મુંબઈ: ગોરેગામમાં નેસ્કો સેન્ટરના એક હૉલમાં મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝથી એમબીએના બે વિદ્યાર્થીનાં મોતના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે નેસ્કોના બે કર્મચારીના જામીન મંજૂર કર્યા હતા.
જસ્ટિસ શ્યામ ચાંડકની સિંગલ બૅન્ચે પ્રત્યેકી એક લાખ રૂપિયાની શ્યોરિટી આપવા, મહિનામાં એક વાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા અને પુરાવા સાથે ચેડાં ન કરવાના પણ નિર્દેશ આપ્યા હતા.
લાઈવ ઈવેન્ટ્સ માટે સિનિયર મૅનેજર સની જૈન (31) અને નેસ્કો એક્ઝિબિશનના વાઈસ પ્રેસિડેન્ટ (લાઈવ ઈવેન્ટ્સ અને આઈપી) બાલકૃષ્ણ બલરામ કુરુપ (46)ની 13 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં આયોજિત કોન્સર્ટમાં ગયેલા બે વિદ્યાર્થીના મૃત્યુ પછી બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
કોન્સર્ટમાં ગયેલા મૅનેજમેન્ટના સ્ટુડન્ટ્સ શ્રેયા રાય અને બિસ્મત ભસીને ડ્રગ્સના કથિત ઓવરડોઝને કારણે જીવ ગુમાવ્યા હતા. તપાસમાં જણાયું હતું કે બન્ને વિદ્યાર્થીએ એમડીએમએ (સામાન્ય રીતે એક્સ્ટેસી તરીકે ઓળખવામાં આવે છે)નું કથિત રીતે સેવન કર્યું હતું.
પોલીસે હાઈ કોર્ટને જામીન આદેશ સામે ચાર સપ્તાહનો સ્ટે આપવાની વિનંતી કરી હતી, જેથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય. જોકે જસ્ટિસ ચાંડકે ઇનકાર કરી દીધો હતો.
જામીન અરજીમાં બન્નેએ જણાવ્યું હતું કે સલામતી વ્યવસ્થામાં તેમની અથવા નેસ્કોની કોઈ ભૂમિકા નથી અને આ ઘટના માટે તેમને જવાબદાર ગણી શકાય નહીં.
તેમણે દાવો કર્યો હતો કે સિક્યોરિટી એરેન્જમેન્ટ થર્ડ પાર્ટીને સોંપવામાં આવી હતી. ડ્રગ્સની પ્રાપ્તિ, વિતરણ કે સેવન સાથે તેમને કોઈ લેવાદેવા નથી અને તેમના કહેવાથી કશું હસ્તગત પણ કરાયું નથી.
ઈવેન્ટના સ્થળે ડ્રગ્સ લઈ જવું અને સેવન કરવું પ્રતિબંધિત હતું. આ અંગેની શરતો ટિકિટ પર છાપવામાં આવી હતી અને સ્થળ ખાતે પ્રદર્શિત પણ કરાઈ હતી, એવું અરજીમાં જણાવાયું હતું.
(પીટીઆઈ)