એસી કોચમાં મુસાફરોની ચોરી કરવાની આદતે વધારી રેલવેની ચિંતા; જાણો કયા શહેરો ચોરીમાં મોખરે
નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં રોજના કરોડો લોકો મુસાફરી કરે છે, ત્યારે લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં થનારી ચોરીને લઈ રેલવેની ઊંઘ હરામ થઈ ગઈ છે. એસી લોકલના કોચમાંથી પ્રવાસીઓ દ્વારા થનારી કથિત ચોરીને લઈ રેલવે એક્શન લઈ રહી છે, પરંતુ આ બાબતને લઈને રેલવેને સૌથી મોટો ફટકો પડી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.
એસી કોચમાં મુસાફરી કરતા પ્રવાસીઓને મળતા બેડરોલ જેવા કે ચાદર, ઓશિકા, ધાબળા અને નૅપ્કિનને લઈને એક અત્યંત ચોંકાવનારા અહેવાલો મળ્યા છે. મળેલી વિગતો મુજબ દરરોજ રાત્રે રેલવેના આશરે 8 લાખ પ્રવાસીઓમાંથી સરેરાશ પ્રત્યેક 1000 પ્રવાસીમાંથી એક પ્રવાસી પોતાની સાથે બેડરોલના કોઈને કોઈ સામાન ચોરી કરીને લઈ જતા હોય છે.
એક માહિતી મુજબ આંકડાઓથી જાણવા મળ્યું કે કોરોના મહામારી પછી જયારે જાન્યુઆરી 2022માં ચાદર, ઓશિકા અને કંબલ આપવાની સેવાઓ ફરી શરૂ કરવામાં આવી, ત્યારથી મે 2026 વચ્ચે ઓછામાં ઓછા 1.27 કરોડ બેડરોલના સામાનની ચોરી થઈ ચુકી હતી. વર્ષ 2022થી 2025 વચ્ચે આ ચોરીઓમાં 56 ટકા જેટલો વધારો થયો હતો.
સૌથી વધુ શું ચોરી થયું?
આ 4 વર્ષના સમયગાળામાં પ્રવાસીઓની આ લાલચ કે ચોરીના લીધે બેડરોલ કોન્ટ્રાક્ટરને લગભગ 104.51 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. પ્રવાસીઓની પસંદ પ્રમાણે ચોરી થનારા સામાનોની યાદીમાં સૌથી વધારે 46.54 લાખ જેટલા નેપ્કિન્સ, 41.13 લાખ જેટલી ચાદર, 23.59 લાખ જેટલા ઓશિકાના કવર, 12.95 લાખ ધાબળા અને 2.76 લાખ જેટલા ઓશિકાની ચોરી થઈ છે.
બિકાનેર અને રાંચી સૌથી મોખરે
રેલવેના 18 ઝોનના 54 વિભાગોથી મળેલા આંકડા અનુસાર, કુલ ચોરીના 67 ટકા હિસ્સો ફક્ત 10 વિભાગમાં હોય છે. જેમાં રાજસ્થાનનું બિકાનેર વિભાગ સૌથી મોખરે છે. જ્યાં બિકાનેરમાં 2022ની તુલનામાં ચોરીઓ 2.99 લાખથી વધીને 12.34 લાખ જેટલી હતી. બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં 79 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. દક્ષિણ ભારતના બે વિભાગોમાં એક તિરુચિરાપલ્લી અને પલક્કડથી એક પણ ચોરી નોંધાઈ નથી.
વળતર અટેન્ડન્ટને ચૂકવવું પડે
રેલવેના નિયમ અનુસાર, ટ્રેનોમાં બેડરોલ વહેંચણી અને ભેગા કરવાનું કામ અંગત ઠેકેદારોનું હોય છે. ટ્રેન છૂટ્યા પહેલા પ્રવાસીઓ પાસેથી સામાન પરત ભેગો કરવાની જવાબદારી કોચ અટેન્ડેન્ટની હોય છે.
ખોવાયેલા સામાનની રિકવરી
જયારે કોઈ પ્રવાસી ચાદર કે ઓશિકા પોતાની બેગમાં છુપાવીને લઇ જાય છે, ત્યારે રેલવે વિભાગ તેની કિંમત કોન્ટ્રાક્ટર પાસે વસૂલે છે. રેલવે બોર્ડના 2015ના પરિપત્ર મુજબ ખોવાયેલા સામાનની રિકવરી આ રીતે કરવામાં આવે છે, ઓશિકાના 115 રૂપિયા, ચાદરના 198 રૂપિયા, ઓશિકાના કવરના 55 રૂપિયા, નૅપ્કિનના 48 રૂપિયાને બ્લેન્કેટ 342 રૂપિયા.
રિપોર્ટમાં સોલાપુર વિભાગના એક બેડરોલ સપ્લાયરે જણાવ્યું હતું કે આ નુકસાનથી કંટાળીને તેણે પોતાના 3 વર્ષના કોન્ટ્રેક્ટને 14 મહિનામાં જ પૂર્ણ કર્યો હતા. કોન્ટ્રાક્ટરના આ નુક્સાનની ભરપાઈ તે ગરીબ લોકોની સેલરી કાપીને કરવામાં આવે છે, જે દિવસ રાત કોચમાં ડ્યુટી કરે છે.
રેલવે શું કહે છે?
રેલવે વિભાગના અધિકારીએ આ મામલા પર ગંભીર ચિંતાઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લિનન ચોરીને રોકવા અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રેલવેએ આ ખેંચને પૂરી કરવા માટે સતત વધુ બજેટ ખર્ચ કરીને નવા બેડરોલ સેટ ખરીદવા પડી રહ્યા છે.