Mon May 25 2026

Logo

કર્ણાટકમાં મોટી દુર્ઘટનાઃ નદીમાં ડૂબવાથી સાત મહિલા સહિત આઠ લોકોનાં મોત

2026-05-24 18:49:28
Author: Devayat Khatana
Article Image

એક જ પરિવારના સાત સભ્યો દુર્ઘટનાના બન્યા ભોગ, પીડિત પરિવાર માટે રાહત જાહેર

બેંગલુરુ: કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાની થટ્ટે હક્કલુ નદીમાં એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં સીપિયા એકત્ર કરવા ગયેલા એક જ પરિવારના 8 સભ્યોના ડૂબી જવાથી મોત થયા છે. આ બનાવની જાણ થયા પછી સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ ઊભો થયો હતો. ગુમ થયેલા લોકોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શિરાલી ગામના લગભગ 14 લોકો નદીમાં ઉતર્યા હતા, જે આ વિસ્તારના સ્થાનિક સમુદાયોની પરંપરાગત પ્રવૃત્તિ છે. જોકે, પાણીના સ્તરનો સાચો અંદાજ નહીં આવતા તેઓ નદીના ઊંડા ભાગમાં જતા રહ્યા હતા, જ્યાં અચાનક નદીનો પ્રવાહ તેજ થતા તેઓ તેમાં ફસાઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, નદીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો પણ પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાથી બચાવ કામગીરી દરમિયાન વધુ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જે તમામ શિરાલી ગામના રહેવાસીઓ હોવાની ઓળખ થઈ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં 7 મહિલાઓનો સમાવેશ થાય છે.

હાલમાં આ ઘટનાસ્થળે સ્થાનિક લોકો, પોલીસ અને બચાવ ટુકડીઓ દ્વારા યુદ્ધના ધોરણે શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હજુ પણ બે લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે, જેમને શોધવા માટેના પ્રયાસો ચાલુ છે. સતત વરસાદને કારણે નદીમાં જળસ્તર વધતા અને પ્રવાહ તેજ થતા આ ગોઝારી ઘટના ઘટી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

દુર્ઘટના અંગે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકના પરિવારને પાંચ-પાંચ લાખ વળતર આપવાની જાહેરાત કરી હતી. કર્ણાટકના મુખ્ય પ્રધાને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં માર્યા જનારાના પરિવારને પાંચ લાખનું વળતર આપશે, જ્યારે ગુમ લોકોને શોધવાનું કામગીરી પણ ઝડપી બનાવવાના આદેશ આપ્યા છે.