Sat May 02 2026

Logo

ભિવંડી અને નવી મુંબઈથી જપ્ત કોકેન મશીનમાં સંતાડીને આયાત કરાયું?

2026-05-02 10:14:00
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ હાથ ધરેલા ઑપરેશન ‘વાઈટ સ્ટ્રાઈક’ હેઠળ ભિવંડી અને નવી મુંબઈથી પકડી પાડેલા કોકેનના સૌથી મોટા ક્ધસાઈન્મેન્ટની તપાસમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. કોકેનનો આ જથ્થો એક મશીનમાં સંતાડીને ભારતમાં આયાત કરવામાં આવ્યો હોવાની શક્યતા એનસીબીએ વ્યક્ત કરી હતી.

નવી મુંબઈના કળંબોલી ખાતે એક વાહનને આંતરીને મોટા પ્રમાણમાં કોકેન જપ્ત કરવાની સાથે એનસીબીએ એક શકમંદની ધરપકડ કરી હતી. આ શકમંદે આકરી પૂછપરછ બાદ ભિવંડીના રેહનલ ગાંવ ખાતેના ગોદામની માહિતી આપી હતી. માહિતીને આધારે એનસીબીના અધિકારીઓ ગોદામમાં પહોંચ્યા ત્યારે શરૂઆતમાં કોઈ ડ્રગ્સ નજરે પડ્યું નહોતું.

જોકે ગોદામમાં રાખવામાં આવેલા એક મશીનની બારીકાઈથી તપાસ કરતાં તેમાંથી 213 કિલો કોકેન મળી આવ્યું હતું. મશીનના અલગ અલગ ભાગોમાં બખોલ હતી, જેમાં કોકેન ભરેલાં પૅકેટ્સ સંતાડવામાં આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં અધિકારીઓને જાણવા મળ્યું હતું કે એ મશીન ભારતમાં આયાત કરવામાં આવ્યું હતું.


આ મશીન કયા દેશમાંથી અને ક્યારે આયાત કરાયું હતું તેની વિગતો અધિકારીઓ પ્રાપ્ત કરી રહ્યા છે. વળી, કસ્ટમ્સમાં મશીનની તપાસ થઈ હતી કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે મશીનને ઠેકઠેકાણેથી કાપવામાં આવ્યું હોવાનાં નિશાન હતાં. અધિકારીઓને શંકા છે કે કદાચ કોકેન અન્ય કોઈ વસ્તુમાં સંતાડીને ભારતમાં લાવવામાં આવ્યા પછી આ મશીનમાં સંતાડવામાં આવ્યું હોઈ શકે.
સામાન્ય રીતે ભારતમાં દર વર્ષે 200થી 300 કિલો કોકેન જપ્ત કરવામાં આવે છે, જ્યારે એનસીબીના લગભગ છ મહિનાના ઑપરેશન બાદ એક જ કાર્યવાહીમાં અંદાજે 1,745 કરોડ રૂપિયાનું 349 કિલો કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું.

વિશેષ પ્રકારે કરાયું પૅકિંગ
એનસીબીને ભિવંડીના ગોદામમાં પડેલા મશીનમાંથી મળી આવેલા પૅકેટ્સનું વિશેષ પ્રકારે પૅકિંગ કરવામાં આવ્યું હતું. દરેક પૅકેટ્સને નવ સ્તરની અલગ અલગ પ્રકારની પૉલિથીમાં પૅક કરવામાં આવ્યાં હતાં. આ નવ સ્તરમાંથી એક-એક સ્તર ગ્રીસી પદાર્થનું હતું, જેથી તેમાં સંતાડેલું કોકેન સહેલાઈથી નજરે ન પડે. આ પૅકિંગ એટલું વ્યવસ્થિત રીતે કરાયું હતું કે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. એ જ રીતે કળંબોલી ખાતેથી જપ્ત કરાયેલા વાહનમાં પણ ચાલાકીથી કોકેન સંતાડવામાં આવ્યું હતું. કાર્ટનમાં સંતાડવામાં આવેલાં પૅકેટ્સમાં ક્રિકેટ પેડ્સ અને ગ્લવ્ઝ હતા. આ પેડ્સ અને ગ્લવ્ઝમાં કોકેન છુપાવવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.