અમદાવાદઃ રાજ્યમાં દારૂ પર પર પ્રતિબંધ હોવા છતાં ગમે તે ખૂણામાં માંગો તે બ્રાન્ડનો દારૂ છૂટથી મળે છે. આ ઉપરાંત પોલીસથી બચવા બુટલેગરો પણ અવનવા કિમીયા અજમાવે છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસેથી પોલીસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું.
મળતી વિગત પ્રમાણે, ઉદયપુરથી દારૂ ભરીને કન્ટેનર વડોદરા જતું હતું. પોલીસે મળેલી બાતમીના આધારે નિકોલના દાસ્તાન સર્કલ પર વૉચ ગોઠવી હતી. ટેન્કર આવતાં ટ્રાફિકજામ કરીને તેને રોકવામાં આવ્યું હતું. તેમજ ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે ટ્રકમાં રિસાયકલિંગ પ્લાસ્ટિક વેપર્સ હોવાનું જણાવ્યું હતું.
જે બાદ પોલીસે ટ્રકનું સીલ તોડ્યું ત્યારે તેમાં તાડ પતરી ઢાંકેલી જોવા મળી હતી. જેને ઉંચકાવીને જોતાં ખાખી પૂંઠાના ઘણા બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સ ચેક કરતાં તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રકમાંથી રૂ. 1.19 કરોડની કિંમતની 22,668 દારૂની બોટલ જપ્ત કરી હતી. પોલીસે કુલ 1.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગત પ્રમાણે, ઉદયપુરમાં રહેતા રવિ નામના વ્યક્તિએ આ જથ્થો ભર્યો હતો અને ડિલિવરી કરવા ડ્રાઈવરને 50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. દારૂની ડિલિવરી વડોદરામાં કરવાની હતી. વડોદરા પહોંચ્યા બાદ અજાણ્યો વ્યક્તિ ટ્રક લઈને ખાલી કરીને પરત આપી જવાનો હતો. પોલીસે વડોદરામાં આ જથ્થો કોણે મંગાવ્યો હતો, કોણ કોણ સંકળાયેલું છે તેની તપાસ હાથ ધરી હતી.