Tue Oct 06 2026

Logo

હિમાચલ પ્રદેશમાં કુદરતનો કોપ: શિમલાના જાંગલીખ પુલ પાસે થયું ભૂસ્ખલન, કાટમાળના કારણે અનેક માર્ગો બંધ...

2026-09-28 14:21:22
Author: Vimal Prajapati
હિમાચલ પ્રદેશમાં કુદરતનો કોપ: શિમલાના જાંગલીખ પુલ પાસે થયું ભૂસ્ખલન, કાટમાળના કારણે અનેક માર્ગો બંધ...

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં વાતાવરણમાં અચાનક આવેલા પલટા બાદ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને માર્ગો બંધ થવાની ઘટનાઓ વધી રહી છે. શિમલા જિલ્લાના રોહડૂ વિસ્તારમાં આવેલા જાંગલીખ પુલ પાસે પહાડનો એક મોટો ભાગ ધસી પડતાં મુખ્ય રસ્તો બંધ થઈ ગયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રસ્તા પર મોટા પ્રમાણમાં પથ્થરો અને કાટમાળ આવી જતાં બંને તરફથી વાહનોની અવરજવર અટકી પડી છે.

ભૂસ્ખલન થતા માંડ-માંડ બચ્યા મુસાફરો

સૂત્રો દ્વારા મળતી જાણકારી દ્વારા, જાંગલીખ પુલ નજીક રવિવારથી જ નાના-મોટા પથ્થરો પડી રહ્યા હતા. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા અનેક પ્રવાસીઓ અને વાહનચાલકોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ અચાનક આખો પહાડ ધસી પડ્યો હતો. ભૂસ્ખલનનો કાટમાળ જાંગલિક ખડમાં પડતાં સુંદરુ ખડનો પાણીનો પ્રવાહ થોડા સમય માટે અવરોધાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં કૃત્રિમ તળાવ સર્જાવાનો અને અચાનક પૂર આવવાનો ભય વ્યાપી ગયો હતો. 

જોકે, રોહડૂના પ્રાંત અધિકારી (SDM)ના જણાવ્યાં પ્રમાણે, તહસીલદારને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હાલ પાણીનો પ્રવાહ રાબેતા મુજબ શરૂ થઈ ગયો છે અને તળાવ બનવાનું કોઈ જોખમ નથી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે લોકોને પબ્બર નદી અને ખડ કિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે.

સ્ટેટ ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર (SEOC) ના રિપોર્ટ પ્રમાણે, વરસાદ અને બરફવર્ષાને કારણે રાજ્યભરમાં કુલ 66 રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ ઉપરાંત કિન્નોર જિલ્લામાં પૂહ નજીક નેશનલ હાઇવે (NH-05) પણ ભારે વરસાદને કારણે પ્રભાવિત થયો છે. રાજ્યમાં 116 વીજ ટ્રાન્સફોર્મર ઠપ્પ થઈ જતાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે.

હવામાન વિભાગે હજી વરસાદની આગાહી કરી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. શિમલા, સોલન, સિરમોર, બિલાસપુર, મંડી અને કુલ્લુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કિન્નોર અને લાહૌલ-સ્પિતિના ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી બરફવર્ષા થઈ શકે છે. જેથી પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને ભૂસ્ખલન સંભવિત વિસ્તારો અને કાચા ઢોળાવોથી દૂર રહેવાની તેમજ માર્ગોની સ્થિતિ જાણીને જ મુસાફરી કરવાની ખાસ સલાહ આપી છે.