નવી દિલ્હીઃ સીબીએસઈ (CBSE) 12મા બોર્ડનું પરિણામ જ્યારે બહાર આવ્યું છે, ત્યારથી લઈને અત્યાર સુધી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) સવાલોના ઘેરામાં જ છે. ક્યારેક ઓન-સ્ક્રીન માર્કિંગ એટલે કે ઓએસએમ (OSM) દ્વારા થયેલી મૂલ્યાંકન પ્રક્રિયા પર સવાલો ઉઠ્યા, તો ક્યારેક વિદ્યાર્થીઓએ આન્સર શીટ (ઉત્તરવહી) ની ફોટોકોપીમાંથી કેટલાક પાનાં ગાયબ હોવાની પણ ફરિયાદ કરી. તાજેતરમાં જ એક 19 વર્ષના યુવકે સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો હતો કે તેણે OSM પોર્ટલ હેક કરી લીધું હતું. જોકે બાદમાં બોર્ડે તે પોર્ટલને ડમી પોર્ટલ ગણાવ્યું હતું, પરંતુ હવે ફરી એકવાર સીબીએસઈ પોર્ટલને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારી સૂત્રોએ ગત શુક્રવારે એ માહિતી આપી હતી કે સીબીએસઈના પુનઃમૂલ્યાંકન (રી-ઇવેલ્યુએશન) પોર્ટલની પેમેન્ટ સિસ્ટમ પર ‘સાઇબર એટેક’ થયો હતો અને આશરે 50 વિદ્યાર્થીઓએ અનધિકૃત રીતે પોર્ટલ સુધી પહોંચ મેળવી લીધી હતી.
અરજી ફી 68,000 રૂપિયા દેખાવા લાગી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જ સમસ્યાના કારણે સીબીએસઈ (CBSE) પોર્ટલ પર આન્સર શીટની ફોટોકોપી મેળવવા માટેની અરજી ફી અલગ-અલગ દેખાવા લાગી હતી. આમ તો સીબીએસઈએ ફી 700 રૂપિયાથી ઘટાડીને 100 રૂપિયા કરી દીધી હતી, પરંતુ ઘણા કિસ્સાઓમાં આ રકમ 1 રૂપિયાથી લઈને અંદાજે 67,000 થી 68,0000 રૂપિયા સુધી વધતી-ઘટતી રહી.
અરજી ફીમાં આ ગરબડ સીબીએસઈ પોર્ટલ લાઈવ થયું તે સમયે જ સામે આવી હતી. સૂત્રે જણાવ્યું કે પોર્ટલ કેટલાક સમયથી કામ નહોતું કરી રહ્યું. 50 બાળકોના પેમેન્ટ સંબંધિત કેટલીક સમસ્યાઓ હતી અને તેમણે સિસ્ટમમાં ચેડાં (હેરાફેરી) કર્યા હતા.
1 જૂને ખુલશે રી-વેલ્યુએશન માટેનું અરજી પોર્ટલ
પહેલાં એવું માનવામાં આવતું હતું કે સીબીએસઈ (CBSE) 12માની ઉત્તરવહીઓના રી-ઇવેલ્યુએશન (પુનઃમૂલ્યાંકન) માટેનું અરજી પોર્ટલ 29 મેના રોજ ખુલશે, પરંતુ હવે સીબીએસઈએ એ સ્પષ્ટ કરી દીધું છે કે અરજી પોર્ટલ 1 જૂને ખુલશે.