નવી દિલ્હી: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ના ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગે પ્રકરણ સામેલ કારવામાં આવતા વિવાદ સર્જાયો છે,સુપ્રીમ કોર્ટના આદેશ પર પાઠ્યપુસ્તકના વિતરણ પર રોક લગાવવામાં આવી છે. એવામાં અહેવાલ છે વડાપ્રધાન મોદી આ ઘટનાક્રમ અંગે ખુબજ નારાજ છે.
એક અહેવાલમાં સુત્રોને ટાંકીને જણાવ્યું કે વડા પ્રધાન મોદીએ જવાબદારો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. સરકારી અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું કે વડાપ્રધાને અધિકારીઓને પૂછ્યું કે "કૌન દેખ રહા હૈ યે સબ?”
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીના ઇઝરાયલની મુલાકાત બાદ વતન ફરે એ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે.
સરકારે કોર્ટની માફી માંગી:
નોંધનીય છે કે આજે ગુરુવારે કેન્દ્રિય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને "ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર" પ્રકરણનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ અંગે કોર્ટની માફી માંગી હતી. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે સરકાર ન્યાયતંત્રનો સંપૂર્ણ આદર કરે છે, ન્યાયતંત્રના અનાદરનો કોઈ ઈરાદો ન હતો. તેમણે આ પ્રકરણ તૈયાર કરનારા લોકો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
સુપ્રીમ કોર્ટે નોટીસ આપી:
સુપ્રીમ કોર્ટે NCERT પુસ્તકમાં "ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર" પ્રકરણ સામે વાંધો ઉઠાવ્યો હતો અને શાળા શિક્ષણ સચિવ અને NCERT ના નિયામકને કારણદર્શક નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે તેમની પાસેથી જવાબ માંગ્યો હતો કે કોર્ટના અનાદર અધિનિયમ અથવા અન્ય કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે?
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે ભારત અને વિદેશમાં આ પાઠ્યપુસ્તકના પ્રકાશન પર પ્રતિબંધ મૂક્યો છે, કોર્ટે તામામ નકલો જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પુસ્તકને ઓનલાઈન શેર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ આપ્યો છે.