Sat May 30 2026

Logo

ફિલ્મનામાઃ `હશ હશ': નિતાંત ગુપ્તાનો વિસ્ફોટ

2026-05-29 13:23:00
Author: Naresh Shah
Article Image

નરેશ શાહ

દિલ્હીની પાવર ગેમના કાળા પડછાયામાં આકાર લેતી આ વેબ સિરીઝનાં તમામ મુખ્ય પાત્રો મહિલાનાં છે!
પાવર સર્કિટ અને પાવર ગેમના હિસ્સા બનવું એ ખરેખર તો વાઘની સવારી સમાન સાહસ જ છે. લગામ કે કંટ્રોલ હાથમાં ન રહે તેમ છતાં અસવાર બેઠક બદલવા માટે ઊતરી શકતો નથી અને દુશ્મન, સંઘર્ષ, સૂર, કરીબ કરીબ સિંગલ જેવી જુદી તરેહની ફિલ્મો આપનારા તનુજા ચંદ્રાની `હશ... હશ' વેબ સિરીઝ આ જ પદાર્થ પાઠ-બોધ છે. 

તનુજા ચંદ્રા આમ પણ મહિલાઓને ફોકસ કરીને ફિલ્મો વધુ બનાવી ચૂક્યાં છે એટલે `હશ  હશ' (અર્થ થાય છે: નિતાંત ગુપ્ત) વેબ સિરીઝમાં દિલ્હીની પાવર માર્કેટની જ વાત હોવા છતાં તમામ મુખ્ય પાત્રો તેણે મહિલાઓનાં રાખ્યાં છે. અલબત્ત, `હશ હશ' મર્ડર મિસ્ટરીજ છે, પણ...

એ મર્ડર મિસ્ટરીના ઊખડતાં જતાં પડળ તમને ચોંકાવતાં રહે છે. દિલ્હીની હાઈપ્રોફાઇલ અને વયસ્ક ચાર મહિલાની આસપાસ `હશ હશ'ની વાર્તા ઘુમરાય છે. ઈશી સંઘમિત્રા (જુહી ચાવલા) દિલ્હીની પાવર ગેમનો એક હિસ્સો છે અને અઢળક રૂપિયા બનાવી ચૂકી છે. તેની એક મિત્ર ઝાયરા (શહાના ગૌસ્વામી) ફૅશન ડિઝાઇનર છે તો પત્રકારત્વ તેમજ ન્યૂઝ ચૅનલ છોડીને ગૃહસ્થી અપનાવી ચૂકેલી સાઈબા (સોહા અલી ખાન) છે અને ચોથી, સૌથી યંગ સહેલી ડૉલી (કૃતિકા કામરા) છે જેનો પતિ પિતા બનવાને અક્ષમ છે.

ડોલી અને તેના પતિ આદિત્યની મૅરેજ ઍનિવર્સરીની પાર્ટીમાં એક તરફ જલસો ચાલી રહ્યો છે ત્યારે ચારેય સખી પોતપોતાના કુંડાળામાં અટવાયેલી છે અને એવી ઘટના (પ્રથમ એપિસોડમાં જ) બને છે કે સ્વબચાવમાં ડૉલીના હાથે એક પાવર બ્રોકરની હત્યા થઈ જાય છે. ઈશી (જુહી ચાવલા) ત્રણેય બહેનપણીને તગેડી મૂકીને લાશને રિસોર્ટના કૃત્રિમ તળાવમાં નાખી દઈ સરકી જાય છે, પણ...

બીજી સવારે ઈશી સંઘમિત્રા તેના જ ફ્લેના બાથરૂમમાં મૃતપ્રાય મળે છે. ઈશીએ આત્મહત્યા કરી કે તેનું મર્ડર થયું તેનું ઇન્વેસ્ટિગેશન સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની ઇન્સ્પેક્ટર ગીતા (કરિશ્મા તન્ના, એ પણ મહિલા!)ને સોંપવામાં આવે છે.

પાર્ટીમાં ઈશી સાથે ઝઘડો કરી રહેલો (જેની અજાણતાં હત્યા થઈ ગઈ) એ શખ્સ કોણ હતો? ઈશીની સાથે તેને શી રકઝક  થયેલી? એ જ રાતે ઈશીનું મૃત્યુ કેમ થયું? કે એણે આત્મહત્યા શા માટે કરી? જો હત્યા થઈ તો કોણે કરી? આ આખું વિષચક્ર છે શું? 

`એમેઝોન પ્રાઇમ' પરની `હશ હશ' વેબ સિરીઝ આ તમામ સવાલોના જવાબ આપે છે અને એવી રીતે આપે છે કે આપણે સતત ચમકતા અને ચોંકતા રહીએ. વેબ સિરીઝના છેલ્લા બે-ત્રણ એપિસોડમાં મીરા યાદવના પાત્રમાં આયેશા ઝુલ્કાની એન્ટ્રી થતાં જ આ કથામાં એક એવો વળાંક આવે છે કે આપણને દિલ્હીની પાવર ગેમની વિકૃતિ પર ચીતરી છૂટે.

`હશ હશ' તનુજા ચંદ્રાની નિગેહબાનીમાં તૈયાર થઈ છે, પણ તેના ત્રણ એપિસોડ કોયલ નૈથાની અને આશિષ પાંડેએ ડિરેક્ટ કર્યા છે અને લેખનનો પોર્ટફોલિયો તનુજા ચંદ્રા ઉપરાંત જુહી ચતુર્વેદી (ગુલાબો સિતાબો, ઑક્ટોબર, પિકુ, વિકિ ડોનરના લેખિકા) અને આશિષ મહેતા તેમજ શીખા શર્માએ બખુબીથી સંભાળ્યો છે. મહિલા ઓરિએન્ટેડ ક્નટેન્ટમાં (પુરુષોને) કંટાળો આવવાની શક્યતા વધુ રહે છે, પરંતુ `હશ હશ'માં એવું થતું નથી. ઊલ્ટું `હશ હશ'નું ક્નટેન્ટ એવું છે કે કદાચ મહિલા દર્શકોને આકર્ષે નહીં.

અભિનયમાં બધા સરસ છે, પણ સોહા અલી ખાનની ઉંમર વધુ દેખાયા કરવાનું અનાયાસ નોંધાય જાય છે અને એસટીએફની અફસર ગીતા (કરિશ્મા તન્ના)ને શા કારણે સમલિંગી દેખાડી છે એ સમજાતું નથી. કદાચ  2020 પછીનો આ ટે્રન્ડ છે કે પોલીસ ઑફિસરના કિરદારને કાયમ ડિસ્ટર્બ, પરિવારથી પીડિત, ભૂતકાળથી રિબાતો, એબનૉર્મલ યા સમલિંગી બતાવવામાં આવે. અજય દેવગણ (રુદ્રા)થી માંડીને તમામ વેબ સિરીઝમાં તમે આ જોઈ શકો છો. વેબ સિરીઝનો પોલીસ અફસર ઇન્વેસ્ટિગેશન કરતાં પોતાના અંગત ગૂંચવાડામાં રચ્યોપચ્યો વધુ દેખાડવામાં આવે છે અને `હશ હશ' પણ તેમાંથી બાકાત નથી.