Wed Jun 10 2026

Logo

પીએમ મોદીના 12 વર્ષ: તેલંગણાના રાજ્યપાલે પાઠવ્યા અભિનંદન, તો કોંગ્રેસે નિષ્ફળતાઓ ગણાવી સાધ્યું નિશાન!

2026-06-09 21:24:59
Author: Mumbai Samachar Team
Article Image

 
હૈદરાબાદ/નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી સેવા કરનારા ચૂંટાયેલા વડા પ્રધાન બનવા બદલ દેશમાંથી લોકો તેમની સિદ્ધિની બિરદાવી રહ્યા છે, ત્યારે તેલંગણાના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી સેવા કરનારા ચૂંટાયેલા વડા પ્રધાન બનવા બદલ અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલે કહ્યું હતું કે આ ઐતિહાસિક સિદ્ધિ વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દેશની જનતાનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.

તેમણે કહ્યું હતું કે મોદીના નેતૃત્વમાં દેશે રાષ્ટ્રીય હિતોની રક્ષા કરતા આર્થિક વિકાસ, ડિજિટલ પરિવર્તન, માળખાગત સુવિધાઓનો વિકાસ અને વૈશ્વિક સ્તર પર પોતાની ઓળખ બનાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વધુમાં રાજ્યપાલે કહ્યું કે મોટા પરિવર્તન લાવનારી યોજના પહલ અને ‘વિકસિત ભારત 2047’નું વિઝન ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર પહોંચવાનું ચાલુ રાખશે. તેલંગણાના લોકો તરફથી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. તેમનું નેતૃત્વ ભારતને વધુ પ્રગતિ, સમૃદ્ધિ અને વૈશ્વિક નેતૃત્વ તરફ માર્ગદર્શન આપતું રહેશે.
 
રાજ્યપાલે કહ્યું હતું કે 26, મે 2014ના મોદીએ પ્રચંડ વિજય સાથે ભારતના વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. 2019માં તેઓ તેનાથી પણ મોટા જનાદેશ સાથે ફરીથી ચૂંટાયા અને 2024માં ફરીથી ત્રીજી વખત વડા પ્રધાન બન્યા હતા.

દરમિયાન કોંગ્રેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષના શાસનની નિષ્ફળતાઓને લઈને નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે. સરકાર નવા નવા નારા આપે છે પણ આટલા વર્ષોમાં સામાન્ય લોકોનું જીવન વધુ મુશ્કેલ બન્યું છે. મોંઘવારી, બેરોજગારી અને સામાજિક વિભાજન વધ્યું છે.

મોદી સરકાર 3.0 એ બે વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે કોંગ્રેસે મંગળવારે "વચનો વિરુદ્ધ વાસ્તવિકતા" પર એક દસ્તાવેજ બહાર પાડ્યો અને કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં વચનો સાથે મોટી જાહેરાતો, ભવ્ય નિવેદનો અને હેડલાઇન્સ આપવામાં આવી, પરંતુ વાસ્તવમાં તેમાંથી કોઈ પણ લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં પરિણમ્યું નથી.

કોંગ્રેસના નેતાઓ રાજીવ ગૌડા અને અમિતાભ દુબેએ એઆઈસીસી રિસર્ચ ડિપાર્ટમેન્ટનો 75 પાનાનો દસ્તાવેજ બહાર પાડ્યો જેમાં અર્થતંત્ર, નોકરીઓ, વિદેશ નીતિ, ઉર્જા, પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, કૃષિ, એમએસએમઈ, માળખાગત સુવિધા, શહેરી વિકાસ, સામાજિક ક્ષેત્ર, નાગરિક સ્વતંત્રતાઓ અને લઘુમતી શાસન અને કાયદા પર સરકારના "પ્રચાર"નો જવાબ આપવાનો છે.