નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયના પૂર્વ સેક્રેટરી આરવીએસ મણીએ એક ખાસ ઈન્ટવ્યૂમાં એવો ખુલાસો કર્યો જે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા. મીડિયા એજન્સીને આપેલા એક ખાસ ઈન્ટરવ્યૂમાં મણિએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે ભારત આવતી હતી એ સમયની આ વાત છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ પોતાની સાથે ડ્રગ્સ લાવતી હતી. એટલું જ નહીં એમની સાથે રહેલું ઓફિશિયલ ડેલિગેશન પોતાની સાથે ડ્રગ્સ લાવતા હતા. આ રીતે ડ્રગ્સ ટ્રાફિકિંગ થતું હતું. આ આપણા દેશમાં થયેલું છે. વર્ષ 2006-2007માં ભારતની મુલાકાતે આવનારી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ તથા પ્રતિનિધિ મંડળ પોતાની સાથે ડ્રગ્સ લઈને આવતા હતા.
ફડિંગ પાછળનું ગણિત
પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડીઓના નામ સાથે વાત કરતા સેક્રેટરીએ કહ્યું હતું કે, એ સમયે બોલર શેએબ અખ્તર અને મોહમ્મદ આસિફનું આ કિસ્સા સાથે ડાયરેક્ટ ક્નેક્શન છે. એક સત્તાવાર રિપોર્ટમાં નોંધાયેલું છે કે, આ બન્ને ખેલાડીઓએ પાકિસ્તાનના હાઈકમિશન સામે સ્વીકાર્યું છે કે, તેઓ ભારતમાં ડ્રગ્સ લઈને આવતા હતા. આ પછી બન્નેને ફરી પાકિસ્તાન રવાના કરી દેવામાં આવ્યા હતા.
તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે, આ પ્રકારના ડ્રગ્સ રેકેટ પાછળ એક ચોક્કસ પ્રકારનું ફંડ હોય છે. આ પાછળ પાકિસ્તાનની એજન્સી ISI નો હાથ છે અને આ પ્રકારના ગેરકાયદે કારોબારથી થતી કમાણીનો ઉપયોગ ભારતમાં જ આતંકવાદી હુમલાઓ કરવા માટે થાય છે.
આ પ્રકારની રણનીતિમાં 30 ટકાનું ફડિંગ હોય છે. આ સાથે મણિએ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે, પાકિસ્તાન ટીમના એક સમયના કોચ બોબ વુલ્મરે એ સમયે પણ આ પ્રકારની ડ્રગ્સ તસ્કરીનો વિરોધ કર્યો હતો. આના છ મહિના બાદ શંકાસ્પદ સ્થિતિમાં એમનું મોત નીપજ્યું હતું. બે ખેલાડીઓના આવા કારનામાને કારણે સમગ્ર પાકિસ્તાનની ક્રિકેટ ટીમ શંકાના દાયરામાં આવી ગઈ છે.
પાકિસ્તાનનો હેતુ ઉઘાડો પડ્યો
એના કોચનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ પામવા, ખેલાડીઓને પાછા મોકલી દેવા આ તમામ સ્થિતિના દરેક પોઈન્ટને જો જોડવામાં આવે તો પાકિસ્તાનના ડેલિગેશનનો હેતુ ઉઘાડો પડે છે. આ ડેલિગેશન પણ ભારતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગ માટે જવાબદાર હતું. ડ્ર્ગ્સ ટ્રાફિકિંગ કરીને જે ફંડ આવે એમાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી ષડયંત્રને અંજામ આપવો એ તો પાકિસ્તાનની જૂની પોલિસી રહી છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ ઈન્ટરવ્યૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો છે. જેની સામે કોઈ પાકિસ્તાની ક્રિકેટર કે હાઈકમાન્ડ તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી. એક અધિકારી તરફથી કરવામાં આવેલા દાવાને માનીને સવાલ કરવામાં આવ્યા છે.