ભારતના રાજકીય ઈતિહાસમાં 10મી જૂન, 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે અને એનું કારણ છે આપણા લોક લાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારના વડા તરીકે સૌથી લાંબો કાર્યકાળ ભોગવવાનો પંડિત જવાહરલાલ નેહરુનો 62 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પરંતુ આ બધા વચ્ચે તમને પણ એવો પ્રશ્ન ચોક્કસ પડ્યો હશે કે પંડિત નેહરુ તો આશરે 17 વર્ષ એટલે કે 6130 દિવસ સુધી દેશના વડા પ્રધાન રહ્યા હતા તો 12 જ વર્ષમાં એટલે કે 2014થી 2026 સુધીમાં જ પીએમ મોદીજીએ આ રેકોર્ડ કઈ રીતે તોડ્યો? ચાલો તમને આ પાછળનું આખું કારણ સમજાવીએ...
પંડિત જવાહરલાલ નેહરુ 15મી ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થતાંની સાથે જ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. પરંતુ એ સમયે દેશમાં બંધારણ અમલમાં નહોતું આવ્યું અને કોઈ સામાન્ય ચૂંટણીઓ પણ યોજાઈ નહોતી આમ 1947થી લઈને 13મી મે, 1952 સુધીનો નેહરુજીનો આશરે પાંચ વર્ષનો વડા પ્રધાન તરીકેનો કાર્યકાળ ઈન્ટરિમ ગર્વન્મેન્ટના વડા તરીકેનો હતો, જેમાં તેઓ જનતા દ્વારા સીધા ચૂંટાઈને વડાપ્રધાન બન્યા નહોતા.
આ રીતે પંડિત નહેરુજીના 1732 દિવસનો વડા પ્રધાન તરીકેનો કાર્યકાળ આ રેકોર્ડની ગણતરીમાં નથી લેવામાં આવ્યો, જેને કારણે પીએમ તરીકેના પંડિત નહેરુજીના 17 વર્ષના રેકોર્ડને વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ 12 વર્ષમાં જ બ્રેક કરીને સૌથી લાંબો સમય સુધી વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ભારતમાં પ્રથમ લોકસભા ચૂંટણી વર્ષ 1951-52માં યોજાઈ હતી. ચૂંટણી બાદ, પંડિત નેહરુએ 13મી મે, 1952ના રોજ પ્રથમ વખત 'લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા' વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ 27મી મે 1964ના રોજ ચાલુ કાર્યકાળ દરમિયાન તેમનું અવસાન થયું ત્યાં સુધી તેઓ આ પદ પર રહ્યા હતા. આમ, એક નિર્વાચિત વડાપ્રધાન તરીકે તેમનો આ કાર્યકાળ 4,397 દિવસ અર્થાત 12 વર્ષ અને 14 દિવસનો રહ્યો હતો.
પીએમ મોદીના 2014થી 2026 સુધીના 12 વર્ષના શાસનમાં કુલ 3 લીપ યર 2016, 2020 અને 2024 આવ્યા હતા, જેના કારણે તેમના કાર્યકાળમાં 3 દિવસનો વધારો થયો છે. નેહરુજીના 1952થી 1964 સુધીના શાસનમાં પણ 3 લીપ વર્ષ 1956, 1960 અને 1964 આવ્યા હતા. આ તમામ આંકડાકીય વિશ્લેષણ સાબિત કરે છે કે બંધારણીય અને લોકતાંત્રિક માપદંડો મુજબ હવે નરેન્દ્ર મોદીજીના નામે ભારતનો સૌથી મોટો રાજકીય કીર્તિમાન નોંધાઈ ચૂક્યો છે.