સુરત: ગુજરાતી ફિલ્મ 'લાલો'એ ગુજરાતમાં ધૂમ મચાવી હતી, તે ફિલ્મ જેવી જ એક ઘટના ચર્ચામાં આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં બનેલી એક વિચિત્ર ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, જે કોઈ ફિલ્મના દ્રશ્ય જેવી લાગે છે. રવિવારની રજાનો લાભ લઈને એક કારખાનામાં ચોરી કરવા ઘૂસેલા બે ચોરોની ગણતરી એવી તો ઊંધી પડી કે તેઓ અંદર ફસાઈ ગયા અને બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીમાં રહેતો 18 વર્ષીય રોશન બિનબહાદુર સહાની અને તેનો એક સગીર સાગરીત રવિવારે સાંજે બમરોલી રોડ પર આવેલા એક બંધ કારખાનાને ટાર્ગેટ બનાવીને અંદર છાનામાના ઘૂસી ગયા હતા. જોકે, અંદર ગયા બાદ અંધારામાં કે માલસામાન શોધવાના ચક્કરમાં તેઓ એટલા બધા ખોવાઈ ગયા કે મુખ્ય પ્રવેશદ્વાર ક્યાં હતો તે જ ભૂલી ગયા અને કલાકો સુધી બહાર નીકળવા માટે ફાંફા મારતા રહ્યા હતા.
ચોરોના તમામ પ્રયાસો જ્યારે નિષ્ફળ ગયા, ત્યારે ભૂખ્યા-તરસ્યા પૂરાઈ રહેવાના ગભરાટ અને ડરથી બંને ત્રીજા માળે પહોંચ્યા હતા. ત્યાં આવેલી બારીમાંથી નીચે ઊભેલા રાહદારીઓને જોઈને તેમણે જોરજોરથી "બચાવો... બચાવો..."ની બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. રાતના સમયે બંધ કારખાનામાંથી ચીસાચીસનો અવાજ આવતાં આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈ મોટી શંકા જતા તુરંત કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.
માહિતી મળતાની સાથે જ પીસીઆર વાન અને મજુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. કારખાનું અંદરથી બંધ હોવાથી ફાયર જવાનોએ સીડી લગાવીને ભારે જહેમત બાદ બંને અણઘડ ચોરોને હેમખેમ નીચે ઉતાર્યા હતા. નીચે પગ મૂકતા જ રાહતનો શ્વાસ લેનારા બંને ચોરોની સામે સીધી ખાખી વરદી ઊભી હતી.
પોલીસે બંનેની તાત્કાલિક ધરપકડ કરી ખટોદરા પોલીસ સ્ટેશનને હવાલે કર્યા છે. પકડાયેલા ચોરો અગાઉ અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે તપાસ કરવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચોરી કરવા ઘૂસ્યા… અને ગેલેરીમાં જ ફસાયા! | Surat News સુરતના બામરોલી રોડ વિસ્તારમાં કારખાનામાં ચોરી કરવા ઘૂસેલા બે ચોર ગેલેરીમાં જ ફસાઈ ગયા. બચવા માટે ‘બચાવો-બચાવો’ની બૂમો પાડતા આખરે ફાયર બ્રિગેડે બારીના સળિયા કાપીને બંનેનું રેસ્ક્યુ કર્યું. બાદમાં પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. #Surat #SuratNews #BreakingNews #GujaratNews #CrimeNews #ViralNews #FireBrigade #Police #SuratBreaking #LatestNews #GujaratiNews #NewsUpdate #Crime Surat News, Surat Breaking News, Bamroli Road, Factory Theft, Thief Rescue, Fire Brigade Surat, Gujarat Crime News, Police Arrest, Viral Gujarat News, Gujarati News Update, Rescue Operation, Surat Crime.
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 28, 2026