Mon May 25 2026

Logo

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા છતાં ઓઈલ કંપનીઓ અંગે સરકારે આપ્યું ચોંકાવનારું નિવેદન

2026-05-25 19:18:30
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર વખત વધારો (કુલ મળીને લગભગ ૭.૫ રૂપિયા પ્રતિ લીટર) થયા બાદ સરકારી તેલ કંપનીઓને કિંમતથી ઓછા ભાવે ઈંધણ વેચવાને કારણે થતું પ્રતિદિન નુકસાન ઘટીને રૂ. ૬૦૦ કરોડ થવા પામ્યું છે, એમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું.

અત્રે એ નોંધનીય છે કે ૧૫ મેથી શરૂ થયેલા ભાવ સુધારા પહેલા પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું રસોઇ ગેસ (એલપીજી)ના વેચાણ પર દરરોજ લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થતું હતું. સુજાતા શર્માએ કહ્યું કે હવે આ નુકસાન દરરોજ ૬૦૦ કરોડ રૂપિયા કરતાં થોડું ઓછું છે.

આ નુકસાનમાં ઘરેલુ એલપીજીના વેચાણથી થતા નુકસાનનો પણ સમાવેશ થાય છે. ઘરોમાં વેચાતો એલપીજી એ સબસિડીવાળી પેદાશ છે. જેની કિંમત અને છૂટક વેચાણ કિંમત વચ્ચેના અંતરની ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે છે.

બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલ એવી પેદાશો છે કે જેમના ભાવ બજાર (ડીરેગ્યુલેટેડ ઉત્પાદનો) દ્વારા નક્કી કરવામાં આવે છે. જ્યારે સરકારી તેલ કંપનીઓએ છૂટક ભાવ સ્થિર રાખ્યા ત્યારે આ ઉત્પાદનો પર નુકસાન થવાનું શરૂ થયું હતું. જ્યારે ઈરાનમાં યુદ્ધને કારણે કાચા તેલના ઇનપુટ ભાવમાં ૫૦ ટકાથી વધુનો વધારો થયો હતો.