Sun Jun 21 2026

Logo

બેકઅપને સરળતાથી સાચવવાની સરળ રીત... ડેટા મેનેજમેન્ટ પણ એક જાણી લેવા જેવી કળા છે

2026-02-15 10:14:00
Author: Mumbaisamachar Team
Article Image

ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ

સૌથી વધારે ઉપાધિ ફોન બગડે ત્યારે થાય. મહત્ત્વના નંબર, સરનામા, ઈમેઈલ આઈડી, બેંક ખાતા સાથે લિંક એપ્લિકેશન, પેમેન્ટ એપ્લિકેશન... આ બધુય એક જ ક્લિક પર થતું એ એકાએક બંધ થઈ જાય. ખાસ કરીને જ્યારે ફોન રિપેરિંગમાં આપીએ ત્યારે ‘બેકઅપની કોઈ ગેરેન્ટી નહીં’ એવું બોલીને રિપેર કરવાવાળા આપણું બ્લડ પ્રેશર વધારી દે એ લટકામાં... 

બેકઅપની ઝંઝટથી બચવા છતાં તેને સાચવવા માટે ઘણી સરળ રીત છે. ટેકનિકલ જ્ઞાન એટલું નહીં હોય તો પણ એ ખૂબ સરળ અને સ્પષ્ટ છે. ફોનમાંથી જ બેકઅપ લેવાની સુવિધા મળે છે. ઝડપથી કામ થઈ જાય અને ફરી આપણા સંપર્કો યથાવત જળવાઈ રહે એ માટે બેકઅપ અનિવાર્ય હોય છે. 

આ બેકઅપને સાચવવા માટે કેટલીક સરળ ટીપ્સ વિશે વાત કરીએ, જેમાં મલ્ટિમીડિયા સિવાય પણ ઘણાં એવાં  પાસા છે. આ પાસામાં સામાન્ય ફેરફાર કરવાથી બેકઅપ સરળતાથી સાચવી શકાય છે. નવા ફોનમાં તેનો ઉપયોગ કરીએ પહેલા જૂના ફોન કે બગડેલા ફોનમાંથી અમુક ડેટાને સરળતાથી દૂર પણ કરી શકાય છે. ફોનમાં ડુપ્લિકેસી વધારે હશે એમ ફોન લોડ વધારે લેશે. એ પછી આઈફોન જ કેમ ન હોય?

 મલ્ટિમીડિયાનું મેકેનિઝમ સમજો... 

એક :  ફોનમાં ક્લિક કરેલા કેટલાક ફોટો ઈન્ટરનેટ પર એ જ સાઈઝ અને વધુ ચોક્સાઈ સાથે પ્રાપ્ય હોય છે. ધારો કે, કેરળના અથિરાપલ્લી વોટરફોલના 10 ફોટો જુદા જુદા એંગલથી ક્લિક કર્યા હોય તો દરેક એંગલ સાચવવાની જરૂર નથી. જે યુનિક હોય, પ્રોપર હોય અને સૌથી વધારે એ ગમતો હોય એ ફોટો સેવ કરો બાકીના ડિલિટ કરી દો. આનાથી ડુપ્લિકેસી ઘટશે. ઈન્ટરનેટ પર ચેક કરી લો કે, તમારો ક્લિક કરેલો ફોટો બાકીના ઈન્ટરનેટના ફોટો બકેટ કરતાં કેટલો અલગ છે. 

નંબર બે : ફોટો કે વીડિયો ફોનમાં સૌથી વધારે જગ્યા રોકે છે. બીજા ક્રમે મોટી-મોટી એપ્લિકેશન આવે છે. બેકઅપ લેતી વખતે ફોટો કે વીડિયો એકસાથે મેઈલ આઈડી કે ગૂગલ ડ્રાઈવમાં નાખશો તો ગૂગલ મદદ નહીં કરે. આ પાછળનું કારણ એ છે કે, ગૂગલ જે તે ડિવાઈસને ટ્રેક કરે છે. થોડી અમથી પણ શંકા લાગે કે, વધારે પડતો ડેટા જમા થઈ રહ્યો છે, જેમાં ડુપ્લિકેસી છે એ ડેટા પ્રોસેસમાં સમય વધારે લગાડશે. એકવાર ડેટા સેવ થઈ ગયા બાદ પણ એનું વર્ગીકરણ એવી રીતે કરશે અને સમયાંતરે યાદ અપાવશે કે મૂંઝવણ ઊભી થશે કે ખરેખર ચાલી શું રહ્યું છે? 

ફોન બેકઅપ ટેક્નોલોજી: 

ફોનમાંથી જ ન જોઈતો ડેટા ડિલિટ કરી દો અને લેપટોપ કે પીસીની મદદથી ફોન ક્નેક્ટ કરી એ આખું ફોલ્ડર કોપી કરાવી લો. આ ફોલ્ડર પેનડ્રાઈવ કે કાર્ડમાં સાચવી શકાય છે. નવો ફોન લેતી વખતે ફોન ક્નેક્ટ કરી ફરી અંદર મુકાવી દો. કોન્ટેક્ટથી લઈ ફોટો સુધી બધુ જ જૂના ફોનની જેમ સેટ થઈ જશે. વોટ્સએપમાં પણ બેકઅપ માટેનો ઓપ્શન આવે છે. અહીંયા ડેઈલી વિકલ્પ પસંદ કરેલો હશે અને બેકઅપ લેવાશે તો વોટ્સએપ પણ મેમરી ખાઈ જશે. આ માટે વોટ્સએપના ફોલ્ડરમાંથી ન જોઈતી વસ્તુઓ ડિલિટ મારી દો. ચેટમાંથી આવેલા ફોન નંબર કે કોન્ટેક્ટને અલગથી ટેક્સનોટ કે તમારી જાતને કરેલા મેસેજમાં સેવ કરી દો. હા, ખાસ ધ્યાન એ રાખવાનું છે કે, જે નંબર સેવ નહીં કરેલો હોય અને એમાંથી ડેટા કે ચેટ થયેલી હશે એને સ્પામ ગણીને વોટ્સએપ ક્લિન કરી દેશે. અર્થાત એમાંથી ન તો ચેટ આવશે કે ન તો મલ્ટિમીડિયા. કોઈ ચેનલ લિંકને ફોલો કરવાની હોય તો 3 કલાકમાં કરી લો. ત્રણ કલાક બાદ એ એક્ટિવ નહીં રહે.  વોટ્સએપ બેકઅપ તૈયાર થયા બાદ એની કોઈ અલગથી ફાઈલ બનતી નથી. રિસ્ટોર થતી વખતે ફરી જેવું હતું એવું થઈ જાય છે. આવો ડેટા સાચવવા અલગથી કોઈ જગ્યા કે ડિવાઈસની જરૂર પડતી નથી. નવા ફોનમાં એપ્લિકેશન રન થાય એટલે ડેટા ફરી ફ્લો થાય છે.

બધો બેકઅપ જરૂરી નથી:

 ફોનમાં નક્કામો ડેટા ઘણો હોય છે. પર્સમાં જે રીતે કામ વગરના કાગળિયા હોય છે એ રીતે. આવા ડેટાને ડિલિટ મારી શકાય. ઘણાય એવા વીડિયો હોય છે જે પ્રસંગો પૂરો થાય એટલે એ બધાને સાચવવા જેવા હોતા નથી. બધો બેકઅપ જરૂરી હોતો નથી. એ બધાને ક્લિન કરી શકાય છે. આનાથી ફાયદો એ થાય છે કે, જ્યારે બેકઅપ લઈએ ત્યારે સ્પીડથી સેવ થઈ જાય અને ડેટા લોડ થતા પણ વાર ન લાગે. સાચવવામાં પણ સરળતા અને ફાઈલ પણ હેવી ન થાય.    
  
મોટાભાગના કેસમાં ફોનબેકમાં એપ્સ કરતાં પીડીએફ, અન્ય ફાઈલ્સ અને મલ્ટિમીડિયા મહત્ત્વના હોય છે. યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવે અને રાખવામાં આવે તો આ ફાઈલ કાયમી ધોરણે કામ આવી શકે છે. ફાયદો એ થશે કે, નવા ફોનમાં ડેટા ઝડપથી સેવ થઈ જશે અને એક્સેસ કરવાનો પણ આનંદ આવશે. કોન્ટેક્ટ અને વોટ્સએપ બેક માટે ધ્યાન રાખવું જરૂરી એટલા માટે છે કે, એ સંપર્કો અને ચેટ ઘણી કામની હોય છે. બાકી અન્ય મલ્ટિમીડિયા તો ટેબ, લેપટોપ કે પીસીમાં પણ સાચવી શકાય છે.    

આઉટ ઓફ ધ બોક્સ

જીઓ હવે ક્લાઉડ કોમ્પ્યુટિંગ ક્ષેત્રે કંઈક નવું કરવાની તૈયારીમાં છે ઓફિશિયલ નથી પણ સ્પેસ અને ડેટા સેવિંગ ક્ષેત્રે રિસર્ચ થશે તો જીઓ એમાં કંઈક નવું અવશ્ય કરશે.