(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સી-વન શ્રેણીમાં આવતી જોખમી બિલ્ડિંગના રહેવાસીઓને બિલ્ડીંગ ખાલી કરી નાખવાની અને અન્ય શ્રેણીમાં આવતી જોખમી ઈમારતોને સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાની સલાહ આપી છે.ચોમાસામાં જોખમી ઈમારતો ધરાશયી થવાનું જોખમ વધી જતું હોય છે. તેથી દર વર્ષે ચોમાસા પહેલાં પાલિકા દ્વારા પોતાના વિસ્તારમાં આવેલી જૂની ઈમારતોને સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાની અપીલ કરવામાં આવતી હોય છે. તેમ જ સી-વન શ્રેણીની ઈમારતોને હાઈ કોર્ટના આદેશ મુજબ ખાલી કરાવવા માટે હાઉસિંગ સોસાયટીઓને નોટિસ આપવાની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે.
મહારાષ્ટ્ર મહાનગરપાલિકા અધિનિયમની ૨૬૫ (એ) મુજબ જે ઈમારત ૩૦ વર્ષથી વધુ જૂની હોય તેવી બિલ્ડીંગનું સ્ટ્રક્ચરલ ઓડિટ સંબંધિત હાઉસિંગ સોસાયટીએ એક વર્ષની અંદર મુંબઈ મહાનગરપાલિકા પાસે રજિસ્ટર્ડ હોય તેવા સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે કરાવી લેવું ફરજિયાત છે.નિયમ અનુુસાર બિલ્ડીંગનું આયુષ્ય ૧૫થી ૩૦ વર્ષ દરમ્યાનનું હોય તો ઓછામાં ઓછા પાંચ વર્ષમાં એક વખત તો જે ઈમારતનું આયુષ્ય ૩૦ વર્ષ કરતાં વધુ છે, તેનું ત્રણ વર્ષમાં એક વખત સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાનું ફરજિયાત છે.
નવી મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા થોડા સમય દરમ્યાનબિલ્ડીંગમાં આવેલા ફ્લેટમાં અંતર્ગત ફેરફારના કામ કરવામાં આવ્યા છે, જેમાં ફ્લોરિંગ બદલવા તેમ જ આરસીસી કૉલમ બીમ્સના સમારકામ કરતા સમયે સ્લેબ નીચેના માળા પર તૂટી પડવાનું પ્રમાણ વધી ગયું છે, તેના અનુસંધાનમાં નમૂદ કરવામાં આવ્યું છે કે નવી મુંબઈ મહાનગરપાલિકામાં રજિસ્ટર્ડ રહેલા સ્ટ્રક્ચરલ એન્જિનિયર મારફત પાસેથી આંતરિક અને બાહ્ય કામ કરવા માટે પાલિકા પાસેથી મંજૂરી લેવાની આવશ્યક રહેશે.