Mon Oct 05 2026

Logo

સુપ્રીમ કોર્ટે UPI પેમેન્ટ પર MDR ચાર્જ રોકવાનો ઇનકાર કર્યો, કેન્દ્ર અને RBIને નોટિસ જારી....

2026-09-28 14:54:00
Author: Vimal Prajapati
સુપ્રીમ કોર્ટે UPI પેમેન્ટ પર MDR ચાર્જ રોકવાનો ઇનકાર કર્યો, કેન્દ્ર અને RBIને નોટિસ જારી....

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા UPIને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો તેનો વિપક્ષ સહિત અનેક લોકોએ વિરોધ કર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. રૂપિયા 2,000થી વધુ રકમના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર વેપારીઓ પાસેથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાના સરકારના નિર્ણય સામેની અરજી પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતા વાળી બેન્ચે આ મામલે કેન્દ્ર સરકાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI), નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને UPI સ્ટીયરિંગ કમિટીને નોટિસ પાઠવીને 4 અઠવાડિયામાં વિગતવાર જવાબ માંગ્યો છે.

UPI પર લાગેલ MDR ટેક્સ છે કે ફી?

અરજી કરનાર એડવોકેટ અંજન દત્ત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં 14 ડિસેમ્બરના નોટિફિકેશન અને 15 સપ્ટેમ્બરના MDR ફ્રેમવર્કને રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરાયો હતો કે, સરકારે પૂરતા કાનૂની આધાર વગર આ નિર્ણય લીધો છે. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો હતો કે, વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતો આ MDR ચાર્જ ખરેખર કાયદાકીય ફી છે, કોઈ ટેક્સ છે કે પછી અન્ય કોઈ ચાર્જ? જેના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો છે.

જાણો શું છે MDR અંગેના નવા નિયમો?

કેન્દ્ર સરકારે વેપારીઓને કરવામાં આવતા રૂપિયા 2,000થી વધુ રકમના UPI ટ્રાન્ઝેક્શન પર 0.4% MDR વસૂલવાની મંજૂરી આપી છે. આમાં રૂપિયા 2,000 સુધીના તમામ નાના વેપારી ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે. એટલું જ નહીં પરંતુ બે સામાન્ય નાગરિકો વચ્ચે (Person-to-Person) થતા કોઈ પણ વ્યક્તિગત UPI ટ્રાન્સફર પર કોઈ જ ચાર્જ લાગશે નહીં. આ નવી વ્યવસ્થા 15 ઓક્ટોબરથી લાગુ થવાની શક્યતા છે.

કેન્દ્રીય નાણા પ્રધાને અને સરકારની સ્પષ્ટતા

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે, MDR એ કોઈ ટેક્સ નથી પરંતુ એક સર્વિસ ફી છે. આ વસૂલાતમાંથી મળનારી રકમ બેંકો અને ફિનટેક કંપનીઓ વચ્ચે વહેંચવામાં આવશે, જેનો ઉપયોગ ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાયબર સિક્યોરિટીને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ચાર્જ સામાન્ય ગ્રાહકોએ ચૂકવવાનો રહેશે નહીં, પરંતુ તે માત્ર વેપારીઓ પર જ લાગુ થશે. પરંતુ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.