દિવ્યકાંત પંડ્યા
આજના સમયમાં બોલિવૂડમાં કલાકારોની કમી નથી. દર થોડા મહિનામાં નવા ચહેરા લૉન્ચ થાય છે, નવા સ્ટારકિડ આવે છે, સોશ્યલ મીડિયા પર કોઈ ને કોઈ નૅશનલ ક્રશ બની જાય છે અને ઓટીટીના કારણે અભિનેતાઓને દેખાવાની તક પણ પહેલાંથી ઘણી વધારે મળી ગઈ છે. આમ છતાં એક વાત સ્પષ્ટ દેખાય છે કે બોલિવૂડ છેલ્લાં ઘણાં વર્ષોથી એક પણ એવો સુપરસ્ટાર બનાવી શક્યું નથી, જેની પાછળ આખો દેશ પાગલ થઈ જાય.
આજે સફળ કલાકારો છે, સારા અભિનેતાઓ છે, લોકપ્રિય ચહેરાઓ છે, પણ કોઈ સુપરસ્ટાર નથી અને કદાચ સૌથી મોટો સવાલ એ છે કે શું બોલિવૂડને હવે સુપરસ્ટાર બનાવતાં જ આવડતું નથી?
આ વાત માત્ર ટૅલેન્ટની નથી. હકીકતમાં આજના ઘણા યુવા કલાકારો પહેલાંની પેઢી કરતાં વધુ ટ્રેન્ડ અને ટેક્નિકલી સારા છે, છતાં તે બધા લોકોના દિલમાં એ જગ્યા બનાવી શકતા નથી જે જગ્યા શાહરુખ ખાન, સલમાન ખાન કે આમિર ખાને બનાવી હતી.
નેવુંના દાયકામાં અને આ સદીની શરૂઆતમાં સ્ટારડમનું આખું ગણિત જ અલગ હતું. ત્યારે લોકો પોતાના મનપસંદ કલાકારોને રોજ નહોતા જોતા. એક મૅગેઝિનનું કવર, ટીવી પર કોઈ ઇન્ટરવ્યૂ, ઍવૉર્ડ શો અથવા નવી ફિલ્મનું પોસ્ટર જ લોકોને ઉત્સાહિત કરવા પૂરતું હતું.
કલાકારો લોકો માટે દૂર હતા અને એ અંતરે જ તેમને મોટા બનાવ્યા. લોકો પોતાની કલ્પનાઓથી સ્ટારને વધુ વિશાળ બનાવતા. શાહરુખ ખાન માત્ર અભિનેતા નહોતો રહ્યો. તે રોમાન્સનું પ્રતીક બની ગયો. સામાન્ય મધ્યમવર્ગીય છોકરો પણ સફળ થઈ શકે એવી આશા બની ગયો. સલમાન ખાન માત્ર હીરો નહોતો. તે સ્ટાઇલ, બેફિકરી અને સ્વેગનું પ્રતીક બની ગયો.
આજના સમયમાં સમસ્યા એ છે કે સ્ટાર્સ હવે બહુ સરળતાથી ઉપલબ્ધ થઈ ગયા છે. `ઇન્સ્ટાગ્રામે' દરેક અભિનેતાને રોજિંદા જીવનનો ભાગ બનાવી દીધો છે. આજે લોકો કલાકારોને ઍરપોર્ટ પર જુએ છે, જિમની બહાર જુએ છે, વેકેશનમાં જુએ છે, ઘરમાં શું ખાય છે તે પણ જાણે છે. પહેલાંના સમય માં સ્ટારને જોવું એક ઘટના લાગતી હતી. હવે તે રોજિંદી વાત બની ગઈ છે અને જ્યારે કોઈ વ્યક્તિ બહુ જ સરળતાથી મળવા લાગે ત્યારે તેની આસપાસની જાદૂઈ `અસર' ઓછી થવા લાગે છે. સુપરસ્ટાર માટે થોડું અંતર જરૂરી હોય છે, કારણ કે લોકો જેને સંપૂર્ણ રીતે જાણતા નથી તેને વધારે કલ્પે છે.
બીજો મોટો ફેરફાર એ આવ્યો છે કે આજના કલાકારો પાસે કોઈ સ્પષ્ટ ઓળખ નથી. શાહરુખ ખાનનું નામ આવે એટલે રોમાન્સ યાદ આવે. સલમાન ખાનનું નામ આવે એટલે મોટા પડદા પરનો મર્દ હીરો યાદ આવે. આમિર ખાનનું નામ આવે એટલે અલગ પ્રકારની ફિલ્મ્સ અને પરફેક્શન યાદ આવે.
આજે ઘણા યુવા કલાકારો બધું જ બનવા માગે છે. એક ફિલ્મમાં ઍક્શન, બીજીમાં રિયાલિસ્ટિક સિનેમા, પછી કૉમેડી, પછી પેન ઇન્ડિયા ફિલ્મ, પછી ઓટીટી પ્રકારનું પાત્ર... પરિણામે તેની કોઈ ચોક્કસ ઇમેજ બને એ પહેલાં તે વિખેરાઈ જાય છે - તેમની પોતાની અલગ છબી જ ઊભી થતી નથી (આર્ટિસ્ટિક ચૉઇસ અને સમયની માગ છે, એમાં કશું ખોટું પણ નથી).
આજે બોલિવૂડ ઘણીવાર રિયાલિસ્ટિક સિનેમા અને માસ સિનેમાની વચ્ચે વધુ અટવાઈ ગયું છે. બીજી તરફ દક્ષિણ ભારતીય સિનેમા આજે પણ પોતાના સ્ટાર્સને લાર્જર ધેન લાઇફ દેખાડે છે. એટલે જ યશ, અલ્લુ અર્જુન અને પ્રભાસ જેવા કલાકારો માટે આજે પણ લોકોમાં એક અલગ પ્રકારની દીવાનગી જોવા મળે છે.
સોશ્યલ મીડિયા અને પી.આર. થકી પણ સ્ટારડમને નુકસાન પહોંચ્યું છે. પહેલાં લોકો સ્ટાર્સને પોતાના પ્રેમથી મોટા બનાવતા. આજે ઘણીવાર લાગે છે કે પી.આર. ટીમ્સ સ્ટાર બનાવવાનો પ્રયાસ કરે છે. ઍરપોર્ટ લૂક્સ, પાપારાઝી માટે તૈયાર સ્માઇલ, ગોઠવેલા ઇન્ટરવ્યૂ, સતત દેખાવાની લાલસા... આ બધું જ બહુ ગણતરી મુજબનું લાગે છે. આજનો દર્શક બહુ સમજદાર છે. તેને તરત સમજાઈ જાય છે કે શું સાચું છે અને શું માત્ર ઇમેજ બિલ્ડિંગ છે. પરિણામે લોકો કલાકારો સાથે ઊંડું જોડાણ અનુભવી શકતા નથી.
પહેલાં બોલિવૂડ દેશના મનોરંજનનું કેન્દ્ર હતું. આજે લોકો વેબ સિરીઝ જુએ છે, કોરિયન ડ્રામા જુએ છે, યૂટ્યુબર્સને ફૉલો કરે છે, ગેમિંગમાં સમય વિતાવે છે, સોશ્યલ મીડિયા સ્ક્રોલ કરે છે. એક જ સ્ટાર આખા દેશ પર રાજ કરી શકે એવો સમય હવે રહ્યો નથી. આજે કોઈ કલાકાર થોડા મહિના માટે ટે્રન્ડ થઈ શકે છે, પણ વર્ષો સુધી લોકોના દિલમાં રહેવું બહુ મુશ્કેલ બની ગયું છે.
બીજી તરફ સિનેમા જોવાની આદત પણ બદલાઈ ગઈ છે. પહેલાં લોકો પોતાની મનપસંદ ફિલ્મ્સ વારંવાર થિયેટરમાં જોતા. ગીતો વર્ષો સુધી ચાલતાં. ડાયલૉગ્સ લોકોની ભાષાનો ભાગ બની જતા. આજે ફિલ્મ્સ માત્ર થોડાં જ બે અઠવાડિયાંમાં જ ઓટીટી પર આવી જાય છે અને સોશ્યલ મીડિયાની દુનિયામાં લોકો તરત આગળ વધી જાય છે. ફિલ્મ્સ હવે લાંબા સમય સુધી સંસ્કૃતિનો ભાગ બની રહેતી નથી. એટલે સમસ્યા એ છે કે બોલિવૂડ હવે એવા સ્ટાર્સને ધીમે ધીમે બનાવી શકતું નથી. કદાચ આજના સમયમાં સૌથી વધુ ખૂટે છે તો એ જ ધીરજ અને એ જ જાદુ!
લાસ્ટ શોટ
સુપરસ્ટારડમ એટલે માત્ર શુક્રવારનું કલેક્શન નહીં. સુપરસ્ટારડમ એટલે તમારા ઘરની બહાર માત્ર તમને એક વાર હાથ હલાવતાં જોવા માટે રાહ જોતા લોકો છે. - શાહરુખ ખાન