કેદારનાથ: ઉત્તરાખંડમાં સતત પડી રહેલા વરસાદના લીધે ચારધામ યાત્રા સ્થગિત કરવા આવી છે. જ્યારે કેદારનાથ ધામમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે.આ દરમિયાન ગુજરાતના સુરતના શ્રદ્ધાળુઓનું એક ગ્રુપ તેમાં ફસાયુ છે. ખરાબ હવામાનના લીધે આ લોકો ફસાયા હોવાની માહિતી સાંપડી છે. તેમજ આ યાત્રીઓ તેમને રેસ્ક્યુ કરવા ગુજરાત સરકારની મદદ માંગી છે.
ત્રણ સભ્યોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું
આ અંગે મળતી માહિતી મુજબ આ ગ્રુપમાંથી ત્રણ સભ્યોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે હજુ 11 લોકો હજુ પણ ત્યાં જ ફસાયેલા હોવાના અહેવાલ છે.
ગ્રુપને સલામત રીતે નીકળવામાં મદદ કરે
આ અંગે સુરતના અલથાણના રંજનબેન પંચાલે કેદારનાથથી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે અમે કેદારનાથ આવ્યા છીએ. તેમજ સતત વરસાદના કારણે અમે અહીંયા ફસાયા છીએ. ગુજરાત સરકારને અપીલ કરું છું કે અમારા ગ્રુપને સલામત રીતે નીકળવામાં મદદ કરે.
ચારધામ યાત્રા પણ સ્થગિત કરી દેવામાં આવી
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં ચોમાસું વિદાય લેતા પૂર્વે ફરી એકવાર આક્રમક બન્યું છે. જેમાં શુક્રવારે રાત્રથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે કુમાઉં વિસ્તારમાં જનજીવન ખોરવાઈ ગયું છે.તેમજ ચારધામ યાત્રા પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગે આજે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું
આ ઉપરાંત હવામાન વિભાગે આજે દેહરાદૂન, ટિહરી અને પૌરી માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના બાકીના જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.