Sat May 30 2026

Logo

સાત્વિકમ્ શિવમ્ઃ અહંકારનો ઓડકાર ખાનારને લાગણીનું ભોજન પચતું નથી

2026-05-29 12:31:00
Author: Arvind Vekariya
Article Image

અરવિંદ વેકરિયા

દીનુમામાએ તો મને કહ્યું પણ મૂળ દોરીસંચાર જતીને કરેલો. હું ગરટન સ્કૂલ પહોંચ્યો. મોટી અને માતબર સંસ્થામાં કામ કરવા મળશે એ વાત જ રોમાંચિત કરનારી હતી. સુરેશ રાજડા સમય કાઢી બહાર આવ્યો. મારી સાથે રોલ બાબત વાત કરી અને પછી `કવર'ની વાત આવી. 

મારે વધુ તો લેવા નહોતા એ વખતે છેલ્લો હું લેતો હતો એ કહ્યા. સુરેશે કહ્યું, `સંસ્થાનું બજેટ તારા કરતાં 50 રૂપિયા ઓછું છે.' મને જરા ખૂંચ્યું. સારી સંસ્થા સાથે કામ કરવા હું મારી `નાઇટ' કેમ ઓછી કરું? મેં તટસ્થ રહી કહી દીધું કે `સુરેશ, મેં કોઈ રકમ વધારીને કહી નથી, છતાં દામુભાઈને પૂછી જોજે, હા પાડે તો જણાવજે. આમ પણ હમણાં કોઈ નાટક તો મેં લીધું નથી' કદાચ કર્તા-હર્તા સુરેશ હશે એટલે મને કહે, `આવી બાબતોમાં હું કંઈ દામુભાઈને સાંકળું નહી. ખેર! મને વિચારવા દે... એવું હશે તો કાલે સવારે ફોન કરીશ.' હું દિનુમામા અને જતીનનો આભાર માની, દીપકભાઈ-રાગિણીબહેનેને `કદાચ મળીશું' કહી છૂટો પડ્યો.

ઘરે આવી પત્ની ભારતીને વાત કરી. મને કહે, `ચાલો, તમે બિઝી થઈ જાઓ એટલે શાંતિ.' મેં પણ સવાર સુધી ધીરજ ધરવાનું નક્કી કરી લીધું. ધીરજ એક એવી સવારી છે કે જેના પર બેઠેલા માનવીને નીચે પડવા નથી દેતી. મેં વિચાર્યું કે જતીન તો આઇ.એન. ટી.નો જૂનો ખેલાડી છે અને 50 રૂપિયા જાજો ફરક તો નથી એટલે જતીન સુરેશને મનાવી લે. કાલની ચિંતા કરવાને બદલે સકારાત્મક વિચાર સાથે હું નિંદ્રાધીન થયો. 

સવારે ઉત્સુકતા તો હતી પણ મન પર હાવી ન થવા દીધી. જાણું છું કે મોટા લોકોની મોટી વાતો હોઈ શકે. કદાચ સંસ્થાના `કોષ્ટક'માં બેસતું નહીં હોય તો ન પણ બોલાવે, પણ આવા વિચારો મનમાં કરી શું કામ જીવ બાળવો! મેં દામુભાઈનું નામ સહજ કહેલું. બની શકે કદાચ સંસ્થાના કર્તા-હર્તા સુરેશ રાજડાના અહમને નાની ઠેસ પહોંચી હોય. એક સત્ય છે કે અહંકારનો ઓડકાર ખાનારને ક્યારેક લાગણીનું ભોજન પચતું નથી.

હું મારું નિત્યકર્મ પતાવી ફ્રેશ થઈ હજી બેઠો ત્યાં ફોનની ઘંટડી વાગી... સામે છેડે સુરેશ રાજડા હતા. મને કહે, `તું તારા `કવર' પર અડગ છો?' મેં કહ્યું, `જે છેલ્લે લેતો હતો એ જ માગ્યા છે.' મને કહે, `ઠીક છે... સાંજે પાંચ વાગ્યેે આવી જા... ત્યાં સ્ક્રિપ્ટ પણ આપી દઈશ.'

બરાબર પાંચ વાગ્યે પહોંચી ગયો. હું જાણતો હતો કે સુરેશ સમય બાબત બહુ સ્ટ્રિક્ટ છે. શિસ્ત જરૂરી પણ છે. બધા ભેગા થયા. જતીન ખુશ હતો, દિનુમામા પણ. ઈલા દોષી અને સુરેશ સાથે હું પહેલી વાર જોડાઈ રહ્યો હતો. કિરણ ભટ્ટને આ પહેલાં બે-ત્રણ નાટકોમાં ડિરેક્ટ કરી ચૂક્યો હતો. જતીનને હું જરા `અકડું' સમજતો હતો પણ એ ભૂલ મને સાથે રહેવાથી સમજાણી. બીજાને મનાવવાની આવડત અને પોતે માની જવાની ઉતાવળ જેનામાં હોય તેના સંબંધો તૂટતા નથી.આ બધા  ગુણ જતીનમાં હતા.

બીજાં નાટકોમાં `ફાઇનલ' થતાં પહેલાં હું બીજી વાતો કરી લેતો. અહીં મેં `કવર' સિવાય કોઈ વાત કરી નહોતી. ટુર વખતે સંસ્થાના સિનિયર નટવર ભાવસાર દ્વારા મને કહેવામાં આવ્યું કે તમારે જો એ.સી.માં પ્રવાસ કરવો હોય તો ટિકિટ-ફરકના પૈસા ભાટિયા કવરમાંથી કાપી લેશે. ભાટિયા સંસ્થાનું બુકિગ અને બીજી જવાબદારીઓ સંભાળતા. ખુશમિજાજી વ્યક્તિત્વ. ભાટિયા સાથે આ નાટક દરમ્યાનનાં ઘણાં સંભારણાં છે. ભાટિયા હાલ હયાત નથી.

નાટકમાં દીપક ઘીવાલાની ભૂમિકા અદ્ભુત હતી, ચાર-ચાર જુદા જુદા રોલ ઘડીના છઠા ભાગમાં તખ્તા પર રજૂ કરતા. જુદી જુદી ભાષાનો લહેકો જાળવી રાખવો એ કાબેલિયત હતી. કંઈક આવી જ કથાવસ્તુને લઈને શર્મન જોશીએ પણ `અમે લઈ ગયા, તમે રહી ગયા' તખ્તે રમતું કરેલું . એટલું જ નહિ, એ જ વાત હિન્દી તખ્તે પણ રજૂ કરી અને બંનેમાં ખૂબ સફળતા મેળવી હતી.

આખરે અમારું `બે દુની પાંચ' નાટક રિલીઝ થઈ ગયું. ચેતન ગાંધીના અમદાવાદની `અનુભૂતિ' સંસ્થાના શોની લાઇન લાગી ગઈ. નાટક બન્યું જ એવું હતું. ડબ્બલ રોલવાળાં નાટકોમાં સુરેશની હથોટી જબરજસ્ત હતી. આ કુનેહ સુરેશે આઇ.એન.ટી.ના અગાઉના નાટક `મહેતલ'માં કરી બતાવેલી.

અમદાવાદના અમુક શો પતાવી રાજકોટ જવાનું હતું, સૌરાષ્ટ્રનો એ પહેલો શો હતો. લક્ઝરી રાજકોટ હોટેલ પાસે પહોંચવામાં જ હતી. દીનુમામા બેસીને કંટાળ્યા હશે એટલે ઊભા થયા. આગળ જતાં કોઈ કારણસર ડ્રાઇવરે ઓચિંતી બ્રેક મારી અને દીનુમામા વચ્ચેના પૅસેજમાં ચત્તાપાટ પડ્યા. મામાની મથરાવટી થોડી મેલી પણ એટલી ખરાબ નહીં. શો પૂરો થયા પછી `ક્વાર્ટર' પીવાની ટેવથી ઘણા માહિર. ઘણા દીનુમામાને ઊભા કરવાને બદલે બોલવા માંડ્યા. દિવસના પણ શરૂ થઈ ગયા કે શું?

આવું દોષારોપણ ચાલુ રહ્યું. હું અને દીપકભાઈ બન્ને ઊભા કરવા લાગ્યા પણ મામાથી ઊભા જ નહોતા રહેવાતું. ભાટિયા અને ભાવસાર બંને મામાને ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં લઈ ગયા અને અમે હોટલ પર પહોંચ્યા. થોડીવાર પછી ખબર મળ્યા કે દીનુમામાને ફ્રૅક્ચર થયું છે અને પ્લાસ્ટર આવ્યું છે. ચિંતા થઈ, હવે? એમનું પાત્ર બહુ જ સરસ હતું. એમના સંવાદોમાં લાફ્ટરનો વરસાદ વરસતો. બધાને થયું કે હવે નાટકનો રિસ્પૉન્સ કેવો રહેશે? સુરેશને એક ડિરેક્ટર તરીકે ચિંતા તો હશે જ. `ક્વાર્ટર' પીધી લાગે છે કહીને ભલે ઉતારી પાડ્યા હોય... હવે નાટકનો ગ્રાફ નીચે ઊતરી જશેની ચિંતા માથા પર સવાર થઈ ગઈ. ખાલી ચડે ત્યારે પગનું અને ખાલીપો લાગે ત્યારે સંબંધનું મહત્ત્વ સમજાય. કંઈક એવું જ ત્યારે દીનુમામાના પાત્ર માટે લાગી રહ્યું હતું.

ડબ્બલ રિચાર્જ

ટી.સી.: ભાઈ, ક્યાં જવું છે તમારે?
પૅસેન્જર: જ્યાં રામનો જન્મ થયો હતો.
ટી.સી.:  ટિકિટ બતાવો.
પૅસેન્જર:  ટિકિટ તો નથી બચ્ચા.
ટી.સી.: તો ચાલો.
પૅસેન્જર: ક્યાં?
ટી.સી. : જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો ત્યાં!