Wed Jul 29 2026

Logo

પાકિસ્તાન હાર્યું એટલે ક્રોધિત લોકોએ કૅપ્ટન સલમાન આગાની પત્ની અને પુત્રને નિશાન બનાવ્યા!

2026-02-25 17:38:08
Author: Ajay Motiwala
Article Image

પલ્લેકેલઃ ટી-20 વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાં પાકિસ્તાન (Pakistan)ની ભારત સામેની કારમી હાર પછી હવે સુપર-એઇટ રાઉન્ડમાં ઇંગ્લૅન્ડ સામે પણ પરાજય થતાં પાકિસ્તાનના કેટલાક ક્રોધિત ક્રિકેટપ્રેમીઓએ ટીમના કૅપ્ટન સલમાન અલી આગાની પત્ની સબ્બા મન્ઝર અને પુત્રને નિશાન બનાવ્યા છે. સબ્બાએ આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાનની ઇંગ્લૅન્ડ સામેની હાર બાદ તેના વિશે તેમ જ તેના પુત્ર વિશે સોશ્યલ મીડિયામાં અપશબ્દોની ભાષા વાપરવામાં આવી છે.

પાકિસ્તાન માટે હવે સેમિ ફાઇનલમાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. આ રાઉન્ડમાં પાકિસ્તાનની હવે એક જ મૅચ બાકી છે અને એની પાસે માત્ર એક પૉઇન્ટ છે એમ છતાં સલમાન આગા (Salman Agha) સેમિ ફાઇનલ વિશે ખૂબ આશાવાદી છે. સલમાન આગાની કૅપ્ટન્સીની ખૂબ ટીકા થઈ રહી છે. જોકે સબ્બાએ આક્ષેપમાં પાકિસ્તાની ફૅન્સને સંબોધતા જણાવ્યું કે `મને અપશબ્દોવાળા મૅસેજીસ મોકલવામાં આવ્યા છે અને અમારા ફૅમિલીને નિશાન બનાવવામાં આવ્યું છે એટલે જ મેં જાહેરમાં આ વાત કરી દીધી છે.'

સબ્બા (Sabba)એ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે, `પાકિસ્તાન-તરફી ફૅન્સને હું એટલું જરૂર કહીશ કે મને કે મારા પુત્ર માટે અપશબ્દો વાપરશો એનાથી કંઈ તમે વર્લ્ડ કપ નથી જીતી જવાના.' 2024માં મોહમ્મદ રિઝવાનના સ્થાને સલમાન આગાને પાકિસ્તાનની ટીમનું સુકાન સોંપવામાં આવ્યું હતું.

ઇંગ્લૅન્ડે કૅપ્ટન હૅરી બ્રૂકના વન-મૅન શૉથી મંગળવારનો પાકિસ્તાન સામેની મુકાબલો જીતી લીધો હતો. પાકિસ્તાનમાં ક્રિકેટપ્રેમીઓએ દેશના અન્ય કેટલાક ખેલાડીઓને પણ ટાર્ગેટ બનાવ્યા છે. 15મી ફેબ્રુઆરીએ ભારત સામેની નામોશી પછી પાકિસ્તાનમાં કેટલાક ઘરોમાં ટીવી તોડી નાખવામાં આવ્યા હતા અને બાબર આઝમ સહિત ઘણા ખેલાડીઓની સોશ્યલ મીડિયામાં ટીકા કરવામાં આવી હતી.