ઉમેશ ત્રિવેદી
બોલિવૂડમાં એક અભિનેત્રી તરીકે નહીં, પણ ગ્લૅમરગર્લ તરીકે વધુ લોકપ્રિય થયેલી દિશા પટણી 2016થી ફિલ્મોમાં કાર્યરત છે. 10 વર્ષની કારકિર્દી દરમિયાન લગભગ 10થી 12 ફિલ્મો કરનારી દિશા પટણી ક્યારેક તેના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે તો ક્યારેક ફિલ્મનાં ઍક્શન દૃશ્યેોને કારણે અથવા તો સોશ્યલ મીડિયા પર તે પોતે વીડિયો મૂકે છે તેના કારણે સતત ચર્ચા થતી રહે છે.
કારકિર્દીની શરૂઆતમાં જ તેને જેકી ચેન જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના કલાકાર સાથે કામ કરવાની તક મળી હતી. `કુંગ ફુ યોગા' નામની એ ફિલ્મમાં તેણે પોતાનાં ઍક્શન દૃશ્યો જાતે જ ભજવ્યાં હતાં અને કારિકિર્દીની ત્રીજી ફિલ્મ એ તેની પહેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મ હતી.
બોલિવૂડમાં બહુ ઓછી અભિનેત્રીઓને આવી તક મળતી હોય છે, પણ એ તકનો એ જરાય ફાયદો ઉઠાવી શકી નહોતી. બોલિવૂડમાં તેની પહેલી ફિલ્મ `એમ. એસ. ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી' હતી. આ ફિલ્મમાં તેણે સીધી સાદી છોકરીની ભૂમિકા ભજવી હતી. તેને ફાળે જે દૃશ્યો આવ્યાં હતાં તેમાં તેણે અનોખી છાપ છોડી હતી. જોકે, આ ફિલ્મ પછી જ તેનું આખું અલગ જ રૂપ બહાર આવ્યું હતું.
દિશા એક બોલ્ડ-બિન્ધાસ્ત અભિનેત્રી છે. સોશ્યલ મીડિયા પર તે ખૂબ જ ઍક્ટિવ રહે છે અને તેમાં તે તેની જિમ ટ્રેનિંગના કે ઍક્શન ભર્યા વીડિયો મૂકતી હોય છે. તેમાંય તેની બોલ્ડનેસ બહાર છલકાતી હોય છે. ઉત્તર પ્રદેશના બરેલીમાં રાજપૂત કુટુંબમાં જન્મેલી દિશાના પિતા પોલીસ અધિકારી છે. તેના માતા સ્વાસ્થ્ય ઇન્સ્પેક્ટર છે. મોટી બહેન ખુશ્બુ ભારતીય લશ્કરમાં મેજર છે અને તે ફિટનેસ કોચ પણ છે. તેનો એક નાનો ભાઈ સૂર્યાંશ છે.
દિશા લખનઊની એમિટી યુનિવર્સિટીમાં એન્જિનિયરિગનો અભ્યાસ કરતી હતી, પણ બીજા વર્ષમાં તેણે અભ્યાસ પડતો મૂક્યો હતો. 2013માં `પોન્ડ્સ ફેમિના મિસ ઇન્ડિયા' ઇન્દોરમાં તે ફર્સ્ટ રનર અપ તરીકે પસંદગી પામી પછી તેની જિંદગીમાં ફેરફાર આવવા લાગ્યા. આ સૌંદર્યસ્પર્ધાને પગલે તેને પૂરી જગન્નાથની સાઉથની તેલુગુ ફિલ્મ `લોફર'માં તક મળી. જોકે, આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ચાલી નહોતી, પણ દિશાને અભિનેત્રી તરીકે દિશા મળી ગઈ.
ત્યાર પછી તેને ટી સિરીઝના આલ્બમની `બેફિકરા'માં તક મળી. આ આલ્બમમાં તેની સાથે ટાઇગર શ્રોફ પણ હતો. ત્યારથી તેની અને ટાઇગર શ્રોફની `ફ્રેન્ડશિપ' ગાજી, જે લાંબો સમય ટકી હતી. આ આલ્બમને પગલે તેને નીરજ પાંડેની `એમ.એસ. ધોની...' મળી. એ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ખૂબ જ ચાલી, સાથે જ દિશા પટણી બોલિવૂડમાં સ્થાયી થઈ ગઈ. આ ફિલ્મમાં સુશાંતસિંહ રાજપૂત અને કિયારા અડવાણી પણ હતાં.
પહેલી જ ફિલ્મમાં દિશાની ભૂમિકા જબરદસ્ત હતી, પણ આ ફિલ્મમાં બે અભિનેત્રી હતી. ત્યાર પછી દિશાએ જેટલી ફિલ્મો કરી છે તેમાં મોટા ભાગે બે અભિનેત્રીઓ રહી છે. `વેલકમ ટુ ન્યૂયૉર્ક'માં સોનાક્ષી સિંહા, લારા દત્તા, `ભારત'માં કેટરીના કૈફ, `એક વિલન રિટર્ન્સ'માં તારા સુતરિયા, `યોદ્ધા'માં રાશી ખન્ના, `કેલ્કિ 2898 એડી'માં દીપિકા પદુકોણ, `ઓ રોમિયો'માં તૃપ્તિ ડિમરી. આમ તેની મોટાભાગની ફિલ્મોમાં બે હિરોઇન રહી છે.
આ ઉપરાંત તેણે કેટલીક મહેમાન કલાકાર જેવી, તો કેટલીક સાવ નગણ્ય કહેવાય એવી ભૂમિકાઓ પણ કરી છે. `બાગી-ટુ', `મલંગ', `રાદે' જેવી મલ્ટી-સ્ટારર ફિલ્મ હતી અને તેમાં તેને ફાળે અભિનયક્ષમતા ઝળકે એવી ભૂમિકાઓ આવી નહોતી. મોટેભાગે તેનો ઉપયોગ `ગ્લૅમર ગર્લ' તરીકે જ થયો છે અને તે બોલ્ડ દૃશ્યો બિન્ધાસ્ત ભજવે છે.
તેની આગામી ફિલ્મ `વેલકમ ટુ જંગલ' છે તેમાં તો 39 કલાકારો છે. 26 જૂનના રિલીઝ થનારી આ ફિલ્મમાં તેની જોડી પહેલી જ વાર અક્ષયકુમાર સાથે છે. આ સિવાય ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીસ, રવિના ટંડન, અનિલ કપૂર, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, લારા દત્તા, પરેશ રાવળ, કૃષ્ણા અભિષેક, માનુષી છિલ્લર, અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તળપદે, બૉબી દેઓલ સહિત અનેક કલાકારો છે. તેમાં દિશા પટણીના ભાગે કેવાં અને કેટલાં દૃશ્યો હશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે.
એક સમયે દિશા પટણી અને શ્રોફ પરિવાર ખૂબ જ સારો સંબંધ ધરાવતા હતા. ટાઇગર શ્રોફ સાથે તેનું પ્રેમપ્રકરણ ખૂબ જ ગાજ્યું હતું, પણ અચાનક જ એ બધું શાંત પડી ગયું. દિશા અને ટાઇગરની બહેન કૃષ્ણાએ સોશ્યલ મીડિયા ગજાવી મૂક્યું હતું, પણ અચાનક જ એ સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
આજના જમાનાની યુવતી દિશા પટણી બોલ્ડ અને બિન્ધાસ્ત હોવાની સાથે જ ઍક્શનમાં પણ માસ્ટર છે. તેને જિમનો શોખ ટાઇગર શ્રોફને કારણે મળ્યો છે અને તે નિયમિત કસરત કરે છે. આ ઉપરાંત કરાટે, કિક બૉક્સિંગ પણ તે સારી રીતે કરી શકે છે. તેનો ફાયદો તેને ફિલ્મમાં પણ થાય છે. ફિલ્મોમાં તે પોતાનાં ઍક્શન દૃશ્યો પોતે જ ભજવે છે. ફિલ્મોમાં નેગેટિવ પાત્ર ભજવતાં પણ અચકાતી નથી.
સિદ્ધાાર્થ મલહોત્રા સાથેની `યોદ્ધા' ફિલ્મમાં તેણે ત્રાસવાદીની ભૂમિકા ભજવી હતી. તેની ભૂમિકા ઍરહોસ્ટેસની હતી. આ ભૂમિકામાં તેણે સાડીમાં જ ઍક્શન દૃશ્યો ભજવ્યાં હતાં તેની ખૂબ જ ચર્ચા થઈ હતી.
આમ દિશાપટણી બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવી ચૂકી છે,પણ હવે તેણે પોતાની અભિનયક્ષમતા પુરવાર કરવાની જરૂર છે.
ઓટીટીનું હોટસ્પોટઃ 30 મેથી પાંચ જૂન સુધી શું-શું જોશો?
આઇપીએલની ફાઇનલ 31 મેના જોવા મળશે. તેના પગલે છેલ્લા દોઢ બે મહિનાથી ચાલી રહેલા આ ક્રિકેટ કાર્નિવલનો અંત આવશે. ઓટીટી પર અત્યારે સૌથી મોટો વિવાદ ધુરંધરનો ચાલી રહ્યો છે. `ધુરધંર' અને `ધુરંધર-ટુ' રો એન્ડ `અનદેખા'નું 22 મેથી પ્રસારણ શરૂ થઈ ચૂક્યું છે.
હવે `જિયો હૉટસ્ટાર' અને `નેટફિલક્સ' બંને ચૅનલ પર આપણે આવતા અઠવાડિયે રજૂ થનારી કેટલીક ફિલ્મો અને સિરીઝ પર નજર નાખીએ... .
જિયો હૉટસ્ટાર: આ ચૅનલ પર 29 મે એટલે કે આજે શુક્રવારે અક્ષય કુમાર-અર્શદ વારસીની કૉમેડી ફિલ્મ `જૉલી એલએલબી-થ્રી'નું પ્રસારણ શરૂ થશે. આ સિવાય 29 મેના રોમાન્ટિક અંગ્રેજી કૉમેડી સિરીઝ `કઝીન્સ ઍન્ડ કલ્યાણમ' પણ શરૂ થઈ રહી છે.
નેટફ્લિક્સ: આ ઓટીટી ચૅનલ પર 31 મેએ દક્ષિણના સુપરસ્ટાર સૂર્યાની ઍક્શન ફિલ્મ `રેટ્રો'નું પ્રસારણ શરૂ થવાનું છે.
ઝી ફાઈવ: અહીં પાંચ જૂને મલયાલમ સ્પાય થ્રિલર`પેટ્રીયટ'નું પ્રસારણ હિન્દી તેમજ અન્ય ભાષામાં રજૂ થશે. આ ફિલ્મમાં મલયાલમ ફિલ્મના બે સુપરસ્ટાર મામૂટી અને મોહનલાલ એકસાથે જોવા મળશે.
બીજી તરફ ઓટીટી ચૅનલ નહીં, પણ `ડિસ્કવર' પર ખૂબ જ લોકપ્રિય એવી ફિલ્મોની બે ચૅનલ `કલર્સ સિનેપ્લેકસ' અને `સ્ટાર ગોલ્ડ' પર 30 મેએ `ધુરંધર'નો પહેલો ભાગ રજૂ થશે. સાંજે સાત વાગ્યાથી આ પ્રસારણ શરૂ થશે.