Wed Jul 29 2026

Logo

ચિંતનઃ વ્યવહારિક - પ્રતીતિભાસિક - પરમાર્થિક

2026-07-20 09:38:00
Author: Hemu Bhikhu
Article Image

હેમુ ભીખુ

સનાતની સંસ્કૃતિમાં, તેમાં પણ ખાસ કરીને અદ્વૈત વેદાંતમાં ત્રણ પ્રકારના ‘સત્ય’ની વાત જોવાં મળે છે; વ્યવહારિક સત્ય, પ્રતીતિભાસિક સત્ય અને પરમાર્થિક સત્ય. આ ત્રણેય પ્રકારનાં સત્યનું જે તે પરિસ્થિતિમાં, જે તે ક્ષેત્રમાં મહત્ત્વ છે, ઉપયોગિતા છે. રોજિંદા વ્યવહાર વાસ્તવિકતાની જરૂરી સમજ એટલે વ્યવહારિક સત્ય. જે દેખાય પણ વાસ્તવિક ન હોય તે પ્રતીતિભાસિક સત્ય. જે સર્વવ્યાપી નિર્વિકાર બ્રહ્મનું સ્વરૂપ છે તે પરમાર્થિક સત્ય.

વ્યવહારિક સત્ય રોજિંદા જીવનમાં સમજી શકાય, અનુભવી શકાય. અમુક વ્યક્તિ પિતા છે તો અમુક વ્યક્તિ પુત્ર, અમુક સ્થાન અમદાવાદ છે તો અમુક સ્થાન વડોદરા, આજે શનિવાર છે તો કાલે રવિવાર, આ માટીનો ઘડો છે તો તે માટીનું રમકડું; આવી સંબંધ, સ્થાન, સમય, વસ્તુ, પરિસ્થિતિ, વ્યક્તિને સંલગ્નિત વ્યવહારિક સમજ એટલે વ્યવહારિક સત્ય. આ સત્ય કાયમી ન હોય, સાંદર્ભિક હોય. ભલે તે અંતિમ સત્ય ન હોય, પણ જ્યાં સુધી જીવનચક્ર ચાલુ છે ત્યાં સુધી એનું પાલન કરવું જરૂરી છે. 

વ્યવહારિક સત્ય પ્રવર્તમાન પરિસ્થિતિ, નિયમ, વ્યવસ્થા, નૈતિકતાના પ્રવર્તમાન ધોરણ, સામાજિક બંધારણ, કેટલીક મર્યાદાઓ અને સંભાવનાઓ આધારિત હોય તેમ કહી શકાય. બની શકે કે આમાંની કેટલીક બાબતો લાંબા સમય સુધી પ્રવર્તમાન રહે, પરંતુ તે કાયમી ન હોય. જીવનની ધર્મ અને કર્મક્ષેત્રને લગતી કેટલીક બાબતો આ સત્યથી નિર્ધારિત થતી હોય છે. અહીં કર્મ અને પરિણામ વચ્ચેના સમીકરણનો પણ સમાવેશ કરી શકાય. જ્યારે એમ જણાવવામાં આવે કે ‘ફળની અપેક્ષા વગર કર્મ કરવું એ જ તારો અધિકાર છે’, ત્યારે કર્મ એ વ્યવહારિક સત્ય બને અને ફળ એ પરમાર્થિક.

પ્રતીતિભાસિક સત્ય એટલે એ પ્રકારની ઘટના જે પ્રતીત થાય, જે વાસ્તવિક ન હોય. અમુક બાબત અમુક સ્વરૂપે અસ્તિત્વમાં હોવાની પ્રતીતિ મનની કલ્પના, પૂર્વગ્રહ, અજ્ઞાન, માયાનો પ્રભાવ, ચોક્કસ પ્રકારની ભ્રમણા, દૃષ્ટિભ્રમ, ઇન્દ્રિયોની અક્ષમતા તથા ગ્રસિત મનોવૃત્તિને આધારિત હોય; આ પ્રતીતિને સત્ય માની લેવામાં આવે-તે પ્રતીતિભાસિક સત્ય. અદ્વૈત સિદ્ધાંત પ્રમાણે તેની પાછળનું મૂળ કારણ ‘માયાનો પ્રપંચ’ છે. જ્યારે દોરડામાં સાપ દેખાય, સ્વપ્નમાં ડર અનુભવાય કે રણમાં મૃગજળ દેખાય ત્યારે પ્રતીતિભાસિક સત્યનો પ્રભાવ હોય. આ બધું અજ્ઞાનને કારણે સ્થાપિત થતી મનની સ્થિતિને કારણે પ્રતીત થાય. સમજવાની વાત એ છે કે જ્યારે સાચું જ્ઞાન મળે છે ત્યારે આ સત્યની ‘અસત્યતા’ જણાય.

પરમાર્થિક સત્ય સૌથી ઊંચું, પરમ તેમજ ‘વાસ્તવિક’ સત્ય છે. અહીં માત્ર બ્રહ્મની જ સમજ તેમ જ અનુભૂતિ થઈ શકે. બ્રહ્મ અને બ્રહ્મ સાથેનું ઐક્ય એ જ અંતિમ સત્ય છે. બ્રહ્મ-સત્ય અવિનાશી છે, નિરાકાર છે, નિર્વિકલ્પ છે, સર્વત્ર છે, અખંડ છે, સનાતન છે, અજન્મા છે, આત્મજ્ઞાન સ્વરૂપ છે, પવિત્ર છે, શાશ્વત છે, એકમાત્ર છે અને મુક્તિદાતા છે. માટી જેમ ઘડામાં છે અને રમકડામાં પણ છે, સોનું જેમ હારમાં છે અને કંગનમાં પણ છે, સમુદ્રનું પાણી તરંગમાં છે અને બુંદમાં પણ છે; તેમ આ સત્ય બ્રહ્મ અને બ્રહ્માંડનું એકત્વ સૂચવે છે. 

સનાતની વિચારધારાની આ પરમ, ગહન તેમજ અદ્ભુત ઘટના છે. તેની પ્રાપ્તિ માટે જ્ઞાન જરૂરી છે. જ્ઞાન પ્રાપ્ત થતાં જ દોરડું પાછું દોરડાં તરીકે જ સમજાય છે. જગતગુરુ આદિ શંકરાચાર્ય જ્યારે એમ કહે કે ‘બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે’ ત્યારે આ પરમાર્થિક સત્યની વાત છે. અહીં ‘મિથ્યા’નો અર્થ અસત્ય નહીં પરંતુ તત્કાલ સમજમાં આવતું પ્રતીતિભાસિક સત્ય છે.

વ્યવહારિક સત્ય દુનિયાના અનુભવ પરથી, જે તે પ્રકારની પરિસ્થિતિ તેમજ પ્રવૃત્તિમાં સંલગ્ન રહેવાથી તથા જે તે બાબતને વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં સમજવાથી સ્થાપિત થાય. પ્રતીતિભાસિક સત્ય અજ્ઞાન અને ભ્રમણાને આધારિત હોય. પરમાર્થિક સત્ય એટલે આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, અંતિમ-પરમ સત્ય. આ ત્રણેય પ્રકારનાં સત્ય પરસ્પર સંકળાયેલા છે. દુનિયા સાથેનાં વ્યવહારથી કેટલીક બાબતો સમજમાં આવે, તેમાંની કેટલીક બાબતો અજ્ઞાનને આધારે પણ સમજમાં આવી હોય. એ બંને તબક્કામાંથી પસાર થયા બાદ જ્યારે વાસ્તવિક સત્ય જાણમાં આવે ત્યારે અજ્ઞાન અને વ્યવહારનો છેદ ઉડતાં પરમાર્થિક સત્ય પ્રાપ્ત થાય. 

પ્રતીતિભાસિક સત્યને કારણે અમુક બાબતો વિપરીત જણાય, વ્યવહારથી તેમાં કંઈક સુધારો થઈ શકે અને પરમ-અર્થથી તેમાંની દરેક પ્રકારની વિપરીતતા દૂર થાય. વ્યવહારિક સત્ય એટલે નામ, રૂપ અને સાંજોગીક નિયમો આધારિત, વાસ્તવમાં શરીર વડે સ્પર્શી શકાય તેવું જગત. પ્રતીતિભાસિક સત્ય એટલે જેને ક્યારેય પકડી ન શકાય તેવું માયાને આધારિત ભ્રમણા સમાન માનસિક સમજ. પરમાર્થિક સત્ય એટલે બ્રહ્મ, આત્મા અને બ્રહ્માંડનાં એકત્વનું જ્ઞાન.
 
પ્રતીતિભાસિક સત્યનાં પ્રભાવમાં સ્વપ્નમાં ડરી જવાય. સ્વપ્ન અવસ્થામાંથી બહાર નીકળી જાગ્રત અવસ્થામાં પ્રવેશ થાય ત્યારે વ્યવહારિક સત્ય ધ્યાનમાં આવે. જાગ્રત અને સ્વપ્ન બંને અવસ્થામાંથી મુક્ત થઈ જ્યારે તુરીય અવસ્થામાં પ્રવેશ થાય ત્યારે પરમ-આત્મા, બ્રહ્મસ્વરૂપ, શુદ્ધ, ચૈતન્યની અનુભૂતિ એટલે પરમાર્થિક સત્ય. સંદેશો સ્પષ્ટ છે. ધર્મપૂર્વક વ્યવહાર નિભાવવાનો, માયા અને ભ્રમને ઓળખી તેનાંથી મુક્ત રહેવાનું અને અંતે પરમાર્થ સાધીને બ્રહ્મ-સત્યનો અનુભવ કરવાનો. 

એમ કહી શકાય કે પ્રતીતિભાસિક એટલે ભ્રમ આધારિત, વ્યવહારિક એટલે જે તે સમય માળખાને આધારિત અને પરમાર્થિક એટલે અંતિમ પરમ સત્ય. જે માન્યતા આધારિત છે, જે સમય અને સંજોગો અનુસાર બદલાય છે તે સત્ય નથી. અંતિમ સત્ય એ શાશ્વત, અખંડ, નિર્વિકલ્પ, અનંત, નિર્દોષ તેમજ પવિત્ર ઘટના છે. 

બ્રહ્મ સિવાયની દરેક બાબત અનિત્ય છે, બ્રહ્મ માત્ર નિત્ય છે અને તેથી સત્ય છે. ‘અસતો મા સત્ ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતં ગમય’- અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ, અને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જા. અર્થાત, પરમાર્થિક સત્ય એ જ્યોતિ અને અમૃતનો પર્યાય છે.