સુરત: ડાયમંડ સિટી સુરત ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા સમાજના દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી નવનિર્મિત ‘જમનાબા વિદ્યાર્થી ભવન’ને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ‘જમનાબા વિદ્યાર્થી ભવન’માં 1000 વિદ્યાર્થીઓ માટે નિવાસ-અભ્યાસ, AI રિસર્ચ લેબ, અદ્યતન લાઈબ્રેરીની અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ સાથે, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે 31 ફૂટ ઊંચી, 9 ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર, રમતગમત પ્રધાન મનસુખભાઈ માંડવીયા અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ.કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જયંતિભાઈ બાબરીયા (એકલેરા) તથા અન્નપૂર્ણા ધામના ચેરમેન રવજીભાઈ વસાણીના હસ્તે રિબિન કાપીને ભવનને વિધિવત લોકાર્પિત કરાયું હતું.

પાટીદારોમાં પથ્થરને પાટું મારી પાણી કાઢવાની તાકાત
આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પવિત્ર અધિક માસમાં કરેલું દરેક સત્કાર્ય અને સમર્પણ લાખો ગણું ફળ આપે છે, ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે જનહિતના કાર્યો થકી ભગવાન પુરુષોત્તમને સાચા અર્થમાં પ્રસન્ન કરવાનું પરમ કાર્ય કર્યું છે. આ સંસ્થા પટેલ એ વાતનું જીવંત ઉદાહરણ છે કે જો સૌ સાથે મળીને પ્રયાસ કરીએ, તો વિકાસ કેટલી ગતિ (સ્પીડ) અને વ્યાપ (સ્કેલ) સાથે સાકાર થઈ શકે છે. પાટીદાર સમાજને બિરદાવતા તેમણે જણાવ્યું હતું કે, આ સમાજ હંમેશાં અન્યોને આપવા માટે ટેવાયેલો છે. આર્થિક સંકડામણના દિવસોમાં પણ ઘરપરિવારની ચિંતા કર્યા વગર આંગણે આવેલા જરૂરિયાતમંદને અચૂક મદદ કરવાની પરંપરા આ સમાજે જાળવી રાખી છે. પથ્થરને પાટું મારીને પાણી કાઢવાની તાકાત ધરાવતો પાટીદાર સમાજ આજે માત્ર ખેતી પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ઉદ્યોગ-ધંધા, વેપાર, શિક્ષણ, આરોગ્ય અને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીના દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહીને સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપી રહ્યો છે.
ડાયમંડ સિટી'ની ખ્યાતિમાં પાટીદાર સાહસિકોનો પુરુષાર્થ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરત આજે વિશ્વભરમાં જે 'ડાયમંડ સિટી' તરીકે ખ્યાતિ પામ્યું છે, તેમાં પાટીદાર સાહસિકોનો મોટો પુરુષાર્થ જોડાયેલો છે. ડાયમંડ ઉપરાંત ટેક્સ્ટાઇલ, એમ્બ્રોઈડરી અને કન્સ્ટ્રકશન ક્ષેત્રે પણ આ સમાજે કઠોર પરિશ્રમ થકી સુરતને વૈશ્વિક વેપારનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની 44 વર્ષની સામાજિક યાત્રાને બિરદાવતા સીએમ પટેલે કહ્યું હતું કે, સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 67 જેટલા સમૂહ લગ્નો યોજીને સામાજિક ક્રાંતિની નવી દિશા કંડારવામાં આવી છે. સાથે જ, લોકોને શ્રેષ્ઠ વિચારો તરફ વાળવા માટે છેલ્લા 140 અઠવાડિયાથી સતત ચાલતો 'વિચારોનું વાવેતર' કાર્યક્રમ પ્રશંસનીય છે.
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જમનાબા ભવન નિર્માણ બદલ શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય ગ્રામ્ય કે અંતરિયાળ વિસ્તારોમાંથી સુરત શહેરમાં ભણવા આવતા સામાન્ય પરિવારોના દીકરા-દીકરીઓ માટે જમનબા ભવન વરદાનરૂપ સાબિત થશે. યુવાનોએ હવે શહેરમાં મોંઘા ભાડાના ફ્લેટ રાખીને રહેવું નહીં પડે, પરંતુ અહીં ઘર જેવા સંસ્કારયુક્ત વાતાવરણમાં રહીને તેઓ પોતાના અને પરિવારના સપનાઓ સાકાર કરી શકશે એમ જણાવી ભવન નિર્માણના દાતાઓ, ટ્રસ્ટીઓ અને પાટીદાર અગ્રણીઓને બિરદાવ્યા હતા.
વાલીઓને આપી સલાહ
વર્તમાન ડિજિટલ યુગના પડકારો સામે સામાજિક જાગૃતિ ખૂબ આવશ્યક હોવાનું જણાવતા નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, આજના સોશિયલ મીડિયાના પ્રભાવ અને મોબાઈલના યુગમાં જો દીકરા-દીકરીઓ મોબાઈલમાં વ્યસ્ત દેખાય તો તેમને ટોકવાના બદલે ઘરના દાદા-દાદીઓએ પોતાના પૌત્ર-પૌત્રીઓનો હાથ પકડીને તેમને સોસાયટીના મેદાને કે મંદિરે લઈ જઈ સંસ્કાર સિંચનનું કાર્ય કરવું જોઈએ.

દીકરી કે પરિવારની વાતો ન કરો,પણ....
મહિલા સુરક્ષા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ દીકરીને કોઈ અસામાજિક તત્વોની ચુંગાલમાં ફસાય ત્યારે સોસાયટીઓમાં બેસીને તે દીકરી કે તેના પરિવારની નકારાત્મક ચર્ચાઓ કરવાના બદલે દીકરીને હિંમત આપી પીઠબળ પૂરું પાડવું જોઈએ. સામાન્ય રીતે સામાજિક ડરના કારણે લોકો આવી ઘટનાઓ છુપાવતા હોય છે, જેનાથી સમાજમાં ભયનો માહોલ પેદા થાય છે. આવા અસામાજિક તત્વોને કાયદાના પાઠ ભણાવી સીધા દોર કરવા માટે સમાજે એક થઈને પોલીસ અને સરકારને સહયોગ આપવો જોઈએ.