નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના કિચ્છામાં આવેલું એક ફાર્મ હાઉસ હાલ રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યું છે. કિચ્છામાં આવેલા 4 એકરના 'ખાન ફાર્મ' (Khan Farm) ની જમીનને લઈને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને ગાંધી-વાડ્રા પરિવાર અને ખાસ કરીને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પર ગંભીર આરોપો લગાવ્યા છે. ચાલો વિગતે ચર્ચા કરીએ...
ભાજપ પ્રદીપ ભંડારીનો આરોપ છે કે કોંગ્રેસના એક સ્થાનિક ધારાસભ્ય પોતાના 100 જેટલા સમર્થકો સાથે ફાર્મ પર પહોંચ્યા હતા અને ત્યાં રહેતા એક 90 વર્ષના વૃદ્ધ મહિલાને ફાર્મ ખાલી કરવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આવા આક્ષેપ સાથે આ વિવાદ હવે રાજકીય સ્વરૂપ લઈ રહ્યો છે. જેમાં પ્રિયંકા ગાંધી પર મોટો આક્ષેપ કરવામાં આવી રહ્યો છએ.
ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ શું આક્ષેપો કર્યા?
પ્રેસ કોન્ફરન્સમાં દસ્તાવેજો ટાંકીને વાત કરતા ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ જણાવ્યું હતું કે, ‘પ્રિયંકા ગાંધી વાડ્રાના જેઠાણી સાયરા વાડ્રા આ 4 એકરની 'ખાન ફાર્મ' ની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જમીનનો મામલો કોર્ટમાં સિવિલ ડિસ્પ્યુટ હેઠળ છે. ગાંધી-વાડ્રા પરિવાર સારી રીતે જાણે છે કે તેઓ કાયદાકીય રીતે આ જમીન મેળવી શકે તેમ નથી, તેથી સત્તા અને પદનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે’.
LIVE: Media Briefing by BJP National Spokesperson Shri @pradip103 at BJP headquarters, New Delhi. https://t.co/iHnnYz5Dfv
— BJP (@BJP4India) July 2, 2026
પ્રદીપ ભંડારીએ વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસના કિચ્છાના ધારાસભ્ય અને પ્રિયંકા વાડ્રાના અત્યંત નજીકના ગણાતા તિલક રાજ બેહડ મોડી રાત્રે 100 થી વધુ કોંગ્રેસ કાર્યકરોને લઈને તે જમીન પર જાય છે. ત્યાં હાજર 90 વર્ષના વૃદ્ધ મહિલા નસરીન ખાનને ધમકાવવામાં આવે છે કે જો તેઓ આ જમીન ખાલી નહીં કરે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે’. આ આરોપ તે જમીનના માલિક નસરીન ખાન દ્વારા જ લગાવવામાં આવ્યો છે.
ભોગ બનનાર મહિલા નસરીન ખાનનો પક્ષ
ભાજપ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આ ફાર્મ પર રહેતા વયોવૃદ્ધ મહિલા નસરીન ખાને આક્ષેપ કર્યો છે કે, ‘હું મારા ફાર્મ પર હાજર હતી. અહીં કેટલાક લોકો આવ્યા છે જેઓ કોંગ્રેસ પક્ષના છે. તેઓ બળજબરીથી મારી જમીનનો કબજો લઈને વાડ્રા પરિવારને સોંપવાનો પ્રયાસ કરી રહ્યા છે’. ભાજપના પ્રવક્તાએ આ મુદ્દાને ટાંકતા કહ્યું કે નસરીન ખાને સાયરા વાડ્રાનું નહીં પરંતુ સીધું 'વાડ્રા પરિવાર' નું નામ લીધું છે. કોંગ્રેસના કોઈ ધારાસભ્ય પોતાના 100 કાર્યકરો સાથે માત્ર સાયરા વાડ્રાના કહેવાથી આટલું મોટું પગલું ન ભરી શકે! કોંગ્રેસ પર ખાસ કરીને પ્રિયંકા ગાંધી પર આ મોટો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હવે આ મામલે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે તે જોવાનું રહેશે.