ્રિક, જાણી લો તમને પણ થશે આશ્ચર્ય!

2026-05-24 19:42:21
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મો સાથે જોડાયેલા કિસ્સાઓ છે એમ હટકે ગીત સાથે જોડાયેલા કિસ્સાઓ ફિલ્મ કરતા પણ રસપ્રદ અને રોમાંચક છે. ક્યારેક ગીતકાર, ફિલ્મનિર્માતા અને સંગીતકારની જોડી સામાન્ય બેઠકમાં સુપરહિટ ગીત બનાવી કાઢે તો ક્યારેક ગીતકાર પર પ્રેશર હોય ત્યારે જેનો કંઈ અર્થ ન થતો હોય એવા શબ્દો મૂકીને ગીતને ઢાળ આપીને સ્થિતિ સંભાળી લે. ઘણી વખત એવું પણ બન્યું છે કે, ગાયકનો મૂડ કંઈક અલગ હોય ત્યારે ગીતના વાસ્તવિક રૂપ કરતા એમનું રજૂ કરેલું ગીત લોકપ્રિય થયું હોય. આવો જ એક કિસ્સો છે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'શરાબી'ના ગીત સાથે જોડાયેલો. આ ફિલ્મના બધા જ ગીત આજે પણ એક આખી પેઢીને કંઠસ્થ છે પણ અહીંયા કિસ્સો કિશોર કુમારની ગાવાની શૈલીને લઈને એ સમયે પણ ચર્ચામાં રહ્યો હતો. 

સૂતા સૂતા ગીત લલકાર્યું
'મુજે નૌલખા મંગા દે રે', 'દે દે પ્યાર દે', 'જહા ચાર યાર મિલ જાય' જેવા ગીત પાછળ કિશોર કુમારનો કર્ણપ્રિય અવાજ લોકોના દિલમાં આજે પણ ધરબાયેલો છે. માત્ર ગીત જ નહીં સંગીત પણ એટલું જ દમદાર હતું કે, આજે પણ પ્લે કરવામાં આવે તો ફૂલ વોલ્યુમ સાથે મોજ થઈ જાય. ખાસ તો વાત એ સમયની એ હતી કે, કિશોર કુમારનો અવાજ અમિતાભ બચ્ચનના અવાજ સાથે બિલકુલ મેચ થતો હતો. આ જ કારણ છે કે, બિગ બીની ઘણી ફિલ્મોના ગીત કિશોર કુમારે ગાયા હતા, પણ આ ફિલ્મનું એક ગીત એવું હતું કે, કિશોર કુમારે સૂતા સૂતા લલકાર્યું હતું. કૂછ સમજે કે નહીં, ચલો વિસ્તારથી સમજાવીએ. કિશોરદાના દરેક ગીતમાં એક બ્યૂટી હોય તો કેટલાક એવા નખરા હોય જે સંગીતકાર જ સહન કરી શકે. પણ એની ક્રિએટિવિટી અને સૂરની સમજને આજે પણ દાદ આપવી ઘટે, જે પ્રયોગ ગીત સાથે કરતા એ ખરેખર પ્રેક્ટિકલ પણ લાગતા અને ગીત પર ફીટ બેસતા. આ જ ફિલ્મનું એક ગીત 'ઈંતહા હો ગઈ, ઈત્ઝાર કી' ગીતનું રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું. 

પ્રકાશ મહેરાએ આખો સિન કહ્યો
સ્ટુડિયોમાં કિશોર કુમાર, સંગીતકાર સહિત તમામ ઈન્સ્ટ્રુમેન્ટાલિસ્ટ હતા. આ ગીત કિશોરદાએ ગાવાનું હતું. આ ગીતનો મૂડ સમજવા માટે તેમણે ફિલ્મનિર્માતા પ્રકાશ મહેરાને ગીતની સ્થિતિ અંગે પૂછપરછ કરી તો પ્રકાશ મહેરાએ જણાવ્યું કે, આ ગીત પર અમિતાભ (હીરો)નો જન્મદિવસ છે અને તે જયા (એક્ટ્રેસ)ની રાહ જોઈ રહ્યા છે. જન્મદિવસ છે એટલે તેમણે ડ્રિંક કરેલું છે. પણ એક્ટ્રેસની રાહ કેક કાપવા માટે જોઈ રહ્યા છે, તમામ મહેમાનો રાહ જોઈ રહ્યા છે. ખૂબ વિલંબ થતા નશામાં તે આ ગીત ગાય છે. આ સ્થિતિ જાણીને કિશોર કુમારે કહ્યું કે, વધારે ડ્રિંક કર્યું હોય તો માણસ ઊભો પણ ન રહી શકે, સૂઈ જાય. આટલું સાંભળીને સૌ હસવા લાગ્યા અને આને કિશોર કુમારે કરેલી મજાક માનવા લાગ્યા. પછી તેમણે બપ્પીદા (બપ્પી લહીરી) પાસે લાંબુ ટેબલ મંગાવ્યું.

ટેબલ પર સૂઈને સૂર આપ્યા
ટેબલ સ્ટુડિયોમાં આવ્યું અને પછી કિશોરદા એના પર નશો કર્યો હોય એમ સૂઈ ગયા. પછી તેમણે આ ગીત લલકાર્યું જાણે પોતે પણ નશામાં ડૂબી ગયા હોય. એ જ હાવભાવ અને એ જ એક્સપ્રેશનથી ગીતને ચાર ચાંદ લાગી ગયા. ગીતનું રેકોર્ડિંગ પૂર્ણ થયું અને પછી એ રેકોર્ડિંગ સાંભળવામાં આવ્યું. દરેકે કિશોરદાની આ ક્રિએટિવિટીના વખાણ કર્યા અને પછી આ ગીત ફાયનલી ફિલ્મમાં એડ થઈ ગયું. જે પરિસ્થિતિ સ્ક્રિન પર છે એ સ્થિતિ જોતા જાણે અમિતાભ ખૂદ નશામાં ગાઈ રહ્યા હોય એવું ફીલ કરાવી દે છે. 

આ ફિલ્મ સાથે જોડાયેલો હજુ એક કિસ્સો છે એ પણ ગીત સાથે ક્નેક્ટ થાય છે. આ ફિલ્મનું એક ગીત છે 'મુજે નૌલખા મંગા દે રે'. આ ગીતમાં એક્ટ્રેસ જે હાર પહેરે છે એ કોઈ મામુલી હાર નથી. આ હારની કિંમત એ સમયે નવ લાખથી વધારેની થતી હતી. આ રિયલ ડાયમંડનો હાર હતો, જે ગીત પૂરતો એક્ટ્રેસે ખૂદ પોતે પહેર્યો હતો છે ને મજેદાર વાત. એટલે જ કિશોરદા આજે પણ તમારા દિલમાં રાજ કરે છે.