Sat May 30 2026

Logo

કચ્છમાં વાવાઝોડાં સાથે વરસાદની આગાહી: અગરિયાઓને તાકીદે સલામત સ્થળે ખસી જવા આદેશ

2026-05-30 14:03:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના પગલે રણપ્રદેશ કચ્છ જિલ્લામાં પ્રિ-મોન્સૂન વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં સવારથી જ ૧૫થી ૨૫ કિલોમીટરની ઝડપે અને ક્યાંક મહત્તમ ૩૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા તેજ પવને ધૂળની ડમરીઓ ઉડાડી હતી. 

હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, ૩૧મી મેથી ૪ જૂન દરમિયાન કચ્છમાં ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. તેજ પવનના કારણે ભુજમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને અંજાર-ગાંધીધામમાં ૩૭ ડિગ્રી નોંધાયું હતું, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ ૮૦થી ૯૦ ટકા જેટલું ઊંચું રહેતાં અસહ્ય ઉકળાટ અને બફારાથી જનજીવન આકુળવ્યાકુળ બન્યું હતું.

હવામાન વિભાગની આ આગાહીને પગલે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. વાવાઝોડાં અને ભારે વરસાદની સ્થિતિમાં જાનમાલનું નુકસાન અટકાવવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર દ્વારા ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત 'કચ્છ જિલ્લા સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન' ગાંધીધામ તેમજ 'અગરિયા હિતરક્ષક મંચ' રાપરને લેખિત પત્ર પાઠવીને મીઠાના અગરોમાં કામ કરતા તમામ અગરિયાઓ અને શ્રમિકોને તાકીદે સલામત સ્થળે ખસેડવા આદેશ અપાયો છે.

જ્યાં સુધી હવામાન વિભાગની આ અગમચેતી પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ અગરિયાએ રણ કે અગરોમાં જવું નહીં તેવી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, મીઠા ઉદ્યોગકારોને તેમનો તૈયાર થયેલો મીઠાનો જથ્થો સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા અને અગરોમાં લાગેલા સોલાર પંપોને નુકસાન ન થાય તે રીતે સલામત સ્થળે ખસેડવા જણાવવામાં આવ્યું છે. અગરિયા સંગઠનોને આ સરકારી માર્ગદર્શિકાનું છેવાડાના શ્રમિક સુધી ચુસ્તપણે પાલન કરાવવા વહીવટી તંત્ર દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)