Sun May 31 2026

Logo

પાકિસ્તાને બૅટિંગ પસંદ કર્યા પછી મેઘરાજાની પધરામણીઃ આખું મેદાન ઢાંકી દેવાયું...

Colombo   2026-02-21 19:17:13
Author: Ajay Motiwala
Article Image

કોલંબોઃ પાકિસ્તાન (PAKISTAN)ના કૅપ્ટન સલમાન અલી આગાએ અહીં આજે ટી-20 વર્લ્ડ કપમાં સુપર-એઇટ રાઉન્ડની ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રારંભિક મૅચમાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ ત્યાર પછી થોડી જ વારમાં વરસાદ (RAIN) શરૂ થઈ જતાં શરૂઆતમાં મેદાન પર પિચ સહિત બને એટલા ભાગને કવરથી ઢાંકી દેવામાં આવ્યું હતું અને પછીથી આખા મેદાન પર કવર બિછાવી દેવામાં આવ્યા હતા.

પાકિસ્તાને ખ્વાજા નૅફેના સ્થાને ફખર ઝમાનને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવ્યો છે. ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં કૅપ્ટન મિચલ સૅન્ટનરે કમબૅક કર્યું છે. તે પેટની ખરાબીને કારણે કૅનેડા સામેની છેલ્લી લીગ મૅચ નહોતો રમ્યો. લૉકી ફર્ગ્યુસન અને ઇશ સોઢીને પણ અગિયાર ખેલાડીઓની ફોજમાં સામેલ કરવામાં આવ્યા છે. કાઇલ જૅમીસન અને જેકબ ડફીને પડતા મૂકવામાં આવ્યા છે.

સલમાન આગાએ ભારત સામેની કોલંબોની મૅચમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને તેનો એ નિર્ણય ખોટો સાબિત થયો હતો અને તેના દેશમાં તેની ખૂબ ટીકા પણ થઈ હતી. જોકે અહીં કિવીઓ સામે તેણે હિંમત બતાવીને પ્રથમ બૅટિંગનો નિર્ણય જાહેર કર્યો હતો.

બન્ને દેશની ટીમઃ

પાકિસ્તાનઃ સલમાન અલી આગા (કૅપ્ટન), સાહિબઝાદા ફરહાન, સઇમ અયુબ, બાબર આઝમ, ફખર ઝમાન, શાદાબ ખાન, ઉસ્માન ખાન (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, સલમાન મિર્ઝા, ફહીમ અશરફ અને ઉસ્માન તારિક.

ન્યૂ ઝીલૅન્ડઃ મિચલ સૅન્ટનર (કૅપ્ટન), ટિમ સિફર્ટ, ફિન ઍલન, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચૅપમૅન, ડેરિલ મિચલ, જેમ્સ નીશૅમ, મૅટ હેન્રી, ઇશ સોઢી અને લૉકી ફર્ગ્યુસન.