Sat May 02 2026

Logo

એનસીબીનું ઑપરેશન વાઈટ સ્ટ્રાઈક

2026-05-02 10:12:00
Author: Yogesh C Patel
Article Image

ભિવંડી-નવી મુંબઈમાંથી 1,745 કરોડનું 349 કિલો કોકેન જપ્ત

નવી મુંબઈમાં એક વાહન આંતર્યા પછી ભિવંડીના ગોદામમાં રેઈડ: સૂત્રધારની શોધ શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ હાથ ધરેલા ઑપરેશન ‘વાઈટ સ્ટ્રાઈક’ને લગભગ છ મહિના બાદ જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ હતી. મુંબઈ નજીકના ભિવંડી અને નવી મુંબઈમાંથી અધધધ 349 કિલો કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત આશરે 1,745 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ઑપરેશન દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બહોળા પ્રમાણમાં ફેલાયેલા આ ઈન્ટરનૅશનલ ડ્રગ સપ્લાય નેટવર્કના સૂત્રધારની શોધ ચલાવાઈ રહી છે.

એનસીબીના અધિકારીના કહેવા મુજબ ભારતમાં દર વર્ષે માત્ર 200થી 300 કિલો કોકેન જપ્ત કરવામાં આવે છે, પરંતુ આ ઑપરેશન વાઈટ સ્ટ્રાઈક હેઠળ એક જ સમયે 349 કિલો કોકેન હસ્તગત કરાયું હતું. આ રૅકેટના સૂત્રધાર સહિત હેન્ડલર્સ, ફાઈનાન્સર અને કોકેન જ્યાં પહોંચાડવાનું હતું તેની માહિતી મેળવવામાં આવી રહી છે.

કહેવાય છે કે છ મહિના પહેલાંથી આ ઑપરેશનની શરૂઆત થઈ હતી. ડ્રગ્સનું મોટું ક્ધસાઈન્મેન્ટ ભારત આવ્યું હોવાની માહિતી એનસીબીને મળી હતી. માહિતીને આધારે સેન્ટ્રલ એજન્સીએ તપાસ હાથ ધરી હતી. એનસીબીની અનેક ટીમો આ ક્ધસાઈન્મેન્ટની વિગતો પ્રાપ્ત કરવા અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી.

આધારભૂત માહિતીને આધારે અધિકારીઓએ નવી મુંબઈના કળંબોલી ખાતેના કેડબ્લ્યુસી વેરહાઉસ કૉમ્પ્લેક્સ નજીક રજિસ્ટ્રેશન નંબર એમએચ-03-ડીવી-3803ના એક વાહનને આંતર્યું હતું. વાહનમાં તરત નજરે ન પડે તે રીતે કોકેન સંતાડવામાં આવ્યું હતું. વાહનમાંનાં કાર્ટનની તપાસ કરતાં કોકેનનાં 136 પૅકેટ્સ મળી આવ્યાં હતાં. ઘટનાસ્થળે જ તપાસ કરતાં પૅકેટ્સમાં કોકેન હોવાની ખાતરી થઈ હતી. દરેક પૅકેટ્સમાં એક-એક કિલો કોકેન ભરવામાં આવ્યું હતું.

વાહન સાથે પકડાયેલા શકમંદની આકરી પૂછપરછ કરવામાં આવતાં તેણે ભિવંડીના ગોદામની જાણકારી આપી હતી. ભિવંડના રેહનલ ગાંવ ખાતેના લક્ષ્મણ કમ્પાઉન્ડમાં આવેલા આ ગોદામ પર એનસીબીએ રેઈડ કરી હતી. ગોદામમાં પડેલી એક મશીન શંકાસ્પદ જણાતાં અધિકારીઓએ બારીકાઈથી તેની ચકાસણી કરી હતી. કહેવાય છે કે મશીનની કૅવિટી (બખોલ)માં કોકેઈનનાં પૅકેટ્સ સંતાડવામાં આવ્યાં હતાં.
મશીનમાંથી એક-એક કિલો કોકેન ભરેલાં 213 પૅકેટ્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ ઑપરેશન દરમિયાન જપ્ત કરાયેલાં કોકેનની કિંમત 1,745 કરોડ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ ક્ધસાઈન્મેન્ટ અંગે એનસીબી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.