Tue Jul 14 2026

Logo

નવી મુંબઈમાં એસી બસમાં આગ: કોઈ જખમી નહી

2026-07-14 20:33:38
Author: Sapna Desai
Article Image

મુંબઈ: નવી મુંબઈમાં બસ ડેપોમાં એક ઈલેક્ટ્રિક એર-કંડિશન્ડ બસના બેટરી યુનિટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે બસમાં કોઈ પ્રવાસી ન હોવાથી કોઈ જખમી થયું નહોતું. નવી મુંબઈ મ્યુનિલિપલ કૉર્પોરેશન ડિવિઝનના ફાયર ઓફિસર પુરષોત્તમ જાધવના જણાવ્યા મુજબ આ આગનો બનાવ સોમવારે મોડી સાંજે ૮.૩૦ વાગ્યાની આસપાસ નવી  મુંબઈના તુર્ભેના નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના બસ ડેપોમાં બન્યો હતો.

ઈમરજન્સી સર્વિસનો સ્ટાફ તથા ફાયરબ્રિગેડ તરત ઘટના સ્થળે દોડી ગયો હતો અને કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. બસનું બ્રેકડાઉન થયા બાદ બસને ડેપોમાં પાર્ક કરવામાં આવી હતી. અચાનક બસની રેર કેબિનમાં રહેલા બેટરી યુનિટમાં ટૅક્નિકલક ફૉલ્ટને કારણે આગ ફાટી નીકળી હતી. આગમાં બસને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

ડેપોમાં એ સમયે અન્ય બસ પણ પાર્ક કરેલી હતી. આગ પર નિયંત્રણ મેળવ્યા બાદ તેને અન્ય જગ્યા પર લઈ જવામાં આવી હતી. સદ્નસીબે અન્ય કોઈ બસને કે કર્મચારી આ દુર્ઘટનામાં જખમી થયો નહોતો.