Wed Jun 17 2026

Logo

અખરોટની આયાતમાં કસ્ટમ્સ ડ્યૂટી ચોરીના 138.84 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ મુંબઈમાં અનેક સ્થળે સીઆઇયુની રેઇડ: પાંચ જણની ધરપકડ

2026-06-17 19:28:19
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: નવી મુંબઈના ન્હાવા શેવામાં અખરોટની છેતરામણી આયાત સાથે સંકળાયેલા અત્યાધુનિક કસ્ટમ્સ ડ્યૂટી ચોરીના રેકેટનો અધિકારીઓએ પર્દાફાશ કર્યો હતો. કુલ 138.84 કરોડ રૂપિયાની ડ્યૂટી ચોરી કરાઇ હોવાનું સામે આવ્યા બાદ પાંચ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ન્હાવા શેવા ખાતે જવાહરલાલ નેહરુ કસ્ટમ્સ હાઉસ (જેએનસીએચ)ના સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા મુંબઈમાં અનેક સ્થળે રેઇડ પાડવામાં આવી હતી અને દસ્તાવેજી અને ડિજિટલ પુરાવા જપ્ત કરાયા હતા, એમ અધિકારીએ કહ્યું હતું.

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ યુનિટે (સીઆઇયુ) ચોક્કસ માહિતીને આધારે ‘ઑપરેશન કો-ફાઇન્ડ’ હાથ ધર્યું હતું, જેમાં આ સિન્ડિકેટનો પર્દાફાશ થયો હતો. ચીન, યુએસએ અને ચિલીથી આવેલાં ક્ધસાઇનમેન્ટ યુએઇના જેબેલ અલી થકી વાળવામાં આવ્યાં હતાં અને સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એસએએફટીએ) હેઠળ પ્રેફરન્શિયલ ટેલિફ લાભોનો ખોટી રીતે દાવો કરવા માટે તે અફઘાનિસ્તાનથી આવ્યા હોવાનું બતાવવામાં આવ્યું હતું. આ સ્કીમ હેઠળ અખરોટ પર અસરકારક ડ્યૂટી આશરે 110 ટકા પરથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી હતી.

બોગસ ટ્રાન્ઝિટ માર્ગ બતાવવા અને ખોટા દાવાઓને આધાર આપવા માટે દાણચોરોએ ઇરાનના બંદર અબ્બાસથી જેબેલ અલીમાં માલ આવ્યો હોવાનું દર્શાવતા બોગસ ટ્રાન્ઝિટ બિલ બનાવ્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.બાદમાં મુંબઈમાં ઘણા બધા સ્થળે રેઇડ પાડવામાં આવી હતી અને પૂરતા ડિજિટલ અને દસ્તાવેજી પુરાવા જપ્ત કરાયા હતા. આ પ્રકરણે પાંચ જણની ધરપકડ કરાઇ હતી.

12 જૂનના રોજ સીઆઇયુના અધિકારીઓએ સુરતના વેપારી દીપકભાઇ કાકડિયાના પુત્ર સ્નેહની ધરપકડ કરી હતી, જે આર્થિક લાભો માટે પ્રોક્સી આયાતકારો થકી માલોના ફાઇનાન્સિંગ, પ્રાપ્તિ, કસ્ટમ્સ ક્લિયરન્સ અને વેચાણને નિયંત્રિત કરતા માસ્ટરમાઇન્ડમાંથી એક છે, એવો એજન્સીનો આરોપ છે. તેને 12 દિવસની અદાલતી કસ્ટડી ફટકારાઇ હતી.જેએનસીએચ ખાતે આખા અખરોટ માટે દેશવ્યાપી આયાતના પ્રવાહોનું વિશ્ર્લેષણ કરાયું ત્યારે તપાસ હેઠળના સમયગાળામાં અફઘાનિસ્તાન મૂળના ડિક્લરેશન્સમાં અસામાન્ય ઉછાળો દર્શાવ્યો હતો, જે પછી અચાનક પડતી દર્શાવી હતી. 

આ છેતરપિંડીથી બજારમાં ઓછી કિંમતની આયાતો થતી હોવાથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં અસલી વેપારીઓ અન અખરોટના ઉત્પાદકોને નુકસાન થતું હતું, જે સાથે સરકારને પણ મોટી મહેસૂલી નુકસાની ભોગવવી પડતી હતી.તાજેતરમાં બોમ્બે હાઇ કોર્ટે એક રિટ અરજી પર અફઘાનિસ્તાનમાંથી હોવાનો દાવો કરાયેલા જપ્ત ક્ધસાઇનમેન્ટ છૂટા કરવાનો શરતી આદેશ આપ્યો હતો. તેમાં 2.78 કરોડ રૂપિયાની સંપૂર્ણ તફાવતની ડ્યૂટી અથવા તેટલી જ રકમની બૅંક ગેરન્ટી જમા કરવાની શરત રખાઇ હતી, જે કસ્ટમ્સ માટે મોટી રાહત હતી. (પીટીઆઇ)