Sat May 30 2026

Logo

ગુજરાતમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી, ધૂળની ડમરીઓ ઉડશે

2026-05-30 08:23:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદ - નવી દિલ્હીઃ  હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી 6 દિવસ પ્રિ મોન્સૂન ગતિવિધિની આગાહી કરી છે.  આ ઉપરાંત 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.  30 મે થી 4 જૂન દરમિયાન રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં સાંજના સમયે વાતાવરણમાં પલટાશે અને ધૂળની ડમરીઓ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે.

31 મે ના રોજ મહેસાણા અને સાબરકાંઠા સહિતના વિસ્તારો પલળશે. જ્યારે 1 જૂનના રોજ ચોમાસા પૂર્વેની આ સિસ્ટમ મધ્ય ગુજરાતમાં લંબાશે, જેના કારણે અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે. આગામી 2 જૂનના રોજ આ સિસ્ટમ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પણ આવરી લેશે. 

હવામાન વિભાગે માછીમારો અને ખેડૂતોને આ તીવ્ર પવન અને ગાજવીજ દરમિયાન સાવચેત રહેવા અને ખેત પેદાશોને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા ખાસ સૂચના આપી છે.

 

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે સમગ્ર ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. અગાઉ જ્યાં 92 ટકા વરસાદનું અનુમાન હતું, ત્યાં હવે ચોમાસાના ચાર મહિનામાં માત્ર 90 ટકા વરસાદનું જ અનુમાન છે.

જૂન મહિનાથી જ અસર જોવા મળશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વખતે જૂન મહિનામાં પણ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહી શકે છે. દેશમાં જૂન દરમિયાન સરેરાશ 166.9 મીમી વરસાદ થાય છે, પરંતુ આ વખતે આ આંકડો 92 ટકા સુધી મર્યાદિત રહેવાનું અનુમાન છે.

હવામાન વૈજ્ઞાનિકોના મતે, નબળા ચોમાસાનું સૌથી મોટું કારણ અલ નિનો છે. અગાઉ તેના જુલાઈમાં સક્રિય થવાની સંભાવના હતી, પરંતુ હવે જૂનમાં જ તેની અસર દેખાવાના સંકેતો છે. અલ નિનો પેટર્નને કારણે વરસાદ સામાન્ય કરતાં ઘણો ઓછો થવાના અનુમાન વચ્ચે કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, આનાથી જોડાયેલી તૈયારીઓ પર પૂરો ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ વખતના ખરીફ પાક માટે બિયારણ અને ખાતરની કોઈ અછત નથી.