મુંબઈઃ ગણેશોત્સવની પૂર્ણાહુતિ બાદ મહારાષ્ટ્રમાં ચોમાસાની વિદાયની ચર્ચાઓ વચ્ચે હવામાન વિભાગ તરફથી મહત્વના અપડેટ સામે આવ્યા છે. ઉત્તર ભારત પર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન પેટર્નમાં અચાનક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. સેટેલાઇટ તસવીરોમાં ઉત્તર ભારતથી લઈને પશ્ચિમ ભારતના કેટલાક ભાગો સુધી વાદળોનો ઘેરાવો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
આ વેધર સિસ્ટમની સીધી કે આડકતરી અસર મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં જોવા મળશે, જેના કારણે મુંબઈ, થાણે, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલાં સેટેલાઇટ મેપ્સમાં જોવા મળે છે કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય રાજ્યો પરથી પસાર થઈ રહ્યું છે, જેની અસર વાતાવરણના ઉપલા સ્તરો પર થઈ રહી છે. અરબી સમુદ્ર અને ઉત્તરીય પ્રવાહોના પરસ્પર દબાણને લીધે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે, જેનાથી બપોર પછી વાદળો ઘેરાવાની અને સ્થાનિક સ્તરે વરસાદી માહોલ બનવાની શક્યતા વધી છે.
મુંબઈ અને મહારાષ્ટ્રના જિલ્લાઓ પર શું થશે અસર?
મુંબઈ, નવી મુંબઈ અને થાણે પટ્ટામાં ભેજના પ્રમાણમાં વધારો થતાં બફારો અનુભવાશે. સાંજ કે રાત્રિના સમયે છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ તેમજ પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભના કેટલાક ભાગોમાં તાપમાનમાં સામાન્ય ફેરફાર સાથે વાદળોની હાજરી જોવા મળશે.
સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસું વિદાય તરફ આગળ વધતું હોય છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સ્થાનિક કન્વેક્ટિવ એક્ટિવિટીઝ (ગરમી અને ભેજનું મિશ્રણ)ને કારણે નવરાત્રિના પ્રારંભ પૂર્વે કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેવાની સંભાવના હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.