થાણે: નવી મુંબઈમાં ફ્લેટનાં તાળાં તોડીને 36 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીના કેસમાં ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
નવી મુંબઇના કળંબોલી વિસ્તારમાં આવેલી ઇમારતના ફ્લેટમાં ચોરી થઇ હતી અને ક્રાઇમ બ્રાન્ચે ચોવીસ કલાકમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપીઓ 9 માર્ચે સાંજે ફ્લેટનાં તાળાં તોડીને અંદર ઘૂસ્યા હતા અને 36 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરી ફરાર થયા હતા.
ચોરીની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. કેસની સમાંતર તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે 10 માર્ચે થાણે જિલ્લાના ડાયઘર ગામમાંથી ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓની ઓળખ પવન રોહિદાસ જાધવ (25), સુમિત રોહિદાસ જાધવ (22) અને શિવાજી જગન રાઠોડ (23) તરીકે થઇ હતી, જેમની પાસેથી ચોરીની મતા જપ્ત કરાઇ હતી.