નવી દિલ્હી: ભલે આપણે સ્વદેશીને પ્રોત્સાહન આપવાની વાતો કરીને વિદેશી માલના શક્ય તેટલા ઓછા ઉપયોગની હલક કરતાં હહોય પણ આંકડાઓ જોઈને તમે પણ ચોંકી ઊઠશો. ભારતમાં ચીની ઉત્પાદનોની વધતી જતી માંગનો અંદાજ વર્ષ 2026ના પ્રથમ છ મહિનાના આંકડા પરથી લગાવી શકાય છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં ચીની સામાનની આયાતમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે, જ્યારે તેની સામે નિકાસનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે. આ આંકડા દેશમાં ચીની પ્રોડક્ટ્સના વપરાશ અને તેની ભારે માંગને સ્પષ્ટપણે દર્શાવે છે.
વર્ષ 2026ના પ્રથમ છ મહિના (જાન્યુઆરીથી જૂન) દરમિયાન ભારત અને ચીન વચ્ચેનો કુલ વેપાર 91.72 અબજ ડોલર રહ્યો છે, જે ગત વર્ષની સરખામણીમાં 23.6 % નો વધારો સૂચવે છે. આ સમયગાળામાં ભારતની ચીન તરફની નિકાસ 37.2 % વધીને 12.31 અબજ ડોલર સુધી પહોંચી છે, પરંતુ તે આયાતની તુલનામાં હજુ પણ ઘણી ઓછી છે.
નિકાસમાં વધારો થયો હોવા છતાં, ભારતનો ચીન સાથેનો વેપાર ખાધ વધીને અંદાજે 67.1 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આ વેપાર ખાધનો અર્થ એ છે કે ભારતે ચીન પાસેથી જેટલા મૂલ્યનો સામાન ખરીદ્યો છે, તેના પ્રમાણમાં ચીનને ખૂબ જ ઓછો માલ વેચ્યો છે, પરિણામે વેપારમાં નુકસાન સતત વધી રહ્યું છે.
ચીનથી આયાત વધવાનું મુખ્ય કારણ ભારતની ઔદ્યોગિક અને તકનીકી જરૂરિયાતો છે. ભારત ચીન પાસેથી માત્ર તૈયાર માલ જ નહીં, પરંતુ ઈલેક્ટ્રોનિક્સ, મશીનો, ઔદ્યોગિક ઉપકરણો, રસાયણો અને વિવિધ કલ-પુર્જાઓની પણ મોટી માત્રામાં આયાત કરે છે. આ વસ્તુઓનો ઉપયોગ ભારત મોબાઈલ, દવાઓ, નવીકરણીય ઉર્જા અને એન્જિનિયરિંગ ક્ષેત્રના પ્રોજેક્ટ્સમાં કરે છે.
ભારત મુખ્યત્વે ચીન પાસેથી ટેલિકોમ પ્રોડક્ટ્સ, સ્માર્ટફોન અને તેના પાર્ટ્સ, સેમીકન્ડક્ટર (ચિપ્સ), લિથિયમ-આયન બેટરી, કમ્પ્યુટર અને ઔદ્યોગિક મશીનરી જેવો સામાન ખરીદે છે. તેની સામે ભારત ચીનને મુખ્યત્વે ખનિજો, પેટ્રોલિયમ ઉત્પાદનો, કાર્બનિક રસાયણો, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનો, રત્નો-જ્વેલરી તથા દવાઓ જેવી વસ્તુઓની નિકાસ કરે છે.